રોહિત રાજપૂત સહિત કોંગ્રેસના યુવા આગેવાનોની DCPને રજૂઆત
મોટા ગરબા આયોજનોનું ટ્રાફિક ઓડિટ, પાર્કિંગ અને વધારાના જવાનો ગોઠવવા માંગ
- Advertisement -
કાલાવડ રોડ અને રિંગ રોડ-૨ પર કટારિયા ચોકડી ખાતે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી હાલ વાહનચાલકો માટે વિવિધ ડાયવર્ઝન અમલમાં છે. આગામી નવરાત્રી દરમિયાન આ જ વિસ્તારમાં અનેક મોટા ગરબા અને રાસોત્સવના આયોજન થવાના હોવાથી રાત્રિના પીક અવર્સમાં ડાયવર્ઝન રૂટ પર વાહનોનું ભારણ વધવાની શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રોહિત રાજપૂત તથા કોંગ્રેસના યુવા આગેવાનોએ રાજકોટ શહેર ટ્રાફિક વિભાગના DCPને રૂબરૂ મળી આગોતરા ટ્રાફિક આયોજન કરવાની રજૂઆત કરી છે. જેમાં કટારિયા ચોકડી, મુંજકા ચોકડી, પરસાણા ચોક, કોટેચા ચોક, કે.કે.વી. હોલ અને સ્પીડવેલ ચોક સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન વધારાના ટ્રાફિક પોલીસ જવાનો અને ટ્રાફિક બ્રિગેડિયરોની ખાસ ડ્યુટી ગોઠવવાની માંગ કરવામાં આવી છે.
મોટા ગરબા આયોજનોનું ટ્રાફિક ઓડિટ કરી વાહનોની સંખ્યા, પાર્કિંગ, એન્ટ્રી-એક્ઝિટ અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાહનોના પરત ફરવાના રૂટ અગાઉથી નક્કી કરવા સૂચન કરાયું છે. તેમજ રેસ્ટોરન્ટ, કાફે અને અન્ય વ્યવસાયિક સ્થળોએ રોડ પર પાર્કિંગ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવા જણાવાયું છે. નવમ–સરાઝા હોટેલ, રાસ વિલા–ડ્રાઇવ ઇન સિનેમા, MGM–સીઝન્સ હોટેલ, તાલ–મોમેન્ટ્સ પાર્ટી પ્લોટ, કાલરાત્રી–ફિનિક્સ સામે, UD, નવરાત–વિશ્વા પાર્ટી પ્લોટ, UV, ખોડલધામ અને AGM સહિતના મોટા આયોજનોને ધ્યાનમાં રાખી સંકલિત ટ્રાફિક પ્લાન બનાવવાની માંગ કરાઈ છે.
આ ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા નવરાત્રી પહેલાં સમગ્ર ડાયવર્ઝન રૂટનું રૂટ ટેસ્ટિંગ, જરૂરી બેરીકેટિંગ અને સાઇનેજની વ્યવસ્થા તથા આયોજકો સાથે બેઠક યોજવા રજૂઆત કરવામાં આવી છે. ટ્રાફિક જામ થયા બાદ નહીં, પરંતુ ટ્રાફિક જામ થાય જ નહીં તેવું આગોતરું આયોજન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.




