શાહીબાગથી પીછો કરતા સમયે SMCની ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ, ફાયરિંગ થતાં બુટલેગર ફરાર
દારૂના કટિંગની બાતમી મળતા ત્રાટકી હતી SMC
- Advertisement -
અમદાવાદના એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ જવાના રસ્તા પર SMCની ટીમે ફાયરિંગ કર્યું હતું. SMCની ટીમ શાહીબાગથી બુટલેગરની ગાડીનો પીછો કરી રહી હતી, પરંતુ બુટલેગર ભાગી રહ્યો હતો. આ દરમિયાન બુટલેગરે SMCની ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરતા SMCની ટીમે બુટલેગરની ગાડી પર ફાયરિંગ કર્યું. જો કે ફાયરિંગ થતા જ બુટલેગર ત્યાંથી ભાગી ગયો હતો. હાલ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદની કાર્યવાહી ચાલી રહી છે. SMCની ટીમના PI મિતેશ ત્રિવેદીની ટીમને બાતમી મળી હતી કે, અસારવાના ખંડુભાઈ દેસાઈ હોલ પાસે દારૂ કટીંગ થઈ રહ્યું છે. જેથી SMCની ટીમ ત્યાં પહોંચી હતી. SMCની ટીમને જોઈને બુટલેગર ત્યાંથી ભાગ્યો હતો જેથી SMCની ટીમે બુટલેગરનો પીછો કર્યો હતો. બુટલેગર શાહીબાગ ડફનાળા થઈ એરપોર્ટ તરફ ભાગ્યો હતો. ત્યારે SMCની ટીમ પણ બુટલેગરનો પીછો કરી રહી હતી.
એરપોર્ટ સર્કલથી બુટલેગર ઇન્દિરા બ્રિજ તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે સરસ્વતી પાર્ક સોસાયટી પાસે SMCએ બુટલેગરની ગાડી રોકી હતી. આ સમયે SMCની ટીમ પર બુટલેગરે ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. બુટલેગર પર પોલીસ દ્વારા બચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જો કે બુટલેગર ત્યાંથી નાસી ગયો હતો. ત્યારે આ સમગ્ર મામલે SMC દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે.




