-મેધા પંડ્યા ભટ્ટ
- અમે એકબીજાને ન્યૂડ ફોટા મોકલ્યા
- તેણે મારી પાસે મોબાઇલ રીચાર્જના અને અન્ય પૈસાની માગણી કરી
લેટ્સ ડેટની રીયલ સ્ટોરીઝની જ્યારથી શરૂઆત થઇ છે, તે પછી મને ઘણા નજીકના મિત્રોએ પણ પોતાની સાથે થયેલા અનુભવો શેર કર્યા છે. કેટલાક અજાણ્યા લોકોએ મારી સ્ટોરીઝ વાંચીને ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટરમાં મને મેસેજ કર્યા, તો કેટલાક નજીકના મિત્રોએ પણ સોશિયલ મીડીયાથી થયેલા ખરાબ અનુભવો વિશે મને જાણ કરી. હવેથી આવનારી બે-ત્રણ સ્ટોરીઝમાં મારા નજીકના મિત્રો સાથે થયેલા ખરાબ અનુભવો આપની સમક્ષ રજૂ કરીશ. ફક્ત ડેટીંગ એપ્સ જ નહીં, પણ સોશિયલ મીડિયા જેમકે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, સ્નેપચેટ, શેરચેટ, ટેલિગ્રામ, સિગ્નલ અને વિવિધ ડેટીંગ એપ્સ જેવી અનેક એપ્લિકેશન્સ તમારા માટે ખતરો ઊભો કરનારી તો ખરી જ. મોટાભાગની એપ્સમાં તમે અજાણ્યા લોકોની નજરમાં તરત જ ક્લીક થઇ જાવ છો. તેમાં શેટીંગમાં જઇને તમારે ફક્ત તમારા સંપર્ક સુધીની જ લીમીટને સેટ કરવી પડે છે. ત્યાં સુધીમાં તો કેટકેટલાય અજાણ્યા લોકો સુધી તમારા નંબર પહોંચી ચૂક્યા હોય છે. જોકે કોઇની સાથે વાત કરવી ન કરવી તેના માટે બ્લોક કરી દેવા જેવી ઉત્તમ સુવિધા તો છે જ પણ જેને પણ આપણી સાથે ખોટું કરવું છે, તે ગમે તે રીતે સંપર્ક કરી શકે છે. તેથી સોશિયલ મીડિયામાં આવનારી નવી નવી એપ્સનો ઉપયોગ સાવચેતી પૂર્વક કરવો.
- Advertisement -
મારા કેટલાક મિત્રો સાથે જે ઘટના બની તેની વાત કરીશ. જે તેમણે મને કહી. આ મિત્રોને ડેટીંગ એપ અને સોશિયલ મીડિયાના મેસેન્જરમાં ખરાબ અનુભવો થયા છે. બે-ત્રણ મિત્રોએ આર્ટીકલ વાંચીને ટીંડર એપને ડાઉનલોડ કરી. તેમાં કઇ રીતે છોકરી સાથે ડેટીંગ પર જઇ શકાય તેવો પ્રયત્ન કર્યો, તો બીજા કેટલાકને ફેસબુકમાં મેસેન્જરમાં અજાણી યુવતીઓ અને મહિલાઓએ સંપર્ક કરીને ખૂબ હેરાન કર્યા. આ મિત્રોને થોડી માનસિક અસર થઇ એવું કહી શકું કારણકે કોઇ અજાણી યુવતી તરફથી ધમકી મળે ત્યારે કોઇપણ સામાન્ય વ્યક્તિ પણ ગભરાઇ જતી હોય છે. તો આ તો સરળ યુવકો છે, જેમનો કોઇ વાંક ન હોવા છતાંય જાળમાં ફસાઇ ગયા હતા. તેઓ જે અખતરો કરવા ગયા તે એમને ખૂબ મોંઘો પડ્યો. આવી એપ પર જે લોકો છે, તે ખૂબ જ સ્માર્ટ હોય છે, તેમની માનસિકતાનું લેવલ છેતરપિંડીમાં પીએચડી કરી ચૂકેલું હોય છે, તેથી તેમની સામે સામાન્ય વ્યક્તિ ટક્કર લઇ શકે કે તેમની જેટલું સ્માર્ટ બનીને રહી શકે તે શક્ય જ નથી.
