દાન ચોરી બાદ થયેલી ભાગ બટાઇનો પર્દાફાશ
અયોધ્યાના રામ મંદિરના દાન ચોરી ફેસમાં દરરોજ નવો એન્ગલ સામે આવી રહ્યો છે. SIT દરરોજ કલાકો સુધી તપાસ કરી રહી છે. હવે તપાસમાં ખુલાસો થયો છે કે, રામ મંદિરના દાનની કઈ રીતે ‘ભાગ બટાઈ થઈ હતી. આ સાથે એ પણ સામે આવ્યું છે કે આ સમગ્ર કાંડનો સૌથી મોટો ખેલાડી કોણ છે. બીજી તરફ આ કેસમાં હવે એક નવા વિલનની પણ એન્ટ્રી થઈ ગઈ છે. માત્ર દાનની ગણતરી કરનારા જ ચોર નથી, પરંતુ અન્ય કોઈ પણ મંદિરના ચઢાવામાં સેંધ લગાવી રહ્યું હતું. અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં ધરપકડ કરાયેલ આરોપીઓ અવિનાશ શુક્લા, લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રમાશંકર મિશ્રા, રામ શંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ અને સુભાષ શ્રીવાસ્તવની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા આ આરોપીઓના મોબાઈલ ફોનમાંથી તપાસ ટીમને અનેક મહત્વના પુરાવા હાથ લાગ્યા છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, ચોરી કરેલી રકમની ‘ભાગ બટાઈ કરવા માટે આરોપીઓ વચ્ચે વોટ્સએપ પર ચેટ થતી હતી. આ ઉપરાંત તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે, રામ મંદિરમાં વ્હીલચેર ચલાવનારા ચાલકો પણ માસૂમ નથી. આ ચાલકો પાસે કાર અને જમીન સહિતની મોટી સંપત્તિ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
- Advertisement -
કોની પાસે કઈ જવાબદારી?
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રામ મંદિર કેસના આરોપીઓના મોબાઈલ ચેટમાંથી ખુલાસો થયો છે કે, રામ મંદિર પરિસરમાં રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, ડો. અનિલ મિશ્રા અને ગોપાલ રાવની જ વ્યવસ્થા હતી. મંદિરની તમામ વ્યવસ્થાઓનું સંચાલન ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ દ્વારા કરવામાં આવતું હતું. આ સાથે જ બેન્કમાં પૈસા જમા કરાવવાની પ્રક્રિયા ડો. અનિલ મિશ્રાની દેખરેખ હેઠળ થતી હતી. જયારે આ સમગ્ર મામલામાં સૌથી મોટી જવાબદારી ટિટ્ટુ યાદવ પાસે હતી, જેને સોના અને ચાંદીના દાગીના સુરક્ષિત રાખવાની જવાબદારી સોંપાઈ હતી.
વ્હીલચેર ચાલકોની થશે તપાસ
આ ઉપરાંત સૂત્રોના હવાલે માહિતી મળી છે કે, રામ મંદિરમાં વ્હીલચેર ચલાવતા ચાલકો પાસે પણ અઢળક સંપત્તિ છે. આ વ્હીલચેર ચાલકો પાસે ફોર-વ્હીલર પણ છે, સાથે જ આ લોકોએ જમીનની ખરીદી પણ કરી છે. હવે SITની તપાસની સોય આ લોકો તરફ પણ ફરી ગઈ છે. આગામી સમયમાં આ વ્હીલચેર ચાલકોની પણ તપાસ કરવામાં આવશે.




