માર્ગો, સર્કલો અને ડિવાઈડર પરથી ગેરકાયદે બોર્ડ હટાવવા રાજકોટ મનપાની ઝુંબેશ
અનધિકૃત બોર્ડ દૂર કરી જવાબદાર વેપારીઓ તથા સંસ્થાઓ સામે દંડનીય પગલાં ભરાશે
- Advertisement -
રાજકોટ શહેરની સુંદરતા, સ્વચ્છતા અને જાહેર સ્થળોની સુવ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનધિકૃત જાહેરાતો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડિવાઈડર તેમજ જાહેર સ્થળોએ આવેલા વીજ પોલ વગેરે પર મનપાની પૂર્વ મંજૂરી વગર લગાવેલા જાહેરાતનાં બોર્ડ, બેનર કે પોસ્ટર હટાવવા માટે તંત્ર દ્વારા ઝુંબેશના ભાગરૂપે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે.મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતા, વેપારીઓ તથા વિવિધ સંસ્થાઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે તંત્રની પરવાનગી લીધા વિના કોઈપણ પ્રકારના ધંધાકીય કે અન્ય જાહેરાતના બોર્ડ-બેનર જાહેર સ્થળોએ લગાવવા નહીં. આગામી દિવસોમાં હાથ ધરાનાર આ ઝુંબેશ દરમિયાન મંજૂરી વગર લગાવવામાં આવેલા તમામ બોર્ડ, બેનર અને પોસ્ટર સ્થળ પરથી જપ્ત કરી દૂર કરવામાં આવશે.આ ઉપરાંત, નિયમોનો ભંગ કરી અનધિકૃત રીતે જાહેરાતો લગાવનાર વેપારીઓ, સંસ્થાઓ કે જવાબદાર આસામીઓ સામે લાગુ પડતા કાયદા અને નિયમો મુજબ દંડનીય તેમજ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. આથી શહેરની શોભા જળવાઈ રહે તે માટે તમામ નાગરિકો અને વેપારીઓને મનપાની આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.




