આઈ લવ મોદી, જી-20 થીમ પતંગ સહિતના રંગબેરંગી પતંગો આકર્ષણનું કેન્દ્ર
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે જી-20 થીમ આધારિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની દબદબાભેર ઉજવણી થઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા તેમજ આંતરરાષ્ટ્રીય કાઈટ ફ્લાયર્સના હસ્તે દીપ પ્રાગ્ટ્ય કરવામાં આવ્યું હતું. જે પછી ઈન્ડોનેશિયા, લેબેનોન, લિથુઆનિયા, મોરેશિયસ, મેક્સિકો સહિતના 16 દેશો અને પુડ્ડુચેરી, તેલંગાણા, સિક્કિમ, રાજસ્થાન સહિતના 7 રાજ્યોમાંથી આવેલા 59 જેટલા કાઈટ ફ્લાયર્સે વિવિધ પતંગો ઉડાવી પોતાની પતંગકલા દર્શાવી હતી. પતંગોત્સવમાં આઈ લવ મોદી જી-20 થીમ પતંગ જેલીફિશ, બેટમેન, રિંગ કાઈટ, ઓક્ટોપસ કોબ્રા, સહિતના પતંગો શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. કાર્યક્રમની શરૂઆતમાં સૌ પ્રથમ ઢોલ-શરણાઈના સૂર અને કુમકુમ તિલકથી તમામ કાઈટ ફ્લાયર્સનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ભાવેશભાઈ ઉપાધ્યાયે તમામને 25000નો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતાં.
- Advertisement -
પરંપરાગત કાર્યક્રમ નિહાળી તમામ કાઈટ ફ્લાયર્સ મંત્રમુગ્ધ બન્યાં હતાં.આ તકે શાબ્દિક સ્વાગત નાયબ કલેક્ટર ભૂમિકાબહેન વાટલિયાએ જ્યારે આભારવિધિ પ્રાંત અધિકારી સરયુબા જસરોટિયાએ કરી હતી. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા, કાર્યપાલક ઈજનેર સુનિલ મકવાણા સહિતના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો પણ પતંગોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં.