માનવતાભરી પહેલ : હવે કોઈના સ્વજન પૈસાના અભાવે મોત સામે હારી નહીં જાય…!
ડાયગ્નોસ્ટિક તપાસ, વિઝિટિંગ ડોક્ટરોની ફી, દવા અને મેડિકલ પ્રોસીજરનો ખર્ચ દર્દીએ ભોગવવાનો રહેશે
- Advertisement -
પંચનાથ ટ્રસ્ટ દ્વારા જનરલ વોર્ડ બાદ હવે ICU ચાર્જ પણ માફ કરવાનો લેવાયો સંવેદનશીલ નિર્ણય
10 મહિનામાં 1,350 દર્દીને નિઃશુલ્ક સારવારનો લાભ, જીવનરક્ષક સાધનો અને રોજનું ભોજન પણ વિનામૂલ્યે
બીમારી માત્ર શરીરને જ નહીં, પરંતુ દર્દી અને તેના સમગ્ર પરિવારને આર્થિક તથા માનસિક રીતે પણ હચમચાવી નાખે છે. ખાસ કરીને જ્યારે કોઈ સ્વજનને ICUમાં દાખલ કરવાની સ્થિતિ ઊભી થાય ત્યારે પરિવાર માટે એક તરફ પોતાના માણસનો જીવ બચાવવાની ચિંતા હોય છે, તો બીજી તરફ સારવારના વધતા ખર્ચની ભીતિ સતાવતી હોય છે. આવી કપરી પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ પરિવારો માટે આશાનું કિરણ બનીને પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી મંગળાબેન ડાયાભાઈ કોટેચા હોસ્પિટલ (પંચનાથ હોસ્પિટલ), રાજકોટ આગળ આવી છે. ટ્રસ્ટ દ્વારા હવે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ICUમાં દાખલ થવાનો હોસ્પિટલાઇઝેશન ખર્ચ સંપૂર્ણ નિઃશુલ્ક કરવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ જરૂરિયાતમંદ દર્દીઓ પાસેથી ICU બેડ, હોસ્પિટલમાં રહેવા, દાખલ થવા, ઇન-હાઉસ ડોક્ટરોની સારવાર અને કન્સલ્ટેશન, મેડિકલ ઓફિસરો, નર્સિંગ સ્ટાફ, સ્ટેશનરી તેમજ કપડાં અને બેડશીટ સહિતના લિનનનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. જોકે ડાયગ્નોસ્ટિક તપાસ, બહારથી આવતા વિઝિટિંગ ડોક્ટરોની ફી, દવાઓ અને મેડિકલ પ્રોસીજરનો ખર્ચ દર્દીએ ભોગવવાનો રહેશે.પંચનાથ હોસ્પિટલની વિશેષતા એ છે કે શરૂઆતના પ્રથમ દિવસથી જ ICUમાં વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફ્યુઝન પંપ, સિરીન્જ પંપ અને મેડિકલ મોનિટર જેવી અત્યંત જરૂરી જીવનરક્ષક સુવિધાઓ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ટ્રસ્ટનો સ્પષ્ટ અભિગમ છે કે જીવન બચાવવા માટે જરૂરી સાધનો આર્થિક અડચણ ન બનવા જોઈએ. આશરે 10 મહિના અગાઉ હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદો માટે જનરલ વોર્ડની હોસ્પિટલાઇઝેશન સેવા નિઃશુલ્ક કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આશરે 1,350 દર્દીઓ આ સેવાનો લાભ મેળવી ચૂક્યા છે. આ સફળ પહેલને આગળ વધારી હવે ICU જેવી ખર્ચાળ સારવારમાં પણ હોસ્પિટલાઇઝેશનના ચાર્જ માફ કરવાનો નિર્ણય લેવાયો છે.હોસ્પિટલના ICUમાં એકસાથે મહત્તમ 10 દર્દીઓને દાખલ કરવાની ક્ષમતા રહેશે. દર્દીની બીમારી, જરૂરી નિષ્ણાત તબીબોની ઉપલબ્ધતા અને હોસ્પિટલના સાધનોને ધ્યાનમાં રાખીને જ દાખલ કરવાનો નિર્ણય લેવાશે. હોસ્પિટલની ક્ષમતા કરતાં વધુ વિશિષ્ટ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને યોગ્ય ઉચ્ચ સારવાર કેન્દ્રમાં રિફર કરવામાં આવશે. આમ, નિઃશુલ્ક સેવાની સાથે સુરક્ષિત અને ગુણવત્તાસભર સારવાર જળવાઈ રહે તેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. પંચનાથ હોસ્પિટલની સેવાભાવનાનું એક ભાવનાત્મક પાસું એ પણ છે કે દાખલ તમામ દર્દીઓને દરરોજ બપોરનું ભોજન નિઃશુલ્ક આપવામાં આવે છે. આ ભોજન સૌપ્રથમ પંચનાથ મંદિરના મહાદેવ અને દેવી-દેવતાઓને અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ દર્દીઓને ભગવાનના પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવે છે.હોસ્પિટલની સ્થાપનાના આશરે છ વર્ષના ટૂંકા ગાળામાં સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવામાં ટ્રસ્ટીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. પ્રમુખ દેવાંગભાઈ માંકડ, મંત્રી મયુરભાઈ શાહ સહિત અનિલભાઈ દેસાઈ, ડી.વી. મહેતા, સંદીપભાઈ ડોડીયા, વસંતભાઈ જસાણી, નિખિલભાઈ મહેતા, નારણભાઈ લાલકિયા, નીતિનભાઈ મણિયાર, ડૉ. રવિરાજભાઈ ગુજરાતી, મહેન્દ્રસિંહ ગોહેલ અને નીરજભાઈ પાઠક સહિતના ટ્રસ્ટીઓની મહેનત, દૂરંદેશી અને સેવાભાવનાથી આ કાર્ય આગળ વધી રહ્યું છે.આજના સમયમાં આરોગ્યસેવા મોંઘી બનતી જાય છે ત્યારે પંચનાથ ટ્રસ્ટની આ પહેલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ બની શકે છે. કારણ કે હોસ્પિટલની સાચી સફળતા માત્ર આધુનિક સાધનો કે ઇમારતથી નહીં, પરંતુ મુશ્કેલીમાં આવેલા દર્દીના પરિવારના ચહેરા પર રાહતનો ભાવ લાવવામાં રહેલી છે. જનરલ વોર્ડથી ICU સુધી વિસ્તરતી આ સેવાયાત્રા એક જ સંદેશ આપે છે કે માનવસેવા એ જ પ્રભુસેવા છે અને કોઈ જરૂરિયાતમંદ પરિવારની મજબૂરીને સારવારના માર્ગમાં અવરોધ બનવા દેવી નહીં.




