સરકારી શાળાની સગીરાના શોષણનો બનાવ કંઈ એકલ-દોકલ નથી
શાળા નં. 19માં થયેલાં કાંડ વિશે ‘ખાસ-ખબર’એ પણ લખ્યું છે, ગાંધીનગર સુધી રજૂઆતો પણ થઈ છે, છતાં પરિણામ શૂન્ય
- Advertisement -
છેલ્લાં ત્રણ વર્ષમાં પદાધિકારીઓએ પોતાનું પેટ ભરવા સિવય કશું જ ઉકાળ્યું નથી!
ગાંધી જયંતિના પવિત્ર દિવસે જ રાજકોટની સરકારી શાળામાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને કલંકિત કરતી અત્યંત શરમજનક અને નીંદનીય ઘટના સામે આવતાં શિક્ષણ જગત હચમચી ગયું છે. લંપટ અને આવારા શિક્ષકો સામે પોલીસ કડક પગલાં ભરી રહી છે ત્યારે શિક્ષણના નામે તાયફા કરતી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘોર બેદરકારી અને પાપ હવે છાપરે ચઢી પોંકારવા લાગ્યા છે. શિક્ષણ સમિતિના જ શિક્ષક દ્વારા ૧૪ વર્ષની સગીર વિદ્યાર્થિનીને ગણિત વિષયમાં સારા માર્ક્સ અપાવવાની લાલચ અને નાપાસ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવાની આખી ઘટના કોઈ અકસ્માત નથી પરંતુ વર્ષોથી પાંગરેલા ભ્રષ્ટાચાર અને બેજવાબદારીનું વરવું પરિણામ હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે.
સૂત્રો મુજબ, હાલમાં શિક્ષણ સમિતિની શાળા નંબર ૮૮ના બનાવ પૂર્વે પણ શિક્ષણ સમિતિની જ શાળા નં. ૧૯માં આવેલી ગર્લ્સ હોસ્ટેલની સગીરાઓ સાથે અઘટિત કૃત્ય આચરાતું હોવાની લેખિત ફરિયાદ ગાંધીનગર ગૃહ વિભાગ સુધી એક જાગૃત શિક્ષિકા દ્વારા પહોંચાડવામાં આવી હતી. શાળા પરિસરમાં આવેલી સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીના ઓઠા હેઠળ આ ગોરખધંધા ચાલતા હોવાની રાજકોટના કેટલાક મોટા માથાઓના નામ આ વિગતો મીડિયામાં પણ આવી હતી. જોકે, કાંડમાં ખુલી જવાની દહેશત ઊભી થતાં કડક તપાસ કરવાને બદલે સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીને જ રાતોરાત અન્ય સ્થળે ખસેડી આખા પ્રકરણ પર લીંપાપોતી કરી દેવામાં આવી હતી! જો તે સમયે જ આ કાંડના મૂળિયાં ખોદી કાઢવામાં આવ્યા હોત તો આજે ૧૪ વર્ષની માસૂમ દીકરીના વાલીઓએ ન્યાય માટે પોલીસ સમક્ષ પોકાર ન કરવો પડ્યો હોત.
નોંધનીય છે કે, શિક્ષણ સમિતિમાં જ્યારે પણ નવા ચેરમેન પદ સંભાળે છે ત્યારે પત્રકાર પરિષદોમાં મોટા ઉપાડે શિક્ષણ સુધારણા અને નવા વિચારોની વાતો કરે છે પણ ઇતિહાસ સાક્ષી છે કે મુદત પૂરી થતાં સુધીમાં સુધારો લાવવાને બદલે ખુદ વિવાદોમાં ઘેરાય છે અથવા જેલના સળિયા ગણવાનો વારો આવે છે. વર્તમાન શાસકો પણ જાહેર જીવનમાં ડાઘ નથી તેવા દાવા કરે છે પરંતુ તેમના કારણે ખાડે ગયેલા તંત્રની વાસ્તવિકતા જોતાં ડાઘ શોધવાની જગ્યા જ ન બચે તે હદે આખી વ્યવસ્થા ખરડાઈ ચૂકી છે. તંત્રની આવી લાપરવાહી અને દીકરીઓની અસુરક્ષાને કારણે જ આજે ગરીબ અને મધ્યમવર્ગના વાલીઓ દેવું કરીને પણ બાળકોને ખાનગી શાળામાં મોકલવા મજબૂર બન્યા છે, જેના લીધે સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા કૂદકે ને ભૂસકે ઘટી રહી છે.
