એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ વચ્ચે રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગના દરોડા
ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં એનાલોગ ડેરી ઉત્પાદનોના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકાયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે શહેરમાં વિશેષ સતર્કતા દાખવી છે. મનપાએ શહેરના તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો, રિટેલ અને હોલસેલ વેપારીઓ, હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ, કેન્ટીન તેમજ ક્લાઉડ કિચન સંચાલકોને એનાલોગ ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવા સ્પષ્ટ સૂચના આપી છે.
- Advertisement -
આ આદેશના અનુસંધાને ફૂડ વિભાગે શહેરમાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધરી કુલ 78 પેઢી અને રેસ્ટોરન્ટની તપાસ કરી હતી. તપાસ દરમિયાન અંદાજે 113 કિલોગ્રામ વાસી અને અખાદ્ય ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત 16 વેપારીઓને સ્ટોરેજ, લાઇસન્સ અને હાઈજેનિક કન્ડિશન સંબંધિત નોટિસ આપવામાં આવી હતી. કુલ રૂ.21,500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ ચાર ખાદ્ય નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
દરોડા દરમિયાન દિનદયાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી કનૈયા ડેરી ફાર્મ સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 95 કિલોગ્રામ વાસી અને પડતર માવાના પેંડા, કેસર પેંડા, મિશ્ર મીઠાઈ અને શ્રીખંડનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને હાઈજેનિક કન્ડિશન અને લાઇસન્સ સંબંધિત નોટિસ આપી રૂ.5,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. અહીંથી શુદ્ધ ઘી અને મોળા માવાના નમૂનાઓ પણ લેવામાં આવ્યા હતા.
મવડી મેઇન રોડ પર આવેલી જલારામ ઘી ડિપોમાંથી ‘નમિત’ અને ‘શ્રીકાંત’ બ્રાન્ડના પેક્ડ કાઉ ઘીના બે નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જ્યારે નવાગામ વિસ્તારમાં આવેલી વાહેગુરુ એન્ટરપ્રાઇઝમાં યોગ્ય સ્ટોરેજના અભાવ અને લાઇસન્સની ખામી સામે આવતા 15 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂ.10 હજારનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
- Advertisement -
આ ઉપરાંત વાવડી 40 ફૂટ રોડ, ગોંડલ ચોકડી, શીતલ પાર્ક, રૈયા રોડ અને અન્ય વિસ્તારોમાં આવેલી અનેક દુકાનો, ડેરી, પાન-કોલ્ડ્રિંક્સ અને ખાદ્ય પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. લાઇસન્સનો અભાવ, યોગ્ય લેબલિંગ ન હોવું, સ્ટોરેજમાં ખામીઓ અને સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ વેપારીઓને નોટિસ આપી રૂ.500થી રૂ.1,000 સુધીના વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગે જણાવ્યું કે રાજ્ય સરકારના પ્રતિબંધ બાદ એનાલોગ ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કે વેચાણ કરતા કોઈ પણ વેપારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં શહેરભરમાં વધુ સઘન ચેકિંગ, સેમ્પલિંગ અને સર્વેલન્સ અભિયાન ચાલુ રાખવામાં આવશે.




