ક્લોરિન ગેસના બાટલા ભરેલી ટ્રક અને વીરપુર તરફ જતી વેગનાર કાર સામસામે ધડાકાભેર અથડાઇ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના મવડી ગામે આવેલા ટીલાળા ચોક પાસે ક્લોરિન ગેસના બાટલા ભરેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં બેઠેલા બે મિત્ર આશિષ અને તેના મિત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આશિષના મોટા ભાઈ આકાશને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ત્રણેય વીરપુરથી રાજકોટ માતાજીના માંડવાનું વીડિયો શૂટિંગ કરવા આવ્યા હતા. ત્યારે આજે વીરપુર પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો.
- Advertisement -
અમદાવાદથી જામનગર તરફ જતી ક્લોરિન ગેસના બાટલા ભરેલી ટ્રક અને વીરપુર તરફ જતી વેગનાર કાર સામસામે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો. બનાવ બનતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. કોઈએ 108માં જાણ કરતાં ટીમ દોડી આવી હતી.
બુકડો બોલી ગયેલી કારમાં ત્રણ યુવાન ફસાયેલા હોવાથી તેમને બહાર કાઢવા માટે રાજકોટ ફાયરબ્રિગેડને જાણ કરાતાં ટીમ દોડી આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે જેક અને જેસીબીની મદદથી કારમાં દબાયેલા ત્રણેય યુવાનોને બહાર કાઢ્યા હતા.



