બેફામ ચાલતા ઑવરલોડ રેતીના ડમ્પરો સામે લોકરોષ ભભૂકી ઊઠ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
- Advertisement -
વંથલીના કણજડી ગામે રેતીના બેફામ ડમ્પરોએ એક યુવાનને હડફટે લેતા ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગામના પિયુષ દેવાયતભાઈ મૈત્તર (27) વહેલી સવારે બાઇક લઈને વાડીએ જઈ રહ્યા હતા ત્યારે મધુવંતી નદીના પુલ પાસે એક ડમ્પરે તેમને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. યુવાનને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ રસ્તા પર ઉતરી ભારે હલ્લાબોલ કર્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર ડમ્પરને આગ ચાંપી દીધી હતી, સાથે જ ત્યાંથી પસાર થતા અન્ય ત્રણ ડમ્પરોના કાચ પણ ફોડી નાખ્યા હતા. પરિસ્થિતિ વણસતા વંથલી પોલીસ સ્ટેશનના પીઆઈ બી.જી. ચેતરીયા સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. ખાણ-ખનિજ વિભાગે પણ સ્થળ પર પહોંચી ડમ્પર કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામજનોએ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, અહીંથી બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરોને કારણે અકસ્માતનો સતત ભય રહે છે. શાળા નજીક હોવાથી બાળકો માટે જોખમ છે અને રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે. તંત્ર અને લીઝધારકોની મિલીભગતને કારણે ફરિયાદોનું નિરાકરણ આવતું નથી. રોષે ભરાયેલી મહિલાઓએ અધિકારીઓને ઘેરી લઈ સવાલોનો મારો ચલાવ્યો હતો. જો ઓવરલોડ વાહનો બંધ નહીં થાય તો આગામી સમયમાં રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.



