1.53 કરોડની લૂંટમાં મેનેજરની હત્યા કરનાર અનુરાગે જ પોલીસમેનને ધક્કો મારી ભાગવા ફાયરિંગ કરતા સ્વબચાવમાં પોલીસે કર્યું ફાયરિંગ
ઈજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં જાપ્તા હેઠળ દાખલ : હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ એરપોર્ટ પોલીસમાં ફરિયાદ
- Advertisement -
રાજકોટની આજી જીઆઇડીસીમાં ફાયરિંગ કરી લૂંટ વિથ મર્ડરના ગુનાને અંજામ આપી નાસી છૂટેલા યુપીના 10 શખ્સોની પોલીસે ધરપકડ કરી તમામ મુદામાલ રિકવર કર્યો છે આ કેસમાં પેઢીના મેનેજર લાલજીભાઈ ઉપર ફાયરિંગ કરી હત્યા કરનાર આરોપી અનુરાગને ડિસ્કવરી પંચનામા અર્થે ક્રાઇમ બ્રાન્ચની ટિમ ગત સાંજે બામણબોર કે જ્યાં હથિયાર સંતાડ્યું હતું ત્યાં લઇ ગઈ હતી ત્યારે તેણે એક હથિયાર કાઢી પોલીસને સોંપી બીજું હથિયાર જે થોડે દૂર સંતાડ્યું હોય તે કાઢવા પોલીસમેનને ધક્કો મારી પછાડી દઈ સંતાડેલું હથિયાર કાઢી પોલીસ ટિમ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરતા સ્વબચાવમાં પીએસઆઈ વનરાજસિંહ ડોડીયાએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી આરોપીને પગમાં ગોળી ધરબી દેતા તે નીચે જ પડી ગયો હતો અને તેને હસ્તગત કરી પોલીસ વાનમાં સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે એરપોર્ટ પોલીસમાં હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ સહિતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ દીલીપસિંહ ડોડીયા ઉ.33એ યુપીના મિર્ઝાપુરના અનુરાગસીંગ ઓમ પ્રકાશસીંગ રાજપુત સામે એરપોર્ટ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે થોરાળા પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરના ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એ એસ ચાવડા હસ્તક ચાલતી હોય જેમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં વધુ આરોપીઓ હોવાથી તપાસમાં મદદ માટે એસીપી બસિયા દ્વારા સીટની રચના કરવામાં આવી છે જેના સભ્ય તરીકે અમારી નીમણૂંક કરી છે જેથી પીઆઇ ચાવડાએ અમને લેખીત હુકમ આપેલ કે રીમાન્ડ પરના આરોપી અનુરાગસીંગની પુછપરછ દરમ્યાન ગુન્હામાં ઉપયોગમાં લીધેલ હથીયા૨ કોઇ જગ્યાએ સંતાડેલ છે તે જગ્યા તે બતાવવા તૈયાર છે જેથી પંચો સાથે તે જગ્યાએ જઇ કાયદેસરની કાર્યવાહી કરવા લેખીતમાં હુકમ કરતા સ્ટાફના એ.એસ.આઇ. અમીતભાઈ અગ્રાવત તથા એ.એસ.આઈ. દિગ્પાલસિંહ જાડેજા તથા રાજેશભાઈ જળુ તથા ગોપાલભાઇ બોળીયા તથા સરકારી વાહનના ડ્રાઇવર રામશીભાઈ કળોતરા તથા અનુભાઈ ચાવડા સહિતના પંચો સાથે રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર નવા એરપોર્ટ હીરાસરથી આગળ ગુંદાળા ગામના પાટીયા પાસે આર.કે. ઇન્ડસ્ટ્રીઝ આવેલ હોય ત્યાં બાવળની ઝાળીમાં ગુન્હામાં ઉપયોગમાં લીધેલ હથીયાર રાખેલ હોવાનું આરોપીએ બતાવતા તે જગ્યાએ તપાસ કરતા ત્યાં ઝાખરામાંથી આરોપીએ એક દેશી બનાવટની પીસ્ટલ કાઢી આપેલ તેનું મેગઝીન કાઢી ચેક કરતા મેગજીન ખાલી હોય જેથી બોક્ષમાં મુકી સીલ કરી કબજે કર્યું હતું અને ત્યાંથી નીકળતી વખતે આરોપીને એક હાથમાં હાથકડી હોય તે એ.એસ.