તંત્રે નોટિસ આપ્યા બાદ દસ્તાવેજ રજૂ થતા જમીન કૌભાંડની આશંકા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર રોડ પર આવેલા રાજસીતાપુર ગામની હદમાં આવતા પાંચ પીરની દરગાહની સામે રોડ ટચ અતિ કિંમતી જમીન પર છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર બાંધકામ ખડકી દુકાનો ઉતરી દેવાઈ છે અને સરકારી જમીન પર બનાવેલી દુકાનોને ત્રણથી ચાર લાખ રૂપિયામાં વેચી મારી હોવાનું સામે આવ્યું હતું. સાથે જ તમામ દુકાનોની પાછળના પ્લોટમાં મોબાઈલ ટાવર ઉભો કરી દર મહિને આશરે 25થી 30 હજારની ભાડું પણ વસૂલાય રહ્યું છે. ત્યારે આ મામલે રજૂઆતના અંતે ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપભાઈ આચાર્ય દ્વારા દુકાન ધારકોને નોટિસ આપી પુરાવા રજૂ કરવા લેખિત જણાવ્યું હતું જે બાદ સમય મર્યાદાના અંદર પુરાવા માટે જમીનનો દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
પરંતુ દસ્તાવેજ રજૂ થતા જ સરકારી જમીનને હડપ કરવા કૌભાંડ આચર્યું હોવાની શંકા ઉદભવી છે. કારણ કે જે દસ્તાવેજ પ્રાંત અધિકારી સમક્ષ રજૂ કરાયો તેમાં ક્યાય જમીન બીનખેતી કરાવ્યા અથવા સર્વે નંબરનો ઉલ્લેખ નથી માત્રને માત્ર આકરણી નંબર થકી દસ્તાવેજ ઊભો કરી દેવાયો છે. જેથી સ્પષ્ટ રીતે આકરણી નંબર થકી હાથ બનાવટી ઊભો કરી અતિ કિંમતી જમીનને હડપ કરવાનું કૌભાડ આચરાયું હોવાનું સામે આવે છે. તેવામાં કિંમતી જમીનને હડપ કરવા અને દસ્તાવેજ ઊભો કરવાં પાછળ પણ સ્થાનિક સરપંચ અને તલાટીની મુખ્ય ભૂમિકા વગર જમીન કૌભાડ પાર પડે તે શક્ય નથી ત્યારે હાલ તો સરકારી જમીન પર બાંધકામ કરી નોટીસના જવાબમાં દસ્તાવેજ રજૂ કરતા હવે પ્રાંત અધિકારી આ મામલાના ઊંડાણમાં જઈ તટસ્થ તપાસ હાથ ધરે તો મસમોટા કૌભાંડનો પર્દાફાસ થઈ શકે છે.



