એપ્રિલ-2028 પછી દિલ્હીમાં પેટ્રોલ ટુ-વ્હિલરનું રજિસ્ટ્રેશન બંધ કરાશે
નવી ઈવી કાર પર 100 ટકા રોડ ટેક્સ-રજિસ્ટ્રેશન ફી માફ, ઈવી ટુ-વ્હીલર્સમાં 30 હજાર, થ્રી-વ્હીલર્સની ખરીદીમાં 50 હજાર સુધીની સબસિડી
- Advertisement -
દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કેબિનેટ બેઠક બાદ નવી ઈવી પૉલિસી જાહેર કરી છે. ૧લી જુલાઈથી લાગુ થનારી આ ઈવી પૉલિસી પ્રમાણે ઈવી ખરીદનારા લોકોને સરકાર ખાસ ઈન્સેન્ટિવ આપશે. ચાર વર્ષ માટે આ નવી યોજના લાગુ પડશે અને તેની પાછળ દિલ્હીની સરકાર ૧૫ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. સીએમ રેખા ગુપ્તાએ કહ્યું હતું કે દિલ્હી માટે આ ઐતિહાસિક દિવસ છે. ઈવીને ઉત્તેજન આપવા માટે આવી મોટી પૉલિસી લાવનારું દિલ્હી દેશનું પહેલું રાજ્ય બન્યું છે.દિલ્હીની નવી ઈવી પૉલિસી પ્રમાણે ૧લી જુલાઈથી ઈવી ખરીદનારને રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશનમાંથી માફી આપવામાં આવશે. ટુ-વ્હીલર્સ ખરીદનારાને ૩૦ હજાર સુધીનું ઈન્સેન્ટિવ મળશે. ૧લી માર્ચ, ૨૦૩૦ સુધી દિલ્હીમાં આ નવી પૉલિસી લાગુ રહેશે અને યોજનાના લાભો પણ મળશે. સીએમના જણાવ્યા પ્રમાણે આ ચાર વર્ષમાં ૭૦૦૦ કરોડ રૂપિયા આ યોજનાનો લાભ આપવા પાછળ અપાશે. ૮૦૦૦ કરોડ રૂપિયા ઈવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે અપાશે.
પહેલા વર્ષે ટુ-વ્હીલર્સ ખરીદનારને ૩૦ હજાર, બીજા વર્ષે ૨૦ હજાર અને ત્રીજા વર્ષે ૧૦ હજારનો લાભ મળશે. ઈવી કારમાં રજિસ્ટ્રેશન અને ટેક્સમાંથી રાહત મળશે. થ્રી-વ્હીલર્સ કરીદી પર પહેલા વર્ષે ૫૦ હજાર, બીજા વર્ષે ૪૦ હજાર અને ત્રીજા વર્ષે ૩૦ હજારનું ઈન્સેન્ટિવ અપાશે. એન-૧ કેટેગરીના વાહનોને પણ પહેલા વર્ષે એક લાખ રૂપિયાની રાહત અપાશે. તે સિવાય સ્કેપિંગ પૉલિસી હેઠળ પણ લાભ અપાશે. જે વાહનોના રજિસ્ટ્રેશન પૂરા થઈ ગયા છે તેમને સ્ક્રેપિંગ માટે પ્રોત્સાહન આપવાના હેતુથી કારમાં એક લાખ રૂપિયા સુધી અને ટુ-વ્હીલર્સમાં ૧૦ હજાર સુધીનું વળતર મળશે. ટ્રક અને થ્રી-વ્હીલર્સ માટે પણ આ યોજના લાગુ રહેશે.
આ નવી ઈવી પૉલિસીની સમાંતરે વાહનોના રજિસ્ટ્રેશનની પૉલિસી પણ જાહેર થઈ છે. ૧લી જાન્યુઆરી-૨૦૨૭થી દિલ્હીમાં એ જ ટ્રક અને થ્રી-વ્હીલર્સ રજિસ્ટર થશે, તે ઈવી હશે. ૧લી એપ્રિલ-૨૦૨૮થી દિલ્હીમાં માત્ર ઈવી ટુ-વ્હીલર્સનું જ રજિસ્ટ્રેશન થશે. એટલે કે એપ્રિલ-૨૦૨૮ પછી દિલ્હીમાં માત્ર ઈવી ટુ-વ્હીલર્સ જ વેચાશે. ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગની મુશ્કેલી ન થાય તે માટે દિલ્હીની સરકાર ચાર વર્ષમાં ૩૨ હજાર ચાર્જિંગ સ્ટેશન્સ બનાવશે. તે માટે દિલ્હીમાં જુદા જુદા વિસ્તારોમાં જગ્યા પસંદ કરી લેવામાં આવી છે. દિલ્હીમાં ૩૩ ટકા વાયુ પ્રદૂષણ કમર્શિયલ વાહનોથી ફેલાય છે. ૪૬ ટકા ટુ-વ્હીલર્સ અને કાર વાયુ પ્રદૂષણ વધારે છે. તેના ભાગરૂપે દિલ્હીમાં ઈવી વાહનો વધારવાની દિશામાં આ પૉલિસી બનાવવામાં આવી છે.




