મહામાયા હિંગળાજ માતાજી પ્રાગટ્ય શક્તિપીઠ
માયાગીરીજીએ તપસ્યા કરતાં બલુચિસ્તાનમાંથી માતાજી ઠાંગા પર્વતે દેવ દિવાળીના દિવસે પ્રગટ થયાં હતાં
- Advertisement -
મંદિરમાં માતાજીના વાસ્તવિક શંખ અને ત્રિશૂળનાં દર્શન કરી શકાય છે : અમર ગુફામાં હિંગળાજ માતાજી શયન કરી રહ્યાં હોય તેવા સ્વરૂપે બિરાજમાન છે
ગુજરાતમાં અનેક શક્તિસ્થાનો આવેલાં છે જેમાં ચોટીલા, અંબાજી અને પાવાગઢ અતિ પ્રસિદ્ધ તીર્થધામો છે. આજે ચોટીલાની સમીપે આવેલા એક એવા મંદિર વિશે વાત કરવી છે, જ્યાં મંદિરની એક ગુફામાં આજના સમયમાં પણ માતાજીના વાસ્તવિક શંખ અને ત્રિશૂળનાં દર્શન કરી શકાય છે. આ પાવનકારી મંદિરની એકવાર અચૂકપણે મુલાકાત લેવી જોઈએ. ખરેખર આ દિવ્ય અને પરમ ધામ આપને માતાજીની સાક્ષાત્ અનુભૂતિ કરાવશે.
આ પવિત્ર મંદિર ચોટીલા પાસે આવેલા ઠાંગા વિસ્તારમાં છે. આ સ્થાનમાં એક ‘અમર ગુફા’માં હિંગળાજ માતાજી બિરાજમાન છે. હિંગળાજ માતાજીનું મુખ્ય સ્થાન મકરાણ પ્રદેશ એટલે કે હાલના પાકિસ્તાનના બલુચિસ્તાનના દુર્ગમ પર્વતોમાં છે. અહીં આવેલા મંદિર – અમર ગુફા સાથે એક લોકવાયકા જોડાયેલી છે કે, મહાત્મા માયાગીરીજી જ્યારે બલુચિસ્તાનમાં યાત્રાએ ગયા ત્યારે તેમની તપસ્યાથી માતાજી પ્રસન્ન થયાં હતાં. મહાત્માજીએ ઠાંગા વિસ્તારમાં બિરાજવા માટે માતાજીને આહ્વાન કરતાં દેવદિવાળીના દિવસે માતાજી અહીં અવતર્યાં હતાં.
- Advertisement -
મહામાયા હિંગળાજ માતાજીનાં શંખ અને ત્રિશૂળ આજના સમયમાં પણ આ મંદિરમાં જ સચવાયેલાં છે. મંદિરના ગર્ભગૃહમાં આપ માતાજીની અલૌકિક મૂર્તિનાં દર્શન કરી શકો છો. મોટાભાગના મંદિરોમાં આપે માતાજીની મૂર્તિ વાહન પર અસવાર કે સિંહાસન પર બિરાજમાન જોઈ હશે, અહીં અમર ગુફામાં હિંગળાજ માતાજી શયન કરી રહ્યાં હોય તેવા સ્વરૂપે બિરાજમાન છે.
સ્થાન અને ભૌગોલિક મહત્વ : હિંગળાજ માતાજીનું મંદિર યાત્રાધામ ચોટીલાથી આશરે ૧૨ કિ.મી. દૂર અને મોટી મોલડી ગામથી આશરે ૩ કિ.મી.ના અંતરે આવેલું છે. ચોટીલાથી જસદણ તરફ જતા માર્ગ પરથી કાળાસર ગામ તરફ જઈને મંદિર સુધી પહોંચી શકાય છે. અહીં આવેલી માતાજીની વિશાળ પ્રતિમાની ગુફામાં માતાજીની શયન મુદ્રામાં આશીર્વાદ આપતા દર્શન થાય છે. હિંગળાજ માતાજીનું આ મંદિર ‘મહામાયા હિંગળાજ માતાજી પ્રાગટ્ય શક્તિપીઠ’ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં હિંગળાજ માતાજીની ૫૧ ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા પણ આવેલી છે. ઉલ્લેખનીય છે કે મૂળ હિંગળાજ માતાજી શક્તિપીઠ પાકિસ્તાનના કરાચીથી આશરે ૨૫૧ કિલોમીટરના અંતરે બલુચિસ્તાન વિસ્તારમાં આવેલું છે, જે દેવી સતીનાં ૫૧ શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે.
