રાજકોટમાં સમસ્ત રાવરાણી-ચાવડા પરિવારનું ૨૮ નવેમ્બરે પ્રથમ સ્નેહમિલન યોજાશે
૨૦૦થી ૨૫૦ પરિવારોની ઉપસ્થિતિમાં નૂતન વર્ષાભિનંદન અને તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે
- Advertisement -
ગાયક ભરત ગઢવીની સંગીત સંધ્યા અને કાઠિયાવાડી ભોજનનું પણ આયોજન
શ્રીમકનબાપા ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટના આયોજન હેઠળ રાજકોટના સમસ્ત રાવરાણી-ચાવડા પરિવારનું પ્રથમ સ્નેહમિલન સમારોહ-૨૦૨૬ આગામી તા. ૨૮ નવેમ્બર, શનિવારના રોજ યોજાનાર છે. નૂતન વર્ષના અભિનંદન સાથે પરિવારજનો વચ્ચે એકતા, ભાઈચારો અને પરસ્પર સ્નેહભાવ વધારવાના ઉદ્દેશથી આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્નેહમિલન સમારોહ સાંજે ૬ વાગ્યે અમદાવાદ હાઈવે પર સાત હનુમાન મંદિરથી યુ-ટર્ન પાસે આવેલી પટેલ વિહાર રેસ્ટોરન્ટ ખાતે યોજાશે. કાર્યક્રમનો શુભારંભ સડક પીપળીયાના ગાદીપતિ નરેન્દ્ર ભગતના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવશે. આ પ્રસંગે સમાજ અને પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવશે.કાર્યક્રમમાં સંગીતપ્રેમીઓ માટે વિશેષ સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા ગાયક ભરત ગઢવી પોતાના સુમધુર ગીતો દ્વારા ઉપસ્થિતોને મનોરંજન પૂરું પાડશે. આ ઉપરાંત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ પરિવારજનો માટે પરંપરાગત કાઠિયાવાડી ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે.આ પ્રથમ સ્નેહમિલનમાં અંદાજે ૨૦૦થી ૨૫૦ પરિવારો જોડાશે. પરિવારના નાના-મોટા સભ્યોને એક મંચ પર એકત્રિત કરી પરસ્પર પરિચય, સંવાદ અને સ્નેહના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. સાથે જ નવી પેઢીને પરિવારની પરંપરા, સંસ્કાર અને સામાજિક એકતાથી જોડવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.આ સ્નેહમિલનનું આયોજન મુખ્ય કમિટીના સભ્યો પ્રકાશ રાવરાણી (દિવ્ય ભાસ્કર), ચંદુભાઈ જે. રાવરાણી, રસિકભાઈ એલ. ચાવડા, શૈલેષભાઈ જી. રાવરાણી, હિતેશભાઈ આર. રાવરાણી, નિલેશભાઈ રાવરાણી, વિશાલભાઈ સી. ચાવડા, મનીષભાઈ જે. રાવરાણી, ભરતભાઈ કે. રાવરાણી, જગદીશભાઈ એલ. ચાવડા અને તુષારભાઈ એમ. રાવરાણી સહિતના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે.સમસ્ત રાવરાણી-ચાવડા પરિવાર, રાજકોટ દ્વારા આયોજિત આ પ્રથમ સ્નેહમિલન પરિવારની એકતા, સંસ્કૃતિ અને સામૂહિક સંવાદિતાનું સુંદર ઉદાહરણ બની રહે તેવી ભાવના સાથે તમામ પરિવારજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




