પડતર પાઉં ગ્રેવી, લોટ, દાળ, મન્ચુરિયન ચટણી સહિત વાસી જથ્થાનો નાશ, ખાણીપીણીના વેપારીઓમાં ફફડાટ: 84 પેઢીઓમાં ચેકિંગ
જૂના મોરબી રોડ પર આવેલી પટેલ વિજય સ્વીટ્સ, મોરબી રોડ પર આવેલી જય બજરંગ ડેરી સહિતની પેઢીને તાળા
- Advertisement -
બસ સ્ટેન્ડની કુલ 14 દુકાનોમાંથી 41 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી 9,700 નો દંડ વસૂલાયો
શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. મનપાની ટીમો દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા મેગા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ ૮૪ પેઢી અને રેસ્ટોરન્ટ્સમાં તપાસનો સપાટો બોલાવવામાં આવ્યો હતો. આ કડક ઝુંબેશ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક એવા ૫૧૮ કિલોગ્રામ અખાદ્ય અને વાસી ખોરાકના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી કુલ રૂ. ૭૯,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી ૨૪ પેઢીઓને સ્ટોરેજ, લાઇસન્સ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારવામાં આવતા ખાણીપીણીના બજારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ મેગા ડ્રાઈવ દરમિયાન અત્યંત ગંદકી અને લાયસન્સના અભાવે શહેરની ૬ મોટી પેઢીઓને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી છે. જેમાં મવડી મેઇન રોડ પર સ્વામી વિવેકાનંદ ઓવરબ્રિજ નીચે આવેલ “તુલશી બેકરી” માં અનહાઈજેનિક કન્ડિશનમાં સ્ટોરેજ અને ઉત્પાદન થતું હોવાનું ખૂલતાં, ત્યાંથી પડતર બેકરી પ્રોડક્ટ્સ, પાઉં અને બાંધેલો લોટ મળી અંદાજિત ૧૬૦ કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂ. ૧૦,૦૦૦/- નો દંડ વસૂલાયો છે. આ જ રોડ પર આનંદ બંગલા ચોક પાસે આવેલ “ક્રિષ્ના રેસ્ટોરન્ટ” ને પણ સીલ કરવામાં આવી છે, જ્યાંથી વાસી શાકભાજી, અખાદ્ય ડુંગળી, ગ્રેવી, લોટ, દાળ, મંચુરિયન, ચટણી, પાપડ અને નૂડલ્સ સહિતનો ૧૩૫ કિલોગ્રામ વાસી ખોરાક ઝડપાતા તેનો નાશ કરી રૂ. ૧૦,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલાયો છે. આ ઉપરાંત મવડી પ્લોટમાં આવેલ “શ્રી પટેલ સ્વીટ્સ” ને સીલ કરી રૂ. ૧૦,૦૦૦/- નો દંડ વસૂલી ત્યાંથી પનીર (લૂઝ) નો નમૂનો લેવાયો છે. જૂના મોરબી રોડ પર જકાત નાકા પાસે આવેલ “શ્રી પટેલ વિજય સ્વીટ્સ & નમકીન” માંથી એક્સપાયર્ડ થયેલ ફ્લેવર એસેન્સ, પીઝા બેઝ, બિસ્કીટ અને નમકીન સહિત ૨૯ કિલોગ્રામ જથ્થાનો નાશ કરી પેઢી સીલ કરાઈ છે અને રૂ. ૫,૦૦૦/- નો દંડ ફટકારાયો છે. ગોંડલ રોડ પર વિજય પ્લોટ-૨૪ માં “વિજયભાઈ નારણભાઇ ગામરા” ની પેઢીને સીલ કરી રૂ. ૫,૦૦૦/- નો દંડ વસૂલી પનીરનો નમૂનો લેવાયો છે, જ્યારે મોરબી રોડ પર કલ્પતરૂ સોસાયટી પાસે આવેલ “જય બજરંગ ડેરી પ્રોડક્ટસ” માંથી લેબલ વગરના ૧૦ કિલોગ્રામ પનીરનો નાશ કરી પેઢીને સીલ કરી રૂ. ૨,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે. આ તમામ ૬ પેઢીઓને હાઈજેનિક કન્ડિશન અને લાઇસન્સ બાબતે નોટિસ પણ આપવામાં આવી છે.
