હત્યાના ગુનાને અંજામ આપવા રાજકોટ રહેતા મામાના પુત્રને પ્લાન ઘડવા માટે બોલાવ્યો હતો
મૃતકના ભાઈની ફરિયાદ પરથી સીટી પોલીસે બંને આરોપીઓનો કરી ધરપકડ
- Advertisement -
જેતપુરના કણકીયા પ્લોટમાં ગઈકાલે ધોળા દિવસે ખૂની ખેલ ખેલાયો હતો. માતા સાથે મૈત્રી કરાર કરી 12 વર્ષથી સાથે રહેતાં યુવકને છરીના છ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે ઘરેથી છાસ લેવા નિકળેલ રાજકોટના યુવકને છરીના ઘા ઝીકી દેતા લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા આ હત્યાના સીસીટીવી પણ સોશ્યલ મીડિયામ વાયરલ થયા છે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરમાં કણકીયા પ્લોટમાં રહેતાં કપીલભાઈ અરવીંદભાઈ વાઘેલા ઉ.25એ જયેન કાળુ વાઘેલા સામે જેતપુર સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પિતા સાતેક વર્ષ પહેલા અવસાન પામેલ છે. મમ્મી લક્ષ્મીબેન મજૂરીકામ કરે છે. બે ભાઈઓ તથા એક બહેન છે સૌથી મોટા કમલેશભાઈ જેતપુર નગરપાલીકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા તેને આજથી આશરે બાર વર્ષ પહેલા કોઠારીયાના નીતાબેન નૈયા સાથે પ્રેમસંબંધ થઈ જતાં આ નીતાબેન તેના અગાઉના પતિ કાળુભાઈ વાઘેલાની હયાતીમાં તેને છોડી ભાઈ કમલેશ સાથે મૈત્રીકરાર કરી ઘરે લઈ આવ્યા હતા અને ત્યારથી બંને પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા નીતાબેનના પતિ કાળુભાઇ પ્રેમજીભાઈ વાઘેલા આશરે દસેક વર્ષ પહેલા મરણ ગયેલ છે તેનાથી આ નીતાબેનને સંતાનમાં બે દીકરા તથા એક દીકરી છે જેમાં એક જયન કાળુ વાઘેલા તથા અર્જુન છે આ નીતાબેનના બંને દીકરા જયન અને અર્જુન સાથે ભાઈ કમલેશભાઈને કોઈ વ્યવહાર નહોતો અને તેઓ બંને રાજકોટ કોઠારીયા ખાતે રહી મજુરીકામ કરે છે ગઈકાલે બપોરે કમલેશ ગામમાં છાસ લેવા જવાનું કહી બહાર ગયેલ અને અડધી કલાક સુધી પરત નહીં આવતા તેને બોલાવવા બહાર નિકળતો હતો ત્યારે તે વિસ્તારમાં રહેતો લખનભાઈ સોલંકી મળેલ અને કહેલ કે, તમારા ભાઈ કમલેશભાઈને લાગી ગયેલ છે, ચાલો જલ્દી, જેથી તેની સાથે ગયેલ અને જોયું તો કણકીયા પ્લોટમાં કમલેશ લોહી લુહાણ હાલતમાં પડેલ હતો જે બાદ તુરંત જ ભાઈ કમલેશને 108 મારફત જેતપુર સરકારી હોસ્પિટલ સારવારમાં લાવતા ફરજ પરના તબીબે કમલેશને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.
ભાઈની લાશ જોતાં તેના શરીરે છરીના કુલ છ ઊંડા ઘા જોવામાં આવ્યા હતાં આ વખતે બીજા માણસોના મોબાઇલમાં સોશિયલ મીડીયામાં આ બનાવનો વિડીયો વાઈરલ થયેલ હોય તેમાં જોતાં ભાઈ કમલેશને ભાભી નીતાબેનનો અગાઉનો દીકરો જયન કાળુ વાઘેલા છરીથી આડેધડ ઘા મારતો હોય અને ભાઈ તેનાથી બચવા દોડી આજીજી કરતો હોય તેવું આ વિડીયોમાં જોયેલ હતું. જેથી જયન વાઘેલાએ ભાઈના શરીરે છરીથી આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવતા ફરીયાદ નોંધાવી હતી બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી પીઆઈ એ.ડી.પરમાર અને ટીમે આરોપી જયેન વાઘેલાને ગણતરીની કલાકોમાં ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી આરોપીની પુછતાછમાં તેની સાથે રાજકોટથી તેના મામાનો પુત્ર ધ્રુવ પણ સાથે આવ્યો હતો. બંને આગલા દિવસે જેતપુર આવી તે રાતે જ હત્યાને અંજામ આપવાનું આયોજન કર્યું હતું. પરંતુ તે રાતે કોઈ કારણોસર તેમનું કાવતરું નિષ્ફળ નીકળતા બીજા દિવસે વ્યવસ્થિત રેકી કરી ગુનાને અંજામ આપ્યાનું ખુલતાં ધ્રુવની પણ ધરપકડ કરી હતી.




