સૂત્રધાર સહીત પાંચ ફરાર : એરપોર્ટ પાસે ચોરાઉ બાઈક સાથે ભાગતા લૂંટારુઓ કેદ થયા બાદ ડમ્પ ડેટા આધારે મળી હતી મહત્વની કડી
રોકડા 43 લાખ, 25 લાખના દાગીના, બોલેરો, બે બાઈક, રાયફલ સહીત 77 લાખનો મુદામાલ કબ્જે
- Advertisement -
રાજકોટ નજીક ગોંડલ હાઇવે પર આવેલ શાપર મુકામે સપ્તાહ પૂર્વે રાજવી પરીવારના 77 વર્ષીય વૃદ્ધના ઘરમાં ઘુસી, બંધક બનાવી છ બુકાનીધારી શખ્સો 2.49 કરોડની ફિલ્મી ઢબે લૂંટ કરી નાસી ગયા હતા આ ઘટનામાં લૂંટારૂઓને પકડવા ગ્રામ્ય પોલીસની 20થી વધુ ટીમો દોડાવી હતી અને ડમ્પ ડેટાના આધારે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે ગ્રામ્ય પોલીસે ત્રિપુટીની ધરપકડ કરી રોકડ,દાગીના, રાયફલ, બોલેરો, બાઈક સહીત 76,86,270 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી મુખ્ય સૂત્રધાર સહીત વધુ 5 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
ગત તા. 19 ના શાપરમાં રહેતાં રાજવી પરીવારના જીતેન્દ્રસિંહ જાડેજા ઘરે સુતા હતા ત્યારે ત્રાટકેલ ધાડપાડું ગેંગે વૃધ્ધ રાજવીને બંધક બનાવી રોકડ 2.47 કરોડ, સાત તોલા સોનાના ઘરેણાં, રાયફલ, મોબાઈલ સહિત 2.49 કરોડની મતાની લૂંટનો બનાવ બન્યો હતો બનાવની ગંભીરતા જોઈ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જર સહિતનો કાફલો દોડી ગયો હતો અને ડોગ સ્કવોર્ડ, એફએસએલ સહિતની ટીમો દ્વારા તપાસ શરુ કરી હતી અને રૂરલ એલસીબી, એસઓજી, સ્થાનીક પોલીસ, રેન્જ આઈજીની ટીમ અને સાથે સાથે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહીત 20 જેટલી ટીમોએ તપાસ શરુ કરી હતી અને અંતે ભેદ ઉકેલી નાખ્યો છે રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ પડકારરૂપ કેસ શોધનાર એલસીબી, એસઓજી, શાપર પોલીસ મથકના તમામ પીઆઇ, પીએસઆઈ અને સ્ટાફની કામગીરીને બિરદાવતા પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે આ ગુનામાં એમપીના બનસીંગ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ, દાહોદના સેતાન દીવાનભાઈ અમલિયાર અને દિનેશ સેતાનભાઈ પરમારની ધરપકડ કરી ત્રણેય પાસેથી 43,18,500 રોકડા, લૂંટમાં ગયેલા 21,22,380ના દાગીના, અન્ય 4,17,690ના દાગીના ઉપયોગમાં લીધેલી 7 લાખની બોલેરો, 2700ના હથિયાર, ગુનામાં ગયેલી રાયફલ, 15 હજારના 3 ફોન અને 2 ચોરાઉ બાઈક સહીત 76,86,270 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે આ ગુનામાં મુખ્ય સૂત્રધાર એમપીના કલમસિંગ ઉર્ફે કમલસીંગ માવજીયા સિંગાડ, કરણસીંગ ઉર્ફે મડિયા હેમરાજ સિંગાડ, મહોબત, સુલસુલા બામણીયા, વિઝન માવીની શોધખોળ હાથ ધરી છે.
આઇજી નિર્લિપ્ત રાયએ જણાવ્યું હતું કે આ ટોળકી ગુનાને અંજામ આપી નાસી છૂટ્યા બાદ એક બોલેરો શંકાસ્પદ હાલતમાં મળી હતી તે પછી તપાસ કરવા છતાં કઈ મળ્યું ન હતું દરમિયાન પોલીસે બાઈક ચોરાયા હોય જેથી તે દિશામાં તપાસ કરતા એરપોર્ટ પાસે તપાસ કરતા જે બાઈક ચોરાયા હતા તે બાઈક સાથે લૂંટારુઓ ભાગતા હોય તેવા વિડીયો મળી આવતા તે વિસ્તારના ડમ્પ ડેટા આધારે તપાસ કરતા એમપીની કડી મળી હતી અને ડમ્પ ડેટા આધારે આરોપીઓ સુધી પહોંચ્યા હતા આ ગુનામાં મુખ્ય સૂત્રધાર કલમસિંગ છે તેણે જ ટીપ આપી હતી તે અગાઉ આ ભોગ બનનાર પરિવારને ત્યાં કામ કરતો હતો જેથી પોતે ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હતો અને તેણે જ ટીપ આપી હતી
- Advertisement -
ભાગબટાઈ થઇ ગઈ, 2 કરોડ જેટલી રોકડ ફરાર આરોપીઓ પાસે
લૂંટને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓએ રસ્તામાં જ ભાગ પાડી લીધો હતો જો કે પોલીસે કબ્જે કરેલા મુદ્દામાલમાં 43 લાખની જ રોકડ સામેલ હોય બાકીની 2 કરોડ જેટલી મોટાભાગની રોકડ હજુ પણ પકડવાના બાકી આરોપી પાસે હોય જેથી તેને પકડવા તજવીજ હાથ ધરી છે.
ક્યારે રેકી કરવા આવ્યા, ક્યાં રોકાયા હતા તે મુદ્દે તપાસ
આરોપીઓને ટીપ આપ્યા બાદ ટોળકી એમપીથી રેકી કરવા શાપર આવતી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ તે ક્યારે ક્યારે રેકી કરવા આવી અને ક્યાં ક્યાં રોકાયા હતા તે સહિતની માહિતી મેળવવા ત્રણેયના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ ટીમોને સીસીટીવી મળ્યા પણ સ્પષ્ટ દેખાતું ન હતું
બનાવ બન્યાના થોડા સમયમાં જ પોલીસને સીસીટીવી મળી ગયા હતા પરંતુ તેમાં કઈ સ્પષ્ટ દેખાતું ન હોવાથી પોલીસે ડમ્પ ડેટા ઉપર તપાસ કેન્દ્રિત કરી હતી અને અગાઉ આવા ગુનાઓને અંજામ આપનાર ગુનેગારોની હિસ્ટ્રી ફમ્ફોળવાનું શરુ કર્યું હતું.
અગાઉ આ ટોળકી સામે ધાડના પ્રયાસનો ગુનો નોંધાયો હતો
પકડાયેલા તમામ આરોપીઓ અગાઉ પણ ગંભીર ગુનાઓ આચરી ચુક્યા છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બન્ના સામે બે કેસ, સેતાન સામે 7 કેસ અને દિનેશ સામે 2 કેસ નોંધાયા છે આ ટોળકી સામે અગાઉ પણ ધાડના પ્રયાસનો ગુનો નોંધાઈ ચુક્યો છે.




