શેરબજારમાં આજે દિવસ ભારે ઉતાર-ચઢાવ ભર્યો રહ્યો છે. આજે શેરબજારની શરૂઆત પહેલા દિવસમાં હરિયાળીભરી રહી હતી. સેન્સેક્સ અને નિફ્ટી પ્લસમાં ખુલ્યા હતા. જોકે જેમ જેમ ટ્રેડિંગ આગળ વધતુ ગયું તેમ તેમ બંને ઈન્ડેક્સમાં જોરદાર કડાકાની સ્થિતિ જોવા મળી અને રોકાણકારોએ વિચાર્યું પણ નહીં હોય તેવી સ્થિતિ સર્જાઈ. માહિતી અનુસાર ગઇકાલે સોમવારે સેન્સેક્સનું ક્લોઝિંગ ૭૩,૮૫૨.૯૦ પોઈન્ટ રહ્યું હતું. જોકે આજે સેન્સેક્સ ચઢીને ખુલતાં ૭૪,૬૮૨.૧૯ પોઈન્ટની ટોચે પહોંચી ગયો હતો. જોકે અચાનક જ બજારે ત્યાંથી યુ-ટર્ન મારતાં સેન્સેક્સે સીધી ૭૩,૩૫૬.૭૧ ની નીચલી સપાટી સ્પર્શી હતી. જેના કારણે સેન્સેક્સમાં કુલ ૧૩૨૬ થી વધુ પોઈન્ટની ઉથલપાથલ મચી ગઈ હતી. સેન્સેક્સ આજે દિવસની શરૂઆતમાં કુલ ૭૭૬ પોઈન્ટ ચઢ્યો હતો અને હાલમાં ૪૯૬ પોઈન્ટ ના કડાકા પર ટ્રેડ થઈ રહ્યું છે.
બીજી બાજુ નિફ્ટીની વાત કરીએ તો સોમવારે નિફ્ટી ૨૨,૮૮૮.૯૫ પર ક્લોઝ થઈ હતી. જે આજે એકઝાટકે ૨૩૨ પોઈન્ટના ઉછાળા બાદ ૨૩,૧૨૦.૯૦ ની સપાટીને સ્પર્શી ગઇ હતી. જોકે આ તેજી જળવાઈ નહીં અને પછી ટ્રેડિંગના મધ્યમાં જ નિફ્ટી ફરી ગબડીને ૨૨,૭૦૨.૮૫ ની લોઅર સપાટીએ પહોંચી ગઈ હતી. જે દર્શાવે છે કે નિફ્ટીમાં આજે કુલ ૪૧૮ પોઈન્ટનું ગાબડું પડયું હતું. જેકે પછીથી થોડીક રિકવરી દર્શાવતા નિફ્ટી સમાચાર લખવા સુધીમાં ૧૮૬ પોઈન્ટના કડાકા પર ટ્રેડ થઈ રહી હતી.
શેરબજારમાં ઉથલપાથલ : સેન્સેક્સમાં ઉછાળા બાદ 1300 તો નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો




