10 વર્ષ સુધીમાં અંદાજીત 2927.71 કરોડના ખર્ચે ‘પ્રોજેક્ટ લાયન’ તૈયાર થશે
ખાસ-ખબર સંવાદદાતા
સાસણ ગીર સિંહ સદન ખાતે ’પ્રોજેક્ટ લાયન’ અંગેની કમિટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એશિયાટીક સિંહોના સંવર્ધન અને સંરક્ષણનું કાર્ય કરવા ઉપરાંત જે નવા વિસ્તારોમાં સિંહે પોતાના નવા રહેઠાંણ બનાવ્યા છે તેવા વિસ્તારોને ઓળખી અને તે વિસ્તારમાં તેને અનુકૂળ પર્યાવરણ ઉભુ કરવા સુવિધાઓ વિકસાવાશે.
ગીર જંગલમાં સિંહોની વસ્તી વર્ષ 2015માં 523 હતી. જે વર્ષ 2020માં પંચવર્ષીય ગણતરી મુજબ વધીને 674 થઈ છે. જે રીતે આસામમાં પ્રોજેક્ટ એલીફન્ટ, બંગાળમાં પ્રોજેક્ટ ટાઈગર અને ઉત્તર ભારતના જંગલોમાં પ્રોજેક્ટ રાઈનોઝ અમલમાં છે તે રીતે સૌરાષ્ટ્રના ગીર જંગલમાં વિશ્વવિખ્યાત એશિયાટિક સિંહ ગીરના જંગલ વિસ્તારની બહાર પણ એશિયાઈ સિંહો વસવાટ કરે અને તેમનું સંવર્ધન અને સંરક્ષણ કરવું પણ જરૂરી બને એવા શુભહેતુસર પ્રોજેક્ટ લાયન તૈયાર કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતની શાન સમા સિંહો આવાસની શોધમાં સતત વિસ્તારનો વધારો કરી રહ્યાં છે. જ્યાં હવે સાવરકુંડલા અને મોટા લિલિયા જેવા ક્ષેત્રમાં સિંહ દેખા દે છે. આ સિંહના સંરક્ષણ-સંવર્ધન સહિતની કામગીરી માટે આવતા 10 વર્ષ સુધીમાં અંદાજીત 2927.71 કરોડના ખર્ચે ‘પ્રોજેક્ટ લાયન’ અંતર્ગત સિંહોના સંવર્ધન માટે વિવિધ માળખાકિય સુવિધાઓ ઉપરાંત લાયન સેલ, વાઈલ્ડલાઈફ ડિસિઝ ડાયગ્નોસ્ટિક રિસર્ચ એન્ડ રેફરલ સેન્ટર, કેટલીકવાર સિંહો અકસ્માતે મૃત્યુ પામે છે તો આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સુરક્ષાનું માળખું વધુ સુદ્રઢ કરાશે.આ બેઠકમાં નેશનલ સ્ટિયરિંગ કમિટી ચેરમેન ડો.એસ.પી.યાદવ આસિ.ઈન્સ્પેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ ડો.ધીરજ મિત્તલ અને નાયબ વન સંરક્ષક મોહન રામ, અગ્ર મુખ્ય વનસંરક્ષક એન.શ્રીવાસ્તવ, કે.રમેશ સહિતના વરિષ્ઠ વન અધિકારીઓ, ટૂરિઝમ, ગઇંઅઈં, છઇ, રેલવે, પીજીવીસીએલ, બાયસેગ, સિવિલ એવિએશન, એગ્રીકલ્ચર, પંચાયત, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ઈરિગેશન ડિપાર્ટમેન્ટ, રેવન્યૂ ડિપાર્ટમેન્ટ સહિતના સંકળાયેલ વિભાગોના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.