સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં AVBP નું અનોખું વિરોધ પ્રદર્શન
એક કચોરી દો સમોસા – VC તેરા ક્યા ભરોસા જેવા નારા લગાવી રામધૂન બોલાવાઈ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા મોડી પરીક્ષા અને 100 જેટલા પરિણામોમાં વિલંબને લઈને અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં કાર્યકર્તા ભાઈઓ અને બહેનો દ્વારા યુનિવર્સિટી પરિસરમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કુલપતિ ડૉ.ઉત્પલ જોશી અને કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં રામધૂન બોલાવવાની સાથે જૂતે મારો સાલો કો, શિક્ષા કે દલાલો કો; એક કચોરી દો સમોસા, VC તેરા ક્યા ભરોસા જેવા નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ABVP કાર્યકર્તાઓ દ્વારા કુલપતિને અપાયેલા આવેદનમાં જણાવ્યું હતું કે, ઘણી બધી પરીક્ષાઓ લાંબા સમયથી લેવાઈ ગઈ છે છતાં પણ પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી. જેમાં બી.કોમ. સેમ.2 (NEP – 2020), બી.એ. સેમ.1 અને 2 (NEP – 2020), બીએસ.સી. સેમ .2 એપ્રિલ – 2026), બી.એ. એસ.એસ.સેમ.1 (એપ્રિલ – 2026), બીસીએ સેમ.4 (NEP એપ્રિલ – 2026) તથા અન્ય પણ ઘણા બધા પરિણામ આવ્યા નથી. આ ઉપરાંત પીએચ.ડી. માં ભણતા બહેનો માટે કાયમી રેવા માટે હોસ્ટેલની વ્યવસ્થા નથી. બી.એ. એક્સટર્નલમાં વિદ્યાર્થીઓ સેમ.3 માં પહોંચી ગયા છતાં સેમ.1 ની પરીક્ષા લેવામાં આવેલી નથી. ઉપરોક્ત વિષયોનું 7 દિવસમાં નિરાકરણ નહીં લાવવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલનાત્મક માર્ગ પસંદ કરવામાં આવશે. જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ માધવ લોખીલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઘણી બધી પરીક્ષાઓ લઈ લેવામાં આવી છે પરંતુ તેના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી. પીએચ.ડી.ની બહેનો માટે રહેવા માટે હોસ્ટેલની કોઈ સુવિધા નથી. આ સાથે જ બી.એ. સેમેસ્ટર – 1 એક્સ્ટર્નલની પરીક્ષા લેવામાં આવી નથી. જેઓનું સેમેસ્ટર – 3 ચાલુ થઈ ગયું છે. જે માટે યજ્ઞ દ્વારા વિદ્યાર્થી પરિષદ દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે કે યુનિવર્સિટી પ્રશાસનને થોડી બુદ્ધિ આપે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છબરડાનો જ એક ભાગ છે કે અહીંના પરીક્ષાની નિયામક દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. જેથી અમારી માંગ છે કે તાત્કાલિક નવા પરીક્ષા નિયામકની નિમણૂક કરવામાં આવે અને પરિણામો જાહેર કરવામાં આવે.
- Advertisement -
કુલપતિ ડૉ. ઉત્પલ જોશી સમક્ષ વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આ દરમિયાન રામધૂન બોલવાની સાથે નારેબાજી કરવામાં આવી હતી. જેમાં છાત્ર શક્તિ, રાષ્ટ્ર શક્તિ; જૂતે મારો સાલો કો, શિક્ષા કે દલાલો કો; એક કચોરી દો સમોસા, VC તેરા ક્યા ભરોસા. જેવા નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન કુલપતિએ વહેલીતકે પરિણામ જાહેર કરવાની ખાતરી આપી હતી તો પીએચ.ડી.ની વિદ્યાર્થિનીઓને હોસ્ટેલની સુવિધા બાબતે મહિલા રેકટર રેખાબા જાડેજાને બોલવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ તેમને પણ રજૂઆત કરી હતી.




