ડેન્ગ્યુ-મેલેરિયા રોકવા મનપાનો ‘એક્શન પ્લાન’: 1983ના જૂના બાયલોઝ રદ, નવા ડ્રાફ્ટ નિયમો પર નાગરિકોના વાંધા-સૂચનો મંગાવાયા
પાણીની ટાંકી પર સીડી અને હવાચુસ્ત ઢાંકણ ફરજિયાત, નિયમ ભંગ બદલ દંડઃ મિલકતોમાં વારંવાર મચ્છર ઉત્પત્તિ જણાશે તો મિલકત સીલ થશે
- Advertisement -
રાજકોટ શહેરમાં વધતા જતા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ફાઈલેરિયા જેવા વાહકજન્ય રોગોને કાબૂમાં લેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવીને વર્ષ ૧૯૮૩ના જૂના બાયલોઝ રદ કરી નવા “વાહકજન્ય રોગવાહક મચ્છર તથા અન્ય જીવાતોના નિયંત્રણ અને નિવારણ અંગેના બાયલોઝ, ૨૦૨૬”નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ ૧૯૮૩ના નિયમોમાં નજીવી દંડની રકમને કારણે લોકોમાં બેદરકારી જોવા મળતી હોવાથી, સામાન્ય સભા દ્વારા પ્રાથમિક મંજૂરી મેળવનાર આ નવા ડ્રાફ્ટ બાયલોઝમાં દંડની રકમમાં ૨૦ ગણો વધારો સૂચવવામાં આવ્યો છે. નવી જોગવાઈ મુજબ નિયમનો પ્રથમ વખત ભંગ કરવા પર ₹૨,૦૦૦ સુધી, બીજી વખત ભંગ કરવા પર ₹૫,૦૦૦ સુધી અને ત્રીજી કે વારંવાર ભૂલ કરવા પર ₹૧૦,૦૦૦ સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત નોટિસ આપ્યા બાદ પણ જો મચ્છર ઉત્પત્તિ ચાલુ રહે તો દરરોજ ₹૨૦૦ સુધીનો દંડ વસૂલાશે, અને કોમર્શિયલ કે નોન-રેસિડેન્શિયલ મિલકતોમાં વારંવાર મચ્છર ઉત્પત્તિ જણાશે તો તેને સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.નવા બાયલોઝ અંતર્ગત રહેણાંક સોસાયટીઓ, બાંધકામ સાઇટ્સ, ખુલ્લા પ્લોટ, સ્ક્રેપ યાર્ડ, ગેરેજ અને સરકારી કચેરીઓ સહિત તમામ મિલકતોની જવાબદારી નક્કી કરવામાં આવી છે. દરેક મિલકતધારકે પાણીની ટાંકીઓ, સમ્પ, કૂવા અને સેપ્ટિક ટેંક હવાચુસ્ત ઢાંકણ કે જાળીથી બંધ રાખવા પડશે તેમજ પાણીના પાત્રો અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર અંદરથી ઘસીને સાફ કરવાના રહેશે. ખાસ કરીને ૧.૫૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી તથા અગાશીની તપાસ અધિકારીઓ સરળતાથી કરી શકે તે માટે કાયમી ધોરણે જડેલી મજબૂત સીડી રાખવી ફરજિયાત બનાવાઈ છે. જો કોઈ વ્યક્તિ નોટિસ મુજબ મચ્છર ઉત્પત્તિ સ્થળ દૂર નહીં કરે, તો મહાનગરપાલિકા તે કામગીરી કરાવી તેનો ખર્ચ સ્થળ પર વસૂલશે અથવા મિલકતવેરાના બાકી લેણા તરીકે વસૂલ કરશે.મહાનગરપાલિકા દ્વારા આ ડ્રાફ્ટ પોલીસી વેબસાઇટ www.rmc.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેના પર શહેરીજનો પોતાના સૂચનો, વાંધા કે અભિપ્રાયો નિયત નમૂનામાં નામ, સરનામું અને મોબાઇલ નંબર સાથે આગામી તા. ૦૨/૧૨/૨૦૨૬ સુધીમાં રજૂ કરી શકશે. નાગરિકો પોતાના સૂચનો ઇ-મેઇલ દ્વારા biologist_rmc@yahoo.in પર અથવા રૂબરૂ તેમજ પોસ્ટ મારફતે મહાનગરપાલિકાને મોકલી શકશે, જેના પર વિચારણા કર્યા બાદ કાયદો અને નિયમોની સમિતિ મારફતે તેને આખરી મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે.




