અદાણી એન્ટરપાઇઝ અને અદાણી મસાલા વચ્ચેનો ભેદ ભૂંસાયો
આગેવાનની હાકલને પાછી ઉપસ્થિત ટેકેદારોએ જોરશોરથી વધાવી લીધી !
- Advertisement -
કયાં ગૌતમ અદાણીની અદાણી કંપની અને કયાં રાજકોટની અદાણી મસાલા કંપની!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મોરબી નજીક આવેલા જેતપર ગામે અદાણી કંપની દ્વારા ખેતરોમાં મંજૂરી વગર વીજ થાંભલા (પોલ) ઊભા કરવાના મુદ્દે ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો વળતર અને જમીનના પ્રશ્નોને લઈને વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનને મોરબીના સ્થાનિક એસોસિએશન અને કલાકારોનું પણ સમર્થન મળ્યું છે. આ દરમિયાન સૌથી દિલચસ્પ અને હાસ્યાસ્પદ બાબત એ છે કે, આંદોલન દરમિયાન કેટલાક ખેડૂતો અદાણીના વિરોધમાં ભાનભૂલ્યા છે અને એક ખેડૂત નેતાઓએ તો મંચ પરથી અદાણીના વિરોધમાં તેના જેવા નામથી મળતા અદાણી મસાલા પણ ન ખરીદવાનું આહ્વાન કરી દીધું છે. હકીકતમાં ખેડૂતો જેનો વિરોધ કરી રહ્યા છે તે અદાણી કંપની અને જેનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે તે અદાણી મસાલાને કોઈ જ લેવાદેવા નથી.
ઉલ્લેખનીય છે કે, જેતપર ગામમાં હાલમાં ખેડૂતોનું અદાણી કંપની સામેનું આંદોલન જોરશોરથી ચાલી રહ્યું છે. જમીન અને વીજળીના પોલ ઉભા કરવાના મુદ્દે ખેડૂતો નારાજ છે પરંતુ આ ગંભીર મુદ્દા વચ્ચે એક એવી વાત સામે આવી છે જે સાંભળીને કોઈ પણ હસી પડશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ખેડૂત નેતા મંચ પરથી ગંભીરતાથી ભાષણ આપી રહ્યા છે અને આંદોલનને વધુ ધારદાર બનાવવા માટે એક અનોખું અને હાસ્યાસ્પદ આહ્વાન કરી રહ્યા છે. તેઓ કહે છે, “અદાણીની એક પણ વસ્તુ નહીં લેવાની… પછી ભલે તે મરચું હોય, ધાણાજીરું હોય, હળદર હોય કે અથાણું હોય!” હવે અહીં જે મોટી ગેરસમજ થઈ છે તે એ છે કે, જે અદાણી કંપનીની સામે ખેડૂતો લડી રહ્યા છે, તેમનો અને માર્કેટમાં મળતા ‘અદાણી મસાલા’ (અમફક્ષશ જાશભયત)ને દૂર-દૂર સુધી કોઈ સંબંધ કે લેવાદેવા નથી. કદાચ ખેડૂત નેતાએ બસ નામમાં રહેલી સમાનતાને પકડી લીધી અને જાણે અજાણે મસાલા ઉદ્યોગને પણ આ આંદોલનમાં ખેંચી લીધો!
કલ્પના કરો કે, કોઈ ગૃહિણી રસોઈમાં મરચું નાખવા જાય અને તેને યાદ આવે કે, “અરે! આ આંદોલન ચાલું છે, આ મસાલો તો ન વપરાય!” આ દ્રશ્ય ખરેખર કલ્પના કરવા જેવું છે. ગંભીર આંદોલન એકાએક રસોડાની સામગ્રીના બહિષ્કાર સુધી પહોંચી ગયું તે જોઈને સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જોઈને હસી રહ્યા છે અને મજેદાર કોમેટન્સ પણ કરી રહ્યા. કહેવાય છે કે આંદોલનમાં જોશ હોવો જોઈએ, પણ અહીં તો ખેડૂતોએ ‘જોશ’માં ‘હોશ’ પણ ખોઈ દીધા હોય તેવું લાગે છે. કદાચ ખેડૂત નેતાને લાગ્યું હશે કે અદાણીના મસાલાનો બહિષ્કાર કરવાથી કંપનીના શેરના ભાવ ગગડી જશે પણ બિચારા મસાલાના ઉત્પાદકોને તો ખબર પણ નહીં હોય કે તેઓ કયા આંદોલનનો ભાગ બની ગયા છે. આ આંદોલન તેના મુખ્ય મુદ્દાઓ પર સફળ થાય તેવું ઈચ્છીએ પણ ખેડૂતોની આ ’મસાલેદાર’ ભૂલ આંદોલનની ગંભીરતા ઘટાડશે એ નક્કી છે.