મારા આર્ટીકલને વાંચીને ઘણા લોકો આવી એપ્સ કે સોશિયલ મીડિયામાં અજાણ્યા સંપર્ક કરવાથી મનોરંજન મળી શકે તેવું ધારી લેતા હશે, પણ આ એક એવી દલદલ છે, જેમાં જો ઊતરવાનો પ્રયત્ન કરશો તો ઊંડાને ઊંડા ખૂંપાતા જ જશો. બહાર નીકળવા ઇચ્છતા હોવા છતાંય નીકળી શકશો નહીં. સાથે જ માનસિક આધાત અને નામોશી જેવી બાબતો અસર કરશે. હું લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે આ લખું છું. આવા પ્રકારની ઘટના પણ હવે લોકો સાથે બને છે અને કેવી રીતે લોકો તેનો ભોગ બને છે, તેમાંથી બહાર નીકળે છે. તો સાવધાન રહેવું તે દરેક વ્યક્તિ માટે જરૂરી છે.
દિનેશ છેલ્લા સાત વર્ષથી મારો ખૂબ જ સારો મિત્ર છે. મારા દરેક આર્ટીકલ રેગ્યુલર વાંચે છે. તેણે મને તેની સાથે ઘટના બની ગઇ ત્યારબાદ ફોન કરીને તેના સોલ્યુશન માટે સંપર્ક કર્યો. દિનેશ પાસેથી વિગતવાર વાત જાણીયે. મેધા હું તારા આર્ટીકલ વાંચું છું અને મને થયું કે ડેટીંગ એપ પર છોકરીઓ શું ખરેખર સરળતાથી મળી જતી હશે. જે રીતે છોકરીઓ યુવકો કે પુરુષોનો સંપર્ક કરીને તેમને મળતી હોય છે, અને તેમને જે સુખ પૂરું પાડે છે, તેવી ઇચ્છા ક્યાંક ને ક્યાંક મારા મનમાં પણ થવા લાગી. કામના ભારની વચ્ચે મને પણ થોડી હળવાશની પળો માણવાની અને આવી કોઇ અજાણી યુવતી સાથે ડેટીંગ એપ દ્વારા સંપર્ક કરીને ડેટ કરવાની ઇચ્છા થઇ. તને યાદ છે મેં તને પૂછ્યું હતું કે કઇ એપ વધારે અનુકૂળ રહેશે અને તે મને કહ્યું હતું કે આર્ટીકલમાં નામ આવે જ છે. તારા આર્ટીકલમાંથી ટીંડર એપ વિશે વાંચીને મેં તે ડાઉનલોડ કરી. મારી સાચી માહિતી સાથે જ હું ત્યાં જોડાઇ ગયો.
- Advertisement -
હું તેમાં એક મહિનાના પૈસા ભરીને રજીસ્ટર થયો. છોકરીઓના ફોટા જોતો ગયો અને તેમાંથી બે ત્રણ યુવતીઓને હેલો નો મેસેજ પણ કર્યો. મને નિશા નામની યુવતીનો જવાબ આવ્યો. હું તેની સાથે વાતચિત કરવા લાગ્યો. તે શરૂઆતથી જ મારી સાથે વાતચિત કરવામાં છૂટછાટ લેવા લાગી. મને કઇ કઇ બાબતો ઉત્તેજીત કરે છે, છોકરી કે સ્ત્રીના શરીરના ક્યા ભાગ પર મને શું કરવાનું પસંદ છે, હું કઇ રીતે સંબંધ બાંધવાનું પસંદ કરું છું જેવી વાતો તે મારી સાથે કરવા લાગી. મને તો ખરેખર મજા આવવા લાગી કારણકે કોઇ યુવતી સાથે આટલી ખુલ્લી વાતો આજ પહેલા મેં ક્યારેય કરી નહોતી. પુરુષોને આવી રીતે વાત કરતી યુવતીઓ વધારે આકર્ષતી હોય છે, તે મને નિશા સાથે વાત કરતા કરતા લાગ્યું. તેણે મારો વોટ્સઅપ નંબર માંગ્યો અને મેં તેને આપી દીધો.
