રાજકોટથી ઇન્ટરનેશનલ એરપોર્ટ જવા માટે પણ ચૂકવવો પડશે ટોલ ટેક્સ
છ જિલ્લાનાં મુસાફરોને અસર, લોકપ્રતિનિધિઓના હસ્તક્ષેપની માંગ
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈવેનું કામ હજુ સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી, ત્યારે માલીયાસણ નજીક ઉભા થઈ રહેલા નવા ટોલનાકાનું આશરે ૭૫ ટકા કામ પૂર્ણતાની નજીક પહોંચતા સૌરાષ્ટ્રભરના વાહનચાલકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આગામી થોડા મહિનાઓમાં ટોલનાકું કાર્યરત થઈ જતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકોને વધારાનો આર્થિક બોજ સહન કરવો પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને રાજકોટ શહેરમાંથી નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જતા મુસાફરોને પણ ટોલ ટેક્સ ચૂકવવાની ફરજ પડશે, જેના કારણે સ્થાનિક મુસાફરીનો ખર્ચ પણ વધી જશે. અત્યાર સુધી એરપોર્ટ સુધી પહોંચવા માટે માત્ર ઇંધણ અને વાહન ખર્ચ જ ગણાતો હતો, પરંતુ હવે ટોલ ટેક્સના રૂપમાં વધારાનો ખર્ચ મુસાફરોના ખિસ્સા પર સીધી અસર કરશે.
આ નવા ટોલનાકાની અસર માત્ર રાજકોટ પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વાહનચાલકોને પણ અમદાવાદ તરફની મુસાફરી દરમિયાન વધારાનો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. પરિણામે સૌરાષ્ટ્રના છ જિલ્લાનાં વેપારીઓ, ઉદ્યોગકારો, પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા લોકો તેમજ સામાન્ય મુસાફરો માટે મુસાફરી વધુ મોંઘી બનશે. પરિવહન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે વારંવારની મુસાફરી કરતા વાહનચાલકો અને માલવાહક વાહનો માટે આ વધારાનો ખર્ચ સીધી રીતે માલસામાનના ભાવે પણ અસર કરી શકે છે. વેપાર અને ઉદ્યોગની દૃષ્ટિએ મહત્વના એવા રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે પરિવહન ખર્ચમાં વધારો વ્યાપારિક પ્રવૃત્તિઓ પર પણ અસરકારક બની શકે છે. બીજી તરફ રાજકોટ શહેરના પાદરમાં ટોલનાકું કાર્યરત થતાં ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગવાની શક્યતા છે, જેના કારણે શહેરમાં પ્રવેશ અને બહાર નીકળતી વાહન વ્યવસ્થા પર અસર પડી શકે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે જો પૂરતી આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ટ્રાફિક જામની સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.
આ સમગ્ર મુદ્દે શહેરના નવનિયુક્ત મેયર ડૉ. નેહલ શુકલ સહિતના જનપ્રતિનિધિઓએ પ્રજાના હિતમાં આગળ આવી સરકાર સમક્ષ રજૂઆત કરવી જરૂરી હોવાનું માનવામાં આવે છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના વાહનચાલકોને રાહત મળે તે માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુધી રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી રહી છે. હવે રાજ્ય સરકાર અને સંબંધિત તંત્ર આ રજૂઆતોને કેટલું મહત્વ આપે છે અને વાહનચાલકોને કોઈ રાહત મળે છે કે નહીં તેના પર સૌરાષ્ટ્રભરના લાખો લોકોની નજર મંડાઈ છે.




