30213 કરોડનો મેગા IPO: ગ્રે માર્કેટમાં શેર દીઠ 252 પ્રીમિયમઃ 22.5% લિસ્ટિંગ ગેઇનના સંકેત
મુકેશ અંબાણીની કંપની જિયો પ્લેટફોર્મ્સ શેરબજારમાં ઐતિહાસિક પ્રવેશ કરવા માટે સંપૂર્ણ સજ્જ થઈ ગઈ છે. ભારતીય મૂડીબજારના ઇતિહાસનો સૌથી મોટો ૩૦,૨૧૩ કરોડનો આ ઈંડઘ આજે સામાન્ય રોકાણકારો માટે સત્તાવાર રીતે ખુલી ગયો છે. વર્ષ ૨૦૦૮ પછી રિલાયન્સ ગ્રુપની કોઈ કંપની પ્રાઇમરી માર્કેટ મારફતે શેરબજારમાં લિસ્ટ થઈ રહી હોવાથી દલાલ સ્ટ્રીટમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કંપની દ્વારા શેર દીઠ ૧,૦૬૫ થી ₹૧,૧૧૯ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ ઇશ્યૂ સામાન્ય રોકાણકારો માટે ખુલતાની સાથે જ ગ્રે માર્કેટમાં ભારે ધૂમ મચાવી રહ્યો છે. અનઓફિશિયલ માર્કેટમાં કંપનીનો શેર ૨૨.૫૨% એટલે કે ૨૫૨ના જોરદાર પ્રીમિયમ પર પહોંચી ગયો છે. ગ્રે માર્કેટ પ્રીમિયમના આ વલણ મુજબ અપર પ્રાઇસ બેન્ડ ૧,૧૧૯ના આધારે તેનું સંભવિત લિસ્ટિંગ ૧,૩૭૧ આસપાસ થવાની ધારણા છે, જે રોકાણકારોને સીધા ૨૨ ટકાથી વધુ લિસ્ટિંગ ગેઇનનો સંકેત આપે છે.
રિટેલ રોકાણકારો માટે ઓછામાં ઓછી ૧૨ શેરની ૧ લોટ સાઇઝ નિર્ધારિત કરવામાં આવી છે, જેના માટે ૧૩,૪૨૮નું રોકાણ કરવું અનિવાર્ય રહેશે. જ્યારે મહત્તમ ૧૪ લોટ એટલે કે ૧૬૮ શેર માટે ૧,૮૭,૯૯૨ સુધીની બોલી લગાવી શકાશે. સમગ્ર ઇશ્યૂમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે ૫૦%, રિટેલ રોકાણકારો માટે ૩૫% અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે ૧૫% હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે.
કંપનીએ પોતાના કર્મચારીઓ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકો માટે ખાસ જોગવાઈ કરી છે. જેમાં કર્મચારીઓ માટે ૫૦૦ કરોડના શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે અને તેમને દરેક શેર પર ૫૪નું વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બીજી તરફ, રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (RHP) ફાઇલિંગની તારીખ એટલે કે ૧૪ ઓક્ટોબર સુધી કંપનીના પબ્લિક ઇક્વિટી ધરાવતા પાત્ર રિલાયન્સ શેરધારકો માટે ૨,૫૦૦ કરોડનો ક્વોટા ફાળવવામાં આવ્યો છે.
આ પબ્લિક ઇશ્યૂ જાહેર રોકાણકારો માટે ખુલે તે પહેલાં જ એન્કર ઇન્વેસ્ટર્સ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. સોમવારે એન્કર રોકાણકારોએ ૮,૧૧૦ કરોડના શેર સામે ૨.૫ લાખ કરોડની ઐતિહાસિક બોલી લગાવીને ઇશ્યૂને 30 ગણો છલકાવી દીધો હતો. આજે સામાન્ય રોકાણકારો માટે બિડિંગ શરૂ થતાં જ માત્ર ૩૫ મિનિટમાં જિયોનો IPO ફુલ્લી સન્સ્ક્રાઇબ થઈ ગયો છે. રોકાણકારો આગામી ૨૩ ઓક્ટોબર સુધી આ ઇશ્યૂમાં પોતાની અરજી નોંધાવી શકશે.




