સાઉન્ડ ઓફ સાયલન્સ
ડૉ. શરદ ઠાકર : આજનો મોર્નિંગ મંત્ર
- Advertisement -
દરેક વ્યક્તિ ધ્યાન ધરવાં માટે અલગ અલગ પદ્ધતિનો સહારો લે છે. વિજ્ઞાન ભૈરવમાં ૧૧૨ જેટલી ધ્યાન પદ્ધતિઓનું વર્ણન કરવામાં આવેલું છે. હજુ પણ મોટીવેશનલ સ્પિરિચ્યુઅલ ગુરુઓ નવી નવી પદ્ધતિઓ પ્રચલિત કરતા જાય છે. આમાંથી સાચું
શું અને સારું શું? ધ્યાન એ કરવાની નહીં પરંતુ રાખવાની પ્રક્રિયા છે. જે દિવસ-રાત સતત ચાલતી રહેવી જોઈએ. સવારે કે રાત્રે અડધો અડધો કલાક મેડિટેશન કરવું એના પણ ફાયદાઓ તો છે જ, પરંતુ એ સાચું ધ્યાન નથી. આપણા દરેક વિચાર ઉપર દિવસભર ચાલતી રહેતી આપણી દરેક ગતિવિધિ ઉપર આપણે ચિત્તને કેન્દ્રિત કરીએ અને સારા નરસાનો વિચાર કરીને નિર્ણય લઈએ એ સાચું ધ્યાન છે. થોડાક સમય પૂરતું જે ધ્યાન કરવામાં આવે છે એ_ નિશ્ચિત પ્રમાણમાં જ ફાયદો આપે છે. મોટા ભાગના લોકો ત્રણ ચાર પ્રચલિત પદ્ધતિનો સહારો લે છે. બે પાંપણ વચ્ચે ભૃકુટીના સ્થાને કાલ્પનિક પ્રકાશ બિંદુ ઉપર મન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવો, શ્વાસ અને ઉચ્છ્વાસ ઉપર મન કેન્દ્રિત કરવું, ઇષ્ટદેવ અથવા પ્રિય આરાધ્ય દેવની કાલ્પનિક છબી ઉપર મન કેન્દ્રિત કરવું, જાપાની પદ્ધતિ પ્રમાણે નાભિ ઉપર મન લગાવવું આવી તો અનેક પદ્ધતિઓ પ્રચલિત છે.
હમણાં થોડા સમયથી ‘Sound of silence’ ની નવી પદ્ધતિનું માર્કેટિંગ ચાલી રહ્યું છે. એમાં ધ્યાનમાં બેસતા પહેલા બંને કાનના પ્રવેશ દ્વારા ‘buds’ થી જડબે સલાક બંધ કરી દેવાના હોય છે, બાહ્ય જગતમાંથી આવતા તમામ પ્રકારના અવાજો અટકાવી
દેવાના હોય છે. એ પછી સાધકને જે ધીમો, એક ધારો અવાજ સંભળાય છે તેને કેટલાક સ્પિરિચ્યુઅલ ગુરુઓ ‘Sound of silence’ કહે છે. બ્રહ્માંડનો અવાજ, અનહદ નાદ, અનાહત સૂર આ બધું એ જ છે. જો કે આ પ્રકારના માર્કેટિંગની જાળમાં આવી જવાની જરૂર નથી. ‘Sound of silence’ ની પદ્ધતિ સામે વિદ્વાન જાણકારોનો પ્રચંડ વિરોધ ઉઠ્યો છે. તર્કબદ્ધ દલીલો વડે તેને રદિયો આપવામાં આવ્યો છે. હું અંગત પણે માનુ છું કે ધ્યાનમાં બેસતી વખતે જેવી રીતે આપણે આંખો બંધ કરી દઈએ છીએ તેવી જ રીતે કાન પણ બંધ કરી દઈએ તો બાહ્ય જગત સાથેનો આપણો ઈન્દ્રિયોનો સંબંધ એટલા સમય પૂરતો કપાઈ જવાથી આપણી ધ્યાન સાધનામાં વધારે સાનુકૂળ વાતાવરણ સર્જાશે. પ્રારંભમાં હું પણ ભૃકુટી બિંદુ ઉપર કાલ્પનિક પ્રકાશ બિંદુ જોવાનો પ્રયાસ કરતો હતો પણ છેલ્લા પાંચેક વર્ષથી હું શ્વાસ અને ઉચ્છ્વાસ ઉપર મન લગાવીને પંચાક્ષરી મંત્ર જાપ કરવાનું અનુસરી રહ્યો છું.