અમે બંને વોટ્સઅપ પર વાત કરવા લાગ્યા. બે દિવસ સુધી તેણે મારી સાથે વાતો કરી અને મને તેના તરફનું એક અલગ જ આકર્ષણ ઊભુ થઇ ગયું હોય તેવું મને લાગ્યું. હું તેને મળવા માટે કહેવા લાગ્યો. અચાનક બે દિવસ તેના મેસેજ ન આવ્યા. મેં તેના નંબર પર ફોન કર્યો તો નંબર સ્વીચ ઓફ બતાવતો હતો. મને થયું કે ખાલી વાતચિત કરવા માટે જ મારી સાથે સંબંધ રાખ્યો હશે. હું તો ફરી અન્ય યુવતીઓને મેસેજ કરવા લાગ્યો, કે તેમાંથી કોઇ મળે અને ફરીથી કોઇની સાથે વાતચિત થાય જે મુલાકાત સુધી પહોંચે. સાલું ખબર નહીં પણ નિશા સાથેની વાતચિત અને તેની બોલ્ડનેસ મગજમાંથી જતી જ નહોતી. હું મારા કામમાં વ્યસ્ત રહેવા લાગ્યો. થોડો સમય થયો ત્યાં અચાનક મારા વોટ્સઅપમાં એક અજાણ્યા નંબર પરથી મને કેટલાક સ્ક્રિનશોટ આવવા લાગ્યા. મેં જોયું તો મારી અને નિશાની ટીંડરમાં થયેલી અને વોટ્સમાં થયેલી ચેટના તે સ્ક્રિનશોટ હતા.
હું તો હજી જોઇ જ રહ્યો હતો ત્યાં મને તરત જ તે નંબર પરથી ફોન આવ્યો. સામે છેડે નિશા હતી અને મને કહ્યું કે મને 599નું મોબાઇલ રીચાર્જ કરાવી દે મારો ફોન બંધ થઇ ગયો છે. મેં તેને કહ્યું કે તે મને સ્ક્રિનશોટ કેમ મોકલ્યા તો તેણે કહ્યું કે આ નવા નંબર પર ગુગલ પે છે, તેમાં અગિયાર હજાર તેને મોકલું, નહીંતર તે અમારા બંનેના સ્ક્રિનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. તેણે મારી બધી માહિતી સોશિયલ મીડિયા પરથી મેળવી લીધી હતી. હું તો કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતી થઇ ગઇ. અમારી ચેટ દરમિયાન અમે બંનેએ એકબીજાને ન્યૂડ ફોટા પણ પોસ્ટ કર્યા હતા, તે પણ સ્ક્રિનશોટમાં હતા. મેં તેની પાસે ફોટા મંગાવ્યા હતા તેવી વાતો પણ હતી. તેણે પોતે કરેલી ચેટ ડિલીટ કરીને મારી ઇમેજ ખરાબ ચિતરાય તેવા પ્રકારની ચેટ રાખી હતી. હું બે ઘડી ગભરાઇ ગયો અને મેં તેને પગાર આવે પછી પાંચ દિવસમાં પૈસા મોકલું તેમ કહ્યું. તેણે થોડી આનાકાની કરી પણ મારી વાત માની ગઇ. અંતે કંઇ ન સૂજતા મેધા મેં તને ફોન કર્યો.
