‘બાલસખા યોજના’માં આચરાયેલા કૌભાંડમાં રોજ ફૂટતાં નવા ફણગાં!
કાલાવડ પંથકનાં ભાજપનાં એક ટોચનાં નેતા ડૉ. પંડ્યાને છાવરતાં હોવાનું ઉપસતું ચિત્ર
જિલ્લા આરોગ્ય અધિકારી અને હેલ્થ વિભાગનાં રિજિયોનલ ડેપ્યુટી ડિરેકટર શું જખ મારે છે?
ડૉક-કટર અથવા તો કસાઈ જેવા કામ કરીને ‘બાલસખા’ યોજનામાં કરોડોનું કૌભાંડ આચરનાર પિડિયાટ્રિશિયન ડૉ. પ્રિતેશ પંડ્યા વિશે કેટલીક ચોંકાવનારી બાબતો બહાર આવી છે. ‘ખાસ-ખબર’ને મળેલી જાણકારી અનુસાર કલરવ હોસ્પિટલનાં સંચાલક ડૉ. પ્રિતેશ પંડ્યાને આ બોગસ ક્લેઈમ કૌભાંડમાં કાલાવડ પંથકનાં ભાજપનાં એક ટોચનાં રાજકારણીની પૂરેપૂરી હૂંફ છે અને તેમનાં સાથ-સહકારથી જ ડૉ. પંડ્યા આ કૌભાંડ નિષ્ફિકર બનીને આચરી રહ્યો છે. ડૉ. પંડ્યા મૂળ કાલાવડનો વતની છે એ વાત ઉલ્લેખનીય છે.
ડૉ. પંડ્યાએ બાલસખા યોજનાનો ગેરલાભ લઈને બે વર્ષ દરમિયાન લગભગ 1500 ક્લેઈમ પાસ કરાવ્યા છે. આ યોજના અંતર્ગત જે બાળકને ક્રિટિકલ કેરની જરૂરિયાત હોય તેને રૂપિયા પચાસ હજારની મર્યાદામાં સહાય મળે છે. પરંતુ ડૉ. પંડ્યાએ બોગસ ક્લેઈમ રજૂ કરીને મોટું કૌભાંડ આચર્યું છે.
- Advertisement -

ઉઇંઘ અને રિજિયોનલ ડેપ્યુટી ડિરેકટર શું ઊંઘી રહ્યાં છે?
સરકારી યોજનાનો જ્યારે આટલી હદે દુરૂપયોગ થતો હોય ત્યારે એ કૌભાંડ ડામવાની, રોકવાની જવાબદારી જિલ્લા આરોગ્ય અધિકારીની હોય છે, સાથેસાથે રિજિયોનલ ડેપ્યુટી ડિરેકટરે પણ પગલાં લેવા જોઈએ. પરંતુ આ કિસ્સામાં આવું કશું જ બન્યું નથી. ઊલટું, મૌન ધારણ કરીને તેઓ ડૉ. પ્રિતેશ પંડ્યાના કૂકર્મોને છાવરી રહ્યાં છે. તેમનાં સાથ-સહકાર વગર આ કૌભાંડ આચરવું શક્ય જ નથી.
આખરે આ કૌભાંડ છે શું?
એક યુવા અને પ્રામાણિક ડૉક્ટરનાં કારણે ડૉ. પ્રિતેશ પંડ્યાનું આખું કૌભાંડ ખૂલ્યું છે. રાજકોટ શહેરનાં નવજ્યોત પાર્ક મેઈન રોડ નજીક, 150 ફૂટ રિંગરોડ પાસે આવેલ કલરવ હોસ્પિટલનાં ડો. પ્રિતેશ પંડ્યાએ સરકારની બાલસખા યોજના-3 અંતર્ગત મસમોટું કૌભાંડ આચર્યું છે. બાલસખા યોજના-3ના લાભ માટે સરકારી આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઑફિસરની સહી ફરજીયાત છે. કલરવ હોસ્પિટલનાં ડો. પંડ્યાએ બાલસખા યોજનાના અનેક ફોર્મ પર બોગસ નામો લખીને લાગુ પડતાં આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઑફિસરની સહી જાતે જ ઠપકારી દીધી અને પૈસા ક્લેઈમ કરી લીધા છે. ડો. પ્રિતેશ પંડ્યાનું આ કરતૂત આમ તો કદી બહાર જ ન આવ્યું હોત પરંતુ ગાંધીનગરનાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓને શંકા જતાં તેમણે કેટલાંક પગલાં લીધાં અને વાત બહાર આવવાની શરૂઆત થઈ. હવે જ્યારે આ આખું કૌભાંડ જગજાહેર થઈ ચૂક્યું છે ત્યારે હજુ સુધી કલવર હોસ્પિટલનાં ડો. પ્રિતેશ પંડ્યા વિરુદ્ધ હજુ સીધુ કોઈ પોલીસ કાર્યવાહી કેમ નથી થઈ એ શંકાનો સવાલ છે.
- Advertisement -



