અમેરિકાની દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મની ચેતવણી, સમગ્ર વિશ્વમાં આર્થિક સંકટનો ખતરો
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલને લઈને આખી દુનિયામાં સંકટ છવાયેલું છે, કારણ કે ક્રૂડ ઓઈલ સપ્લાય ચેઈન વારંવાર તૂટી રહી છે, જેના કારણે ઓઈલનાં ભાવ ઝડપથી ઉપર આવી ગયા છે. બ્રેન્ટ ક્રૂડ અને WTI ક્રૂડ બંનેમાં તેજી જોવા મળી છે. ૯ સપ્ટેમ્બરે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ૧૦૦ ડોલર પર પહોંચી ગયું અને WTI ક્રૂડ ઓઈલ ૯૪ ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. બંનેમાં ૨ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
આ દરમિયાન, અમેરિકી બેન્કર ગોલ્ડમેન સેક્સે ક્રૂડ ઓઈલને લઈને મોટો દાવો કર્યો છે. જો ગોલ્ડમેન સેક્સના કહેવા મુજબ વસ્તુઓ થાય છે તો શેરબજારમાં મોટો કડાકો આવી શકે છે. દિગ્ગજ અમેરિકી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ ગોલ્ડમેન સેક્સે કહ્યું છે કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઓઈલ ટેન્કરો પર હુમલાઓ અટકતા નથી તો ક્રૂડના ભાવ ૧૨૦ ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. આ વાત ગોલ્ડમેન સેક્સમાં કોમોડિટીઝ રિસર્ચના કો-હેડ ડેન સ્ટુયવેને કહી છે. તેમનું એ પણ કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓને જોઈએ તો જહાજોની અવરજવરની દ્રષ્ટિએ અવરોધો વધુ થઈ ગયા છે. કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને હજુ મામલો ફસાયેલો છે. દુનિયાનું ૨૦ ટકા ઓઈલ પસાર થાય છે, ત્યાં હવે ખૂબ જ ઓછી માત્રામાં ઓઈલ આવી રહ્યું છે. આવા સંજોગોમાં મોંઘવારી વધી રહી છે અને સાથે જ ખતરો પણ વધી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે જે રીતે સંઘર્ષ વધી રહ્યો છે, તે મુજબ ક્રૂડ ઓઈલની કિંમતો ૧૦૦ ડોલરને પાર જઈ શકે છે. આવા સંજોગોમાં ભારત માટે મોટો ફટકો હશે, કારણ કે ભારતનું આયાત બિલ વધી જશે. આ કારણે લોજિસ્ટિક્સથી લઈને કાચા માલ સુધીની કિંમતો વધુ હશે, જેની અસર ઝડપથી રિટેલ માર્કેટમાં પણ જોવા મળશે.