આઈ. અમિતભાઈ અગ્રાવતના હાથમાં હોય આરોપીએ તેમને ધક્કો મારી હાથકડી અમીતભાઈના હાથમાંથી છોડાવી ત્યાંથી આશરે 10થી 15 ફુટ દુર બાવળ પાસે બીજું એક હથિયાર તેને સંતાડેલ હોય તેની જાણ પોલીસને કરેલ ન હોય તે હથીયાર તેણે લઈ મારા અને મારી ટીમ સામે હથિયાર તાકી અમને કહેલ કે તુમ લોગ યહાં સે નહિ ગયે તો ગોલી માર દુંગા તેમ કહેતા મે આરોપીને હથિયાર નીચે મૂકી સરન્ડર કરવાની હીન્દીમાં વોર્નિંગ આપેલ પણ આરોપીએ અમારી વોર્નિંગને ઈગ્નોર કરી અમારા ઉપર તાકી રાખેલ જેથી હું આરોપીને સમજાવવા આગળ વધતા આરોપીએ મારા ઉપર અને મારી ટીમ ઉપર બે રાઉન્ડ એક પછી એક મારી નાંખવાના ઇરાદે ફાયર કરી દીધેલ અને ત્રીજો રાઉન્ડ ફાયર કરવા જતા મેં મારી સરકારી હથીયાર કાઢી મારા તથા મારી ટીમના સ્વબચાવ માટે એક રાઉન્ડ ફાયરીંગ કરેલ જે આરોપીના જમણા પગના ઘૂંટણ ઉપર વાગતા તેને ઇજા થતા આરોપી નીચે પડી ગયેલ અને અમે લોકોએ તાત્કાલિક આરોપી પાસે જઈ તેની પાસેથી પીસ્ટલ લઈ લીધેલ અને એના પગમાં બ્લીડિંગ થતુ હોય જેથી અમોએ આરોપીનો શર્ટ કાઢી એના પગમાં લોહી નીકળતુ હતુ ત્યાં બાંધી પ્રાથમીક સારવાર આપી આ બાબતે પોલીસ કંટ્રોલરૂમને બનાવની જાણ કરી તમામ સિનિયર અધિકારીઓને જણાવવા માટે સૂચના આપેલ તથા 108માં ફોન કરી બોલાવેલ પરંતુ તે આવે તે પહેલા તાત્કાલીક સારવાર માટે અમારી પાસેના સરકારી વાહનમાં આરોપીને લઈ સિવિલ હોસ્પિટલ માટે રવાના થયેલ અને સીવીલ હોસ્પીટલ રાજકોટ ખાતે આરોપીને સારવારમાં દાખલ કરેલ છે આ કેસની તપાસ એસીપી વી બી જાડેજા ચલાવી રહ્યા છે.
મિર્ઝાપુરના શખ્સે બંદૂક તાકી કહ્યું ” તુમ લોગ યહાં સે નહિ ગયે તો ગોલી માર દુંગા “
તાજેતરમાં બનેલી વેબસીરીઝમાં મિર્ઝાપુરની દર્શાવેલી પરિસ્થિતિ માફક જ મિર્ઝાપુરના શખ્સે આતંક મચાવ્યો હતો મિર્ઝાપુરના અનુરાગે પોલીસ સામે હથિયાર તાકી અમને કહેલ કે તુમ લોગ યહાં સે નહિ ગયે તો ગોલી માર દુંગા તેમ કહેતા પોલીસે આરોપીને સરન્ડર કરવાની વોર્નિંગ આપેલ પણ આરોપીએ હથિયાર તાકી રાખેલ જેથી સમજાવવા જતા આરોપીએ પોલીસને મારી નાખવા એક પછી એક મારી બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.
- Advertisement -
ડીસીપી જગદીશ બાંગરવા, રાકેશ દેસાઈ, એસીપી, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ખડેપગે
બામણબોર પાસે ક્રાઇમ બ્રાન્ચ ઉપર ફાયરિંગ થયાની અને પીએસઆઇ ડોડિયાએ સ્વબચાવમાં આરોપી ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કર્યાની જાણ થતા જ તુરંત ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી ક્રાઇમ બી બી બસિયા, એસીપી રાધિકા ભારાઈ, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો તાબડતોબ સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો અને મોડી રાત સુધી ખડેપગે રહ્યો હતો.
ઓપરેશન લંગડા અંતર્ગત રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પોલીસની કાર્યવાહી
રાજ્યભરમાં ગુનેગારોને તેની જ ભાષામાં સમજાવવાની સૂચના અન્વયે પોલીસ તે દિશામાં કામ કરી રહી છે ત્યારે ગઈકાલે લૂંટ વિથ મર્ડરના આરોપીએ ભાગવા ક્રાઇમ બ્રાન્ચના જવાનો ઉપર ફાયરિંગ કરતા ઓપરેશન લંગડા અંતર્ગત પીએસઆઈ ડોડિયાએ પગમાં ગોળી ધરબી આરોપી અનુરાગને ભોંભીતર કરી દીધો હતો તે પૃર્વે સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં કુખ્યાત આરોપીને પકડવા ગયેલ રેન્જ સ્ક્વોડના પીએસઆઈ ભાનુભાઇ મિયાત્રા પર હુમલાનો પ્રયાસ કરતા પીએસઆઈ મોરીએ તેને પણ ગોળી ધરબી દઈ લંગડો કરી દીધો હતો.




