મહિલાઓ માટે 10 અને સામાન્ય કરદાતાઓ માટે 5 ટકા વળતરની સુવિધા
અત્યાર સુધીમાં 3.41 લાખથી વધુ કરદાતાઓએ 241.73 કરોડનો વેરો ચૂકવ્યો
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આર્થિક વર્ષ ૨૦૨૬-૨૭ના મિલકતવેરા તથા પાણી વેરાની વસૂલાત માટે શરૂ કરવામાં આવેલી પ્રોત્સાહક એડવાન્સ ટેક્સ ડિસ્કાઉન્ટ યોજનાનો આવતીકાલે એટલે કે તારીખ ૩૦ જૂન, ૨૦૨૬ના રોજ અંતિમ દિવસ છે. મહાનગરપાલિકા દ્વારા ગત તારીખ ૦૭ એપ્રિલ ૨૦૨૬થી આ વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના ભાગરૂપે અત્યાર સુધીમાં એડવાન્સ વેરો ભરપાઇ કરનાર જાગૃત નાગરિકોને કુલ રૂ. ૨૬.૯૯ કરોડ જેટલી માતબર રકમનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના બાકી રહી ગયેલા તમામ મિલકતધારકોને આવતીકાલે યોજનાના છેલ્લા દિવસે આ વળતરનો મહત્તમ લાભ ઉઠાવવા માટે નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.
- Advertisement -
મનપાના સત્તાવાર આંકડાઓ અનુસાર, તારીખ ૨૫ જૂન ૨૦૨૬ સુધીમાં જ શહેરના કુલ ૩,૪૧,૬૩૯ કરદાતાઓ દ્વારા રૂ. ૨૪૧.૭૩ કરોડની મિલકત અને પાણી વેરાની રકમ જમા કરાવી દેવામાં આવી છે. આ વસૂલાતમાં ડિજિટલ માધ્યમોનો પ્રભાવ વિશેષ જોવા મળ્યો છે, જેમાં કુલ ૨,૬૭,૫૫૨ કરદાતાઓએ ઓનલાઇન પદ્ધતિનો ઉપયોગ કરીને રૂ. ૧૭૫.૭૭ કરોડ ચૂકવ્યા છે. જ્યારે ૭૪,૦૮૭ કરદાતાઓએ વિવિધ વોર્ડ ઓફિસ અને સિવિક સેન્ટરો ખાતે રૂબરૂ જઈને ચેક તથા રોકડા સ્વરૂપે રૂ. ૬૫.૯૬ કરોડની ચૂકવણી કરી છે.
નોંધનીય છે કે આ એડવાન્સ ટેક્સ ડિસ્કાઉન્ટ યોજના હેઠળ તારીખ ૩૦-૦૬-૨૦૨૬ સુધીમાં વેરો ભરનાર સામાન્ય કરદાતાઓને ૫% ડિસ્કાઉન્ટ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે મહિલા કરદાતાઓને ૧૦% ડિસ્કાઉન્ટનું વિશેષ પ્રદાન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતા તમામ રહેણાંક અને વ્યાવસાયિક મિલકતધારકો સમયસર વેરો ભરીને વ્યાજ કે પેનલ્ટીથી બચે અને આ યોજના હેઠળ મળતા વળતરનો લાભ મેળવે તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. નાગરિકો મનપાના સિવિક સેન્ટરો અથવા સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન પણ આસાનીથી વેરો ભરી શકશે.