પ્રાગટ્ય કથા અને મહાત્મા માયાગીરીજીની તપસ્યા : લોકવાયકા મુજબ વિક્રમ સંવત ૧૬૨૧ની સાલમાં મહાત્મા શ્રી માયાગીરીજી ફરતા-વિચરતા સંત તરીકે ઠાંગા ડુંગરની અમર ગુફામાં પહોંચ્યા. તે સમયે આ પવિત્ર સ્થાનમાં શ્રી અમરનાથ સ્વામી ઘોર તપસ્યામાં લીન હતા. માયાગીરીજીએ સ્વામીજીના તેજસ્વી વ્યક્તિત્વ અને તપના પ્રભાવને જોઈને તેમને પોતાના સદગુરુ તરીકે સ્વીકાર્યા. ત્યારથી તેઓ ગુરુજીની સેવામાં સંપૂર્ણપણે તલ્લીન થઈ ગયા. દિવસ-રાત સેવા કરતાં કરતાં લગભગ નવ વર્ષનો લાંબો સમય પસાર થઈ ગયો. એક દિવસ માયાગીરીજીએ ગુરુજી સમક્ષ વિનંતી કરી કે હવે તેઓ મા હિંગળાજનાં દર્શન કરવા માટે યાત્રાએ જવા માગે છે. ગુરુજીએ આનંદથી આજ્ઞા અને આશીર્વાદ આપ્યા. તે સમયે મા હિંગળાજની યાત્રા અત્યંત કઠિન અને જોખમી માનવામાં આવતી હતી છતાં માયાગીરીજીએ નિર્ભયપણે પ્રસ્થાન કર્યું.
લગભગ ત્રણ મહિના સુધી તેમણે કઠોર રસ્તાઓ, જંગલો અને ડુંગરો પાર કર્યા બાદ અંતે તેઓ બલુચિસ્તાનમાં આવેલા મા હિંગળાજના પવિત્ર ધામે પહોંચ્યા. ત્યાં અન્ય સાધુ-સંતો અને યાત્રાળુઓ સાથે મળીને તેમણે વિધિવત્ રીતે મા હિંગળાજની પૂજાવિધિ પૂર્ણ કરી અને માના આશીર્વાદ મેળવ્યા. બધા ભક્તો માની પૂજા-આરાધના કરીને વિદાય થયા પરંતુ માયાગીરીજી ત્યાં જ રોકાઈ ગયા. તેમણે માની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે અનાજ અને પાણીનો સંપૂર્ણ ત્યાગ કર્યો. એક પગ પર ઊભા રહીને તેઓ માના ધ્યાનમાં મગ્ન થઈ ગયા. એક દિવસ, બે દિવસ એમ કરતાં એકવીસ દિવસ વીતી ગયા ત્યારે જગતજનની મા હિંગળાજ સાક્ષાત્ પ્રગટ થયાં અને મહાત્મા માયાગીરીજીને દર્શન આપ્યાં. માનાં દર્શન પામીને માયાગીરીજી આનંદથી અભિભૂત થઈ ગયા.
માતાજીએ પ્રસન્ન થઈને તેમને વરદાન માગવા કહ્યું, ત્યારે માયાગીરીજીએ નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી: “હે મા હિંગળાજ, તમારાં દર્શનથી મારું જીવન સાર્થક અને ધન્ય થઈ ગયું છે. હવે મારી કોઈ અંગત ઇચ્છા બાકી રહી નથી, મારા ગુરુજી ઠાંગા ડુંગરમાં રહીને તમારું સતત સ્મરણ કરે છે. કૃપા કરીને ત્યાં પણ તેમને તમારાં દર્શનનું સૌભાગ્ય આપો. હું ત્યાં જઈને તમારી સેવા અને પૂજા કરીશ. બસ, આટલી જ મારી વિનંતી છે.” મા હિંગળાજ માયાગીરીજીની ભક્તિ અને નિઃસ્વાર્થ ભાવથી અત્યંત પ્રસન્ન થયાં. તેમણે ત્રિશૂળ, શંખ અને ચિપિયો આપીને વચન આપ્યું કે, “હે માયાગીરી, હું તમારા પર પ્રસન્ન છું. આ ત્રિશૂળ, શંખ અને ચિપિયો સાથે લઈને ઠાંગા ડુંગર જાઓ. ત્યાં તમારું કલ્યાણ થશે અને હું પોતે ત્યાં આવીને તમને તથા તમારા ગુરુજીને દર્શન આપીશ.”