કમિશન માટે કરોડો રૂપિયાનો ધુમાડો, પદાધિકારીઓ-અધિકારીઓથી લઈ માનીતા શિક્ષકોને જલસો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આધુનિકરણના નામે અબજો રૂપિયા ખર્ચે છે. અંગત સ્વાર્થ અને કમિશન માટે સાજી-સારી શાળાઓ તોડી પાડીને ટૂંકા ગાળામાં ૪ થી ૫ ડઝન જેટલી નવી શાળાઓ ખડકી દેવામાં આવી છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે, શું નવા બાંધકામમાં ક્લાસરૂમ ખૂટે છે? કરોડોના ખર્ચે બનેલી નવી ઇમારતો છતાં શાળાઓ આજે પણ સવાર-બપોર એમ બે પાળીમાં કેમ ચલાવવી પડે છે? અહીં વાસ્તવિકતા એ છે કે પોતાના માનીતા આચાર્યો અને શિક્ષકોને સાચવવા બે પાળીનો ખેલ રચાયો છે. સવારની પાળીમાં કોઈ અધિકારી ફરકતા ન હોવાથી આચાર્યો ગેરહાજર રહે છે અને શિક્ષકો મનમાની ચલાવે છે. કાર્યક્રમો અને તાયફાઓમાં કમિશનરથી માંડી મેયર સુધીના નેતાઓ ફોટા પડાવવા પહોંચી જાય છે પરંતુ સામાન્ય દિવસોમાં ‘સરપ્રાઈઝ ચેકિંગ’ કરવાની કોઈ અધિકારી કે પદાધિકારી તસ્દી લેતા નથી.
- Advertisement -
સરકારી ગાડીઓમાં અંગત આંટાફેરા, શિક્ષણ રામભરોસે અને વિદ્યાર્થીઓ અસુરક્ષિત
શિક્ષણ સમિતિના વહીવટ અને વર્તમાન શાસકોની ભૂમિકાને લઈને આક્ષેપ એવો રહ્યો છે કે શાસકોનું ધ્યાન શિક્ષણની ગુણવત્તા વધારવાને બદલે વિવિધ ખરીદી, બાંધકામ અને યોજનાકીય ટેન્ડરોમાં માત્ર આર્થિક લાભ મેળવવા તરફ વધુ કેન્દ્રિત રહ્યું છે. શાળાઓના નિયમિત અને ઓચિંતા નિરીક્ષણ માટે ચેરમેન અને શાસનાધિકારીને ફાળવવામાં આવેલાં સરકારી વાહનો પાછળ દર વર્ષે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. જો છેલ્લા ૩ વર્ષના વાહનોના લોગબુક અને રેકોર્ડ તપાસવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રે મોટો ભાંડો ફૂટે તેમ છે. આ વાહનો શાળા મુલાકાત માટે નહીં પરંતુ મોટાભાગે અંગત ઉપયોગમાં દોડતા રહ્યા છે. જો ફિલ્ડમાં નિયમિત અને કડક મોનિટરિંગ હોત તો શાળાઓમાં વિધાર્થિનીઓ પર દુષ્કૃત્યો આચરવાની કોઈ શિક્ષકની હિંમત ન ચાલી હોત અને વિદ્યાર્થીઓ પણ સુરક્ષિત હોત.