દિનેશે મને ફોન કર્યો ત્યારે મેં તેને પહેલા તો આ આર્ટીકલ લોકો સાવચેત થાય તે માટે જ લખુ છું તે ખાસ જણાવ્યું. જોકે હવે તેની વાતનું સોલ્યુશન લાવવું પણ જરૂરી હતું. મેં તેને નિશાને ફોન કરીને પૈસા કેશમાં રૂબરૂ આપશે તેવું કહેવા જણાવ્યુ. જો તે ન માને તો તેનું એ કારણ આપવું કે બેન્ક ટ્રાન્ઝેકશનમાં જો નંબર આવે તો ઘરે તકલીફ થાય. દિનેશે નિશાને સંપર્ક કર્યો અને તેને ખાતરી અપાવવા 599નું તેને મોબાઇલ રીચાર્જ કરાવી આપ્યું. ત્યારબાદ ઇસ્કોન પાસે સાંજે સાત વાગે કેશ પૈસા લેવા માટે ભેગા થવા કહ્યું. તે માની પણ ગઇ. મેં મારા એક પોલીસ મિત્રને આ વાતની જાણ કરી હતી. હું અને મારો પોલીસ મિત્ર થોડા વહેલા તે સ્થળે પહોંચી ગયા જ્યાં દિનેશ તે યુવતીને મળવાનો હતો. સમય પસાર થયાની વીસ મિનીટ બાદ બંને મળ્યા. દિનેશ ગાડી લઇને આવ્યો હતો. તેણે હું અને મારો મિત્ર જે ગાડીમાં બેઠા હતા તેની પાછળ જ ગાડી ઊભી રાખી હતી.
તે યુવતીએ આવીને દિનેશને ફોન કર્યો અને બંને દિનેશની ગાડીમાં બેઠા. દિનેશ આડીઅવળી વાતો કરતો હતો ત્યાં જ અમે તેમની પાસે પહોંચી ગયા અને તે યુવતીને અમે પોલીસ છીએ કહેતા તે ગભરાઇ ગઇ. રડવા લાગી અને મજબૂરીમાં આ કરે છે. જેવી વાતો કરવા લાગી. તેના ફોનમાંથી તમામ પ્રૂફ ડિલીટ કરાવ્યા અને અન્ય ક્યાંય આવી ચેટ નથી તેની ખાતરી કરી. તેની સંપૂર્ણ સાચી વિગતો મેળવી તેને ચેતવણી આપીને જવા દીધી. આ રીતે દિનેશની ઇમેજ પણ સચવાઇ ગઇ. જો નિશાની જગ્યાએ કોઇ વધારે પાવરફુલ યુવતી હોત તો કદાચ દિનેશને કેસ કરીને ફસાવી શકી હોત. જોકે હવે તો હનીટ્રેપના આવા અનેક કિસ્સાઓથી પોલીસ અને પલ્બીક પણ માહિતગાર છે. આવા કિસ્સાના ભાગીદાર ક્યાંક તમે ન બનો તેનું ધ્યાન રાખવું.
સમજવા જેવું –
જીવનમાં આનંદ અને મનોરંજન માટે દરેક વ્યક્તિ લાલચમાં આવી જતો હોય છે પણ ત્યાં જ ચેતવા જેવું છે. જે વસ્તુ ખૂબ સરળતાથી મળવા લાગે ત્યારે સમજવું કે ત્યાં આગળ જતા કંઇક તકલીફનો સામનો કરવાનો વારો આવશે તે નક્કી છે. દિનેશ ને તો આ તકલીફમાંથી બચાવી શકાયું પણ આવા અન્ય કેટકેટલાય યુવકો હશે જે આવી યુવતીઓની ધમકીઓનો સામનો કરીને પૈસા આપી દેતા હશે. તેથી જ હું કહું છું કે સોશિયલ મીડીયા પર સરળતાથી મળતા લોકોથી ચેતતા રહેવું.