મહિલાઓ સ્વતંત્ર, આત્મનિર્ભર અને સુરક્ષિત રહે તે હેતુથી મહિલાઓને કેન્દ્રમાં રાખીને રાજય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ મહિલા અને બાળ અધિકારી વિભાગ દ્વારા કાર્યાન્વિત કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પોલિસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર ( મહિલા સહાયતા કેન્દ્ર) નામની યોજના મહિલાઓનાં સંરક્ષણ માટે ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓને જરૂરીયાત મુજબનું માર્ગદર્શન આપી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. જેમાં પ્રત્યેક કેસની વિગતો ગોપનીય રાખવામાં આવે છે. આવા પ્રકારની સેવાઓ આપતા સમગ્ર રાજયમાં હાલ, કુલ 63 પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર ( મહિલા સહાયતા કેન્દ્ર ) કાર્યરત છે. જે અંતર્ગત રાજકોટમાં 3 અને ધોરાજીમાં 1 સેન્ટર કાર્યરત છે. જેનો લાભ કોઈ પણ હિંસાથી પીડીત યુવતી કે મહિલા લેખિતમાં અરજી કરીને કમિશનરશ્રી, મહિલા અને બાળવિકાસ વિભાગ, જિલ્લાઓમાં નિયત કરેલા પોલીસ સ્ટેશન(કાઉન્સેલર) અથવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરા ખાતેથી મેળવી શકે છે.
લાભ લેવા ઈચ્છુક મહિલાએ અરજી કરતી વખતે કેસ સબંધિત જરૂરી દસ્તાવેજો રજુ કરવાનાં રહેશે. તેમ મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલની યાદીમાં જણાવાયું છે.