ઘરમાંથી એકબીજાને ભેટીને સૂતેલાં 5 મૃતદેહ મળ્યાં, પતિ-પત્ની, ત્રણ બાળકોનું શંકાસ્પદ મોત
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાંથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પરિવારના ૫ લોકોના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા છે. તેમાં પતિ-પત્ની અને ત્રણ બાળકો છે. પાંચેય મૃતદેહો ઘરમાં પથારી પર મળી આવ્યા
હતા. શનિવારે સવારે ઘણો સમય વીતી ગયો છતાં પરિવાર જાગ્યો નહીં, તેથી પડોશીઓને શંકા ગઈ. લોકો ત્યાં પહોંચ્યા તો દરવાજો અંદરથી બંધ હતો.
બારીમાંથી જોયું તો પાંચેય પથારી પર સૂતેલા દેખાયા. તેમાંથી એકના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ઘરમાં ગઈ તો જોયું કે પલંગ પર પિતાનો પુત્રને વળગીને પડેલો મૃતદેહ હતો.
બીજા પલંગ પર માતા, નાનો પુત્ર અને પુત્રીના મૃતદેહ હતા. માતા પોતાના બાળકો પર હાથ રાખીને સૂતી હતી. મૃતકોમાં મહેશ (૩૭), તેની પત્ની લલિતા (૩૫), પુત્ર લડ્ડ (૧૧) અને સાક્ષત (૩) તથા પુત્રી મિષ્ટી (૭)નો
સમાવેશ થાય છે. આ ઘટના ગ્રેટર નોઇડાના રબૂપુરા કોતવાલી વિસ્તારના નંગલા શ્રીપદમ ગામની છે. આ સ્થળ જેવર એરપોર્ટથી ૬ કિમી દૂર છે.
ન્યૂઝ એજન્સી ANI મુજબ, મહેશની માતાએ જણાવ્યું કે બધાએ રાત્રે સૂતા પહેલાં નૂડલ્સ ખાધી હતી. જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે મોત નૂડલ્સ ખાવાથી જ થયાં હતાં. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં
મામલો ફૂડ પોઈઝનિંગનો લાગી રહ્યો છે. પરંતુ વાસ્તવિક કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે. પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે. ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોંચી હતી. ઘરની આસપાસ
ગામલોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
પોલીસ અને ફોરેન્સિક ટીમે જ્યારે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા ત્યારે ઘરના રસોડામાં રાખેલા વાસણમાં વધેલી નૂડલ્સ મળી હતી. પોલીસે વાસણ કબજે લઈને તપાસ માટે લેબમાં મોકલી દીધા છે. પોલીસ તપાસ કરી રહી
છે કે મામલો ફૂડ પોઈઝનિંગનો છે કે પછી પરિવારે કોઈ સમસ્યાને કારણે આત્મહત્યા કરી છે.




