વિજેતાને લોટરી લાગી નથી એવું કહી ટિકિટ કચરાપેટીમાં ફેંકી દીધી, થોડીવાર બાદ કચેરાપેટીમાંથી ટિકિટ કાઢી લોટરી હેડક્વાર્ટર પહોંચ્યો
લોટરી હેડક્વાર્ટરમાં ક્રોસ ક્વેશ્ચનિંગ થતાં જ મીર પટેલ ભેરવાયો, શંકા જતા તપાસ બાદ ટિકિટ ચોરીને ખુશીમાં સેલિબ્રેશન કરતો વિડીયો સામે આવ્યો
- Advertisement -
અમેરિકાના ટેનેસી રાજ્યમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર ૨૩ વર્ષના એક ભારતીય મૂળના યુવકે રાતોરાત અમીર બનવાની લાલચમાં અંદાજે ૯ કરોડ રૂપિયા ($૧ મિલિયન)ની લોટરીની છેતરપિંડી આચરી હતી. જોકે, તેની આ હોશિયારી લાંબો સમય ટકી શકી નહીં અને લોટરી વિભાગની સતર્કતા તેમજ સીસીટીવી ફૂટેજના કારણે તેનો ભાંડો ફૂટી ગયો છે. હાલમાં આ યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેના પર ગંભીર ગુનાહિત આરોપો મૂકવામાં આવ્યા છે.
આ ઘટનાની વિગત એવી છે કે ૨૩ વર્ષીય મીર પટેલ નામનો યુવક અમેરિકાના ટેનેસીમાં આવેલા એક ગૅસ સ્ટેશન પર ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. અમેરિકામાં લોકોમાં લોટરી ખરીદવાનો ભારે ક્રેઝ હોય છે. લોકો પોતાની કિસ્મત બદલવા માટે ૧, ૨, ૫, ૧૦થી લઈને ૧૦૦ ડૉલર સુધીની લોટરી ટિકિટો ખૂબ જ મોટા પ્રમાણમાં ખરીદતા હોય છે. ગ્રાહકો આશા રાખતા હોય છે કે ક્યારેક તેમનો જેકપોટ લાગશે અને તેમનું નસીબ ચમકી જશે.
એક દિવસ એક ગ્રાહક આ ગૅસ સ્ટેશન પર આવ્યો અને તેણે મીર પટેલ પાસેથી બે લોટરી ટિકિટો ખરીદી હતી. આ ગ્રાહકે આખી ટિકિટ સ્ક્રેચ (ખોતરી) કરવાને બદલે માત્ર તેનો બારકોડ જ સ્ક્રેચ કર્યો હતો. ત્યારબાદ તેણે આ ટિકિટો ક્લાર્ક મીર પટેલને આપી અને મશીનમાં ચેક કરીને જણાવવા કહ્યું કે તે કોઈ ઇનામ જીત્યો છે કે નહીં.
- Advertisement -
મીર પટેલે જ્યારે તે ટિકિટો મશીનમાં સ્કેન કરીને ચેક કરી ત્યારે તેને સમજાયું કે ગ્રાહક ખૂબ મોટી રકમ જીત્યો છે. પરંતુ લાલચમાં આવીને તેણે ગ્રાહક સાથે મોટો વિશ્વાસઘાત કર્યો. તેણે જૂઠું બોલતા ગ્રાહકને કહ્યું કે, “તું એક ટિકિટમાં ૪૦ ડૉલર જીત્યો છે અને તારી જે બીજી ટિકિટ છે તે નકામી છે.” એટલું જ નહીં, ગ્રાહકને કોઈ શંકા ન જાય તે માટે તેણે તેની નજર સામે જ તે કરોડોની લોટરી ટિકિટને બાજુમાં રાખેલી કચરાપેટીમાં ફેંકી દીધી. ગ્રાહક પણ મીર પટેલના આ જૂઠાણા પર વિશ્વાસ કરીને માત્ર ૪૦ ડૉલર લઈને ત્યાંથી ખુશી-ખુશી ચાલ્યો ગયો હતો.
ગ્રાહક ગૅસ સ્ટેશન પરથી જેવો બહાર નીકળ્યો કે તરત જ મીર પટેલે કચરાપેટીમાંથી તે લોટરી ટિકિટ પાછી બહાર કાઢી લીધી. આ ટિકિટ વાસ્તવમાં ૧ મિલિયન ડૉલર એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે ૯ કરોડ રૂપિયાનું જેકપોટ ઇનામ જીતી હતી. થોડા દિવસો પછી, મીર પટેલ આ ચોરેલી લોટરી ટિકિટ લઈને ગર્વભેર લોટરીના હેડક્વાર્ટર પર પહોંચ્યો અને પોતાનું ઇનામ આપવાની માંગ કરી.
