SITએ 300 પેજનો રિપોર્ટ આપ્યોઃ 360 ડિગ્રી CCTV કેમેરા લગાવવા સહિતના સૂચન કરાયા
અયોધ્યાના રામ મંદિર બાદ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાં પણ દાનની ચોરી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો હતો, જે પછી તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી જેનો તપાસ રિપોર્ટ આવી ગયો છે. ૩00 પેજના આ તપાસ રિપોર્ટમાં બદ્રીનાથ ધામ ઉપરાંત અન્ય કેટલાક મંદિરોના સંચાલનમાં મોટાપાયા પર સુધારા કરવાની ભલામણ કરવામાં આવી છે. બદ્રીનાથ ધામમાં પણ દાનચોરી થયાની વાત એસઆઇટીની તપાસ રિપોર્ટમાં સામે આવી હોવાના અહેવાલો છે. જેના પગલે દેશમાં મંદિરોની દાનપેટી સલામત ન હોવાનું લોક મૂખે ચર્ચાઇ રહ્યું છે. બદ્રીનાથ ધામમાં આ વર્ષે જુલાઇ મહિનામાં થાળી ભેટ એટલે કે દાનમાં હેરફેરનો મામલો સામે આવ્યો હતો, જે બાદ સરકાર દ્વારા એસઆઇટીની રચના કરવામાં આવી હતી, પોલીસ પણ અલગથી સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
હાલમાં આ સમગ્ર મામલે બે કર્મચારીઓ પ્રમોદ નૌટિયાલ અને રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. એસઆઇટીએ માત્ર બદ્રીનાથ મંદિર જ નહીં ઉત્તર દક્ષિણ ભારતના ૧૪ જેટલા મોટા મંદિરોના મેનેજમેન્ટ, દાનની ગણતરી, સુરક્ષા વ્યવસ્થા વગેરેનો અભ્યાસ પણ કર્યો હતો. જે બાદ એસઆઇટીએ પોતાનો રિપોર્ટ ઉત્તરાખંડ સરકારને સોંપ્યો છે.એસઆઇટીની આગેવાની ગરવાલ ડિવિઝનલ કમિશનર આનંદ સ્વરૂપને સોંપવામાં આવી હતી, તેમણે પીટીઆઈ સાથે વાતચીતમાં કહ્યું હતું કે અમે એસઆઇટીનો તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો છે, દેશના અનેક ધાર્મિક સ્થળોનો અભ્યાસ કર્યા બાદ અમે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં કેટલાક સુધારા કરવાની ભલામણ કરવામાં આવી છે. બદ્રીનાથ ધામમાં મંદિર કમિટી સાથે જોડાયેલા સ્ટાફ, અધિકારીઓ સહિત ૨૦ જેટલાની એસઆઇટી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, સાથે જ સીસીટીવી પણ તપાસ્યા હતા. એસઆઇટીએ બદ્રીનાથ ધામમાં દાન ચોરી થયાની વાત નકારી નથી પરંતુ ઘણી ખામીઓ સામે લાવી છે. અને એવી સલાહ આપી છે કે મંદિરમાં દાનમાં આવતા ઘરેણા, રોકડા રૂપિયા વગેરેની ગણતરી જે જગ્યાએ કરવામાં આવતી હોય ત્યાં કાચના ગ્લાસ લગાવવામાં આવે અને જગ્યાને ખુલ્લી રાખવામાં આવે કે જેથી આસપાસ તમામ લોકો જોઇ શકે.
દાનની ગણતરી માટેના રૂમમાં તમામ ખુણે ઉચ્ચ ક્વોલિટીના સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, બનાવટી નોટો પકડવા માટે મશીન લગાવવામાં આવે. બદ્રીનાથ મંદિરમાં આવેલા દાનની ગણતરી સમયે ગેરરિતી થઇ હોવાનો મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો હતો જે બાદ ત્રણ સભ્યોની એસઆઇટી રચાઈ હતી. આ એસઆઇટીએ દાનમાં ગેરરિતી થઈ હોવાની વાત કબુલી હોવાના અહેવાલો છે. એવા અહેવાલો છે કે એસઆઇટીને કેટલાક મંદિરોની સુરક્ષા વ્યવસ્થા મજબુત લાગી હતી તેથી આવા મંદિરોને અન્ય મંદિરોએ પણ અનુસરવા જોઇએ તેવી ભલામણ પણ કરવામાં આવી છે.