- Advertisement -
મનપાના ફૂડ વિભાગની ટીમોએ શહેરના જાણીતા હોકર્સ ઝોન અને અન્ય વિસ્તારોને પણ બાનમાં લીધા હતા. શીતલ પાર્ક એરપોર્ટ રોડ હોકર્સ ઝોન ખાતે તપાસ કરતા ‘MGM પંજાબી & ચાઇનીઝ’ માંથી ૫ કિલો વાસી મંચૂરિયન, ‘જય સિયારામ વડાપાઉં’ માંથી ૧ કિલો મરચાની ચટણી અને ‘શિવશક્તિ ચાઇનીઝ & પંજાબી’ માંથી સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા આજીનો મોટોનો નાશ કરાયો હતો, જ્યારે અન્ય ૫ પેઢીઓને લાઇસન્સ બાબતે નોટિસ આપી ૬ પેઢીઓની સ્થળ તપાસ કરાઈ હતી. તેવી જ રીતે રેસકોર્સ હોકર્સ ઝોન પર ‘A-1 ચાઇનીઝ’ માંથી ૫ કિલો વાસી મંચૂરિયનનો નાશ કરી રૂ. ૨,૦૦૦/- નો દંડ, ‘આમચી મુંબઈ’ માંથી ૨ કિલો મસાલાનો નાશ કરી રૂ. ૨૦૦/- નો દંડ, અને ‘સંતોષ બટેટા પૂરી’ માંથી ૩ કિલો અખાદ્ય ચટણીનો નાશ કરી રૂ. ૫૦૦/- નો દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત રેસકોર્સ વિસ્તારમાં અન્ય ૭ પેઢીઓ પાસેથી દંડ વસૂલી લાઇસન્સ નોટિસ અપાઈ હતી અને ૧૦ જેટલી પેઢીઓને લાઇસન્સ માટે નોટિસ ફટકારવામાં આવી હતી.
બીજી તરફ મવડી પાળરોડ પર આસોપાલવ એપાર્ટમેન્ટ પાસે આવેલ શ્રીનાથજી રેસ્ટોરન્ટ, શ્રીનાથજી હોટલ અને બાલાજી એન્ટરપ્રાઇઝ (MMV) ત્રણેય પેઢીઓ પાસેથી રૂ. ૨,૦૦૦/- લેખે દંડ વસૂલી લાઇસન્સ નોટિસ અપાઈ હતી, જ્યારે જાગનાથ કોર્નર પર આવેલ ‘આકાશદીપ રેસ્ટોરન્ટ’ ને રૂ. ૫,૦૦૦/- નો ભારે દંડ ફટકારાયો હતો. પ્રધ્યુમાન પાર્ક અને મવડી ચોકડી વિસ્તારમાં ‘શિવધારા ફૂડઝોન’ માંથી ૮ કિલો અખાદ્ય જથ્થો, ‘શ્રી રામ કેન્ટીન’ માંથી ૫ કિલો વાસી ભાજી અને ‘પોરબંદરના પ્રખ્યાત ચાઇનીઝ & મોમોઝ’ માંથી ૫ કિલો અજીનો મોટો તથા મંચૂરિયનનો નાશ કરી લાઇસન્સ નોટિસ પાઠવવામાં આવી હતી. ન્યુ જાગનાથ રોડ પર ‘નારાયણ દિલ્લીચાટ’ માંથી ૨ કિલો અખાદ્ય ચટણીનો નાશ કરાયો હતો. તંત્રની ટીમોએ એસ.ટી. બસ સ્ટેન્ડની અંદર તથા સામેની બાજુએ આવેલી ૧૪ દુકાનોમાં ચેકિંગ કરી ૪૧ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂ. ૯,૭૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો, તેમજ ૐ નગર ૪૦ ફૂટ રોડ પરની ૧૬ દુકાનો/રેકડીઓમાંથી ૧૮ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી ૨ પેઢીને નોટિસ આપી હતી. મનપાની આ આકસ્મિક અને સર્જિકલ સ્ટ્રાઈક સમાન કાર્યવાહીથી સમગ્ર શહેરમાં અખાદ્ય સામગ્રી વેચતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
સંગીતા રેસ્ટોરન્ટ: 22 Kg વાસી કઠોળ અને બાફેલા ચણાનો નાશ, રૂ. 2,500/- નો દંડ.
રાજ મંદિર રેસ્ટોરન્ટ: 2 Kg વાસી રોટલાનો નાશ, રૂ. 500/- નો દંડ.
ધ્રુવી ગાઠિયા, ભજીયા: 5 Kg વાસી શીંગદાણા અને મરચાંનો નાશ, રૂ. 500/- નો દંડ.
શિવ રગડો: 5 લિટર અખાદ્ય ચટણીનો નાશ, રૂ. 1,000/- નો દંડ.
અક્ષર રેસ્ટોરન્ટ: 4 Kg ખરાબ લોટનો નાશ, રૂ. 500/- નો દંડ.
ઇલુભાઇ ગાંઠિયા વાળા: 3 Kg ઘૂઘરાની ચટણીનો નાશ, રૂ. 200/- નો દંડ.
પકોડા સેન્ટર (કનૈયા રેસ્ટોરન્ટ): 3 Kg ચટણીનો નાશ, રૂ. 500/- નો દંડ.
દંડ અને નોટિસ મેળવનાર અન્ય હોટલો: રામેશ્વર રેસ્ટોરન્ટ (રૂ. 1,000/- દંડ + નોટિસ),
ખોડિયાર હોટલ (રૂ. 1,000/- દંડ + નોટિસ)
A.K. લાઈવ ફૂડઝોન (રૂ. 1,000/- દંડ + નોટિસ),
હોટલ માલધારી (રૂ. 1,000/- દંડ)
પ્રમુખ સોડા શોપ (રૂ. 200/- દંડ).