આટલું કહીને માતાજી અદૃશ્ય થઈ ગયાં. માએ આપેલી પવિત્ર નિશાનીઓ સાથે માયાગીરીજી વિક્રમ સંવત ૧૬૩૦ના કારતક સુદ પૂનમ (દેવદિવાળી)ના પવિત્ર દિવસે ઠાંગા ડુંગર પાછા ફર્યા. તે જ સમયે મા હિંગળાજ અમર ગુફાના ધ્યાનખંડમાં સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ થયાં અને માયાગીરીજી તથા તેમના ગુરુજીને સાક્ષાત્ દર્શન આપ્યાં. બલુચિસ્તાનમાં હિંગળાજ માતાજી જે શયન સ્વરૂપે બિરાજમાન છે, તે જ સ્વરૂપે અહીં પણ પ્રગટ થયાં હતાં. ત્યારથી આ પવિત્ર સ્થાન ‘મહામાયા શ્રી હિંગળાજ પ્રાગટ્ય શક્તિપીઠ’ તરીકે પ્રસિદ્ધ થયું.
આજે પણ અમર ગુફાના ધ્યાનખંડમાં માની સ્વયંભૂ મૂર્તિનાં દર્શન થાય છે. આ સાથે જ મહાત્મા માયાગીરીજીને માતાજીએ આપેલા ત્રિશૂળ, શંખ અને ચિપિયાનાં પણ દર્શન થાય છે. આ દર્શનથી ભક્તોના હૃદયમાં અલૌકિક આનંદ અને ધન્યતાનો અનુભવ થાય છે. માના નિજ મંદિરમાં શાંતિથી બેસીને દર્શન કરી શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરનારને માની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.
પ્રકૃતિની ગોદમાં આવેલા હિંગળાજ માતાજીનું મંદિરના ભૂમિ દાતા છે દરબાર શ્રી દાદા બાપુ પરિવાર
પ્રકૃતિની ગોદમાં મહાલતા ડુંગરની તળેટીએ હિંગળાજ માતાજીના મંદિરે પહોંચી શકાય છે. શિયાળામાં અહીં આવવાની ખૂબ જ મજા આવે છે, જ્યારે ચોમાસામાં તો પ્રકૃતિ વહાલ વરસાવતી હોય અને આપણે આપણું અસ્તિત્વ ભૂલી જઈએ તેવું આહ્લાદક વાતાવરણ હોય છે. વિશાળ આકર્ષક પ્રતિમામાં બિરાજમાન માતાજીના દ્વાર સુધી પહોંચવા માટે એકદમ સરળ અને પાકો રસ્તો છે. આ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારના ભૂમિ દાતા દરબાર શ્રી દાદા બાપુ પરિવાર છે.
વિવિધ સમાજનાં કુળદેવી છે મા હિંગળાજ
ભારતમાં જુદાં-જુદાં રાજ્યોમાં વસતા અનેક હિન્દુ પરિવારોનાં કુળદેવી ‘હિંગળાજ માતા’ ગણાય છે. ગુજરાતમાં પટેલ, સોની, ભાવસાર, લોહાણા, ગોસ્વામી, ભાનુશાલી, બ્રહ્મક્ષત્રિય સમાજ (હિન્દુ ખત્રી), સેપાઉ, રાજપુરોહિત, ચારણ-ગઢવી, મેર સમાજ અને બારોટ સમાજના લોકોનાં આ કુળદેવી છે. આ ઉપરાંત સિંધ પ્રદેશથી અહીં આવેલા સિંધીઓ પણ હિંગળાજ માતાજીને કુળદેવી તરીકે પૂજે છે.
બ્રહ્મલિન મનસુખગિરી બાપુનો પરિવાર અત્યંત નિષ્ઠા, ભક્તિ અને સમર્પણભાવથી કરી રહ્યો છે સેવા ભક્તિ
હાલમાં બ્રહ્મલિન મનસુખગિરી બાપુના પરિવારના પૂજ્ય રજનીશગિરી બાપુ સહિતના પરિવારજનો અત્યંત નિષ્ઠા, ભક્તિ અને સમર્પણભાવથી આ પવિત્ર ધામની દેખભાળ તેમજ માતાજીની નિત્ય સેવા-પૂજા કરી રહ્યા છે. તેમના અવિરત સેવાયજ્ઞને કારણે અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓને મા હિંગળાજનાં શાંતિપૂર્ણ દર્શન અને સુંદર વ્યવસ્થાનો લાભ મળી રહ્યો છે. મંદિર પરિસરની સ્વચ્છતા, પવિત્રતાની જાળવણી અને તહેવારોમાં થતા વિશેષ ઉત્સવોનું સંચાલન પણ બાપુ અને તેમના પરિવાર દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે. તેમના આ અવિરત સેવાયજ્ઞ અને આત્મીય આતિથ્યને કારણે દૂર-દૂરથી આવતા હજારો શ્રદ્ધાળુઓને મા હિંગળાજનાં સાનિધ્યમાં દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિનો લાભ મળી રહ્યો છે.



