પી.આઈ. કરમુરે જેતપુરમાં કાળો કેર વરસાવ્યો હતો, બદલી થતાં જેતપુરવાસીઓએ ખાનગીમાં મિઠાઈઓ વહેંચી
જેતપુર સિટી પી.આઈ. જે.બી. કરમુરની સી.આઈ.ડી. ક્રાઈમમાં બદલી કરવામાં આવતા જેતપુર શહેરના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જ્યારથી જેતપુર સિટીના પી.આઈ. તરીકે જે.બી. કરમુરની નિમણૂંક થઈ હતી ત્યારથી જાણે જેતપુરની પનોતી શરૂ થઈ હતી. જે.બી. કરમુરના ત્રાસથી જેતપુરની જનતા ત્રાહિમામ પોકારી કરી ગઈ હતી. હવે જેતપુર સિટી પી.આઈ.માંથી કરમુરને સી.આઈ.ડી. ક્રાઈમમાં મૂકાતા જેતપુરવાસીઓએ હાશકારો અનુભવ્યો છે. જેતપુરની જનતા દ્વારા મીઠાઈ વહેંચી તથા ફટાકડા ફોડી કરમુરની બદલીની ઉજવણી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કોળી સમાજને દલાલ કહેવા બદલ પી.આઈ. કરમુરની તાત્કાલિક જેતપુર સિટી પી.આઈ. માંથી સી.આઈ.ડી. ક્રાઈમમાં બદલી કરી દેવામાં આવી છે. જેતપુર સિટી પોલીસ તરીકે પી.આઈ. જે.બી. કરમુર વિરુદ્ધ ભૂતકાળમાં મહિલાઓ તેમજ અન્ય વ્યક્તિઓને પણ ગોંધી રાખીને મારકૂટ કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. આ ઉપરાંત થોડાથોડા દિવસે જે.બી. કરમુર દ્વારા સત્તાના દુરુપયોગની તથા અસભ્ય વર્તન અને ગાળાગાળી કરી ખોટી રીતે માર માર્યા કે ડરાવ્યા-ધમકાવ્યાની પણ ફરિયાદો ઉઠતી રહેતી હતી. જે.બી. કરમુરે પોલીસ વિભાગની છબી ખરડાવવામાં કશું બાકી રાખ્યું નહતું.
જેતપુરમાં પી.આઈ. જે.બી. કરમુરની ઓળખ એક માથા ફરેલા તુંડમિજાજી પોલીસવાળાની બની ગઈ હતી. આમ પ્રજા તો ઠીક પત્રકારો અને પોલીસ પણ જે.બી. કરમુરના કારનામાઓથી તોબા પોકારી ઉઠ્યા હતા ત્યારે જે.બી. કરમુરની જેતપુર સિટી પી.આઈ. માંથી સી.આઈ.ડી. ક્રાઈમમાં બદલી થતા જેતપુરની જનતાએ ખુશ થઈ મીઠાઈ વહેંચી હતી.