અમેરિકાના નિયમો મુજબ, જ્યારે પણ કોઈ વ્યક્તિ આટલી મોટી રકમનું ઇનામ જીતે છે ત્યારે લોટરી વિભાગના અધિકારીઓ દ્વારા તેની પ્રાથમિક પૂછપરછ અને ક્રોસ ક્વેશ્ચનિંગ કરવામાં આવે છે. હેડક્વાર્ટરમાં હાજર સ્ટાફે મીર પટેલને કેટલાક સામાન્ય અને મૂળભૂત પ્રશ્નો પૂછ્યા, જેમ કે “આ લોટરી ટિકિટ તેં પોતે ખરીદી હતી કે તને કોઈએ ગિફ્ટમાં આપી હતી? તેં ક્યારે અને કઈ જગ્યાએથી આ ટિકિટ ખરીદી હતી?” વગેરે વગેરે..
આ પ્રશ્નોના જવાબો આપવામાં મીર પટેલ ગભરાઈ ગયો અને તેના જવાબોમાં ઘણી અસંગતતા જોવા મળી. તે યોગ્ય રીતે જવાબો આપી શક્યો નહીં, જેના કારણે લોટરી સ્ટાફને ભારે શંકા ગઈ કે આ બાબતમાં કંઈક ગરબડ જરૂર છે. તેથી સ્ટાફે ચલાકી વાપરીને તેને જણાવ્યું કે તેની લોટરી ટિકિટ હાલમાં હોલ્ડ પર રાખવામાં આવી છે અને ડોક્યુમેન્ટ્સ ક્લિયર થયા પછી તેને પૈસા ચૂકવવામાં આવશે.
મીર પટેલને ત્યાંથી રવાના કર્યા બાદ લોટરી વિભાગના તપાસકર્તાઓએ આ મામલે ત્વરિત ગુપ્ત તપાસ શરૂ કરી દીધી. લોટરી સિસ્ટમમાં કઈ ટિકિટ કઈ તારીખે, કયા સમયે અને કયા ગૅસ સ્ટેશન પરથી વેચાઈ હતી તેની તમામ વિગતો પહેલેથી જ ઓનલાઈન ઉપલબ્ધ હોય છે. તપાસકર્તાઓએ જ્યારે તે ગૅસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મંગાવીને તપાસ્યા ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે મૂળ લોટરી ટિકિટ વિજેતાના ગયા પછી મીર પટેલે કચરાપેટીમાં હાથ નાખીને લોટરી ટિકિટ બહાર કાઢી હતી. ત્યારબાદ તેણે ટિકિટના બાકીના નંબરો સ્ક્રેચ કર્યા અને જેકપોટ જીત્યાની ખુશીમાં તે ત્યાં જ ડાન્સ કરીને સેલિબ્રેટ કરવા લાગ્યો હતો. આ પુરાવા સામે આવ્યા બાદ મીર પટેલની છેતરપિંડીના આરોપસર તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ સીસીટીવી ફૂટેજના આધારે મૂળ લોટરી વિજેતાને ગોતીને તેને જીતની રકમ પણ આપવામાં આવી છે.
માત્ર ૨૩ વર્ષની નાની ઉંમરે આચરવામાં આવેલા આ કરોડો રૂપિયાના ફ્રોડના કારણે મીર પટેલ પર અમેરિકાના કાયદા મુજબ ચોરી અને ફેલોનીના અત્યંત ગંભીર ગુનાહિત આરોપો મૂકવામાં આવ્યા છે. અમેરિકામાં ‘ફેલોની’ ના ચાર્જીસ ત્યારે જ લગાવવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ ગંભીર પ્રકારનો આર્થિક કે ગુનાહિત કૃત્ય આચરે છે.
મીર પટેલે કદાચ એવું વિચાર્યું હશે કે લોટરી હેડક્વાર્ટરમાં જઈને તે ટિકિટ પોતાની હોવાનો દાવો કરશે તો કોઈ તપાસ નહીં થાય અને તેને સરળતાથી કરોડો રૂપિયા મળી જશે પણ તે એ ભૂલી ગયો કે અમેરિકામાં ભલે ગ્રાહકો કે નાગરિકોને લાભો કે ઇનામો પહેલા આપી દેવામાં આવતા હોય પરંતુ આટલી મોટી રકમના કિસ્સામાં ઝીણવટભરી અને કડક તપાસ ચોક્કસપણે કરવામાં આવે છે. સરકાર અને કાયદો ત્યાં એટલા સક્ષમ છે કે ગુનેગાર ગમે તેટલી ચલાકી વાપરે તો પણ પકડાઈ જ જાય છે. રાતોરાત અમીર બનવાના અને શોર્ટકટથી પૈસા કમાવવાના સપના જોતો આ ભારતીય યુવક હાલમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે.




