સૌરાષ્ટ્રની લુપ્ત થતી ઢીંચણીયું પ્રથા અને પલાંઠી પાછળ છુપાયેલું સ્વર વિજ્ઞાન
કાર્તિક મહેતા : કાર્તિકોલોજી
- Advertisement -
તમને ઢીંચણીયું એટલે શું એ ખબર છે? સૌરાષ્ટ્રમાં હમણાં સુધી એક પરંપરા હતી કે જમવા બેસે એટલે પલોઠી વાળવાની અને ડાબા પગના ગોઠણ એટલે કે ઢીંચણ નીચે એક લાકડાનો ટુકડો મૂકવાનો.. આ લાકડાનો બ્લોક ડાબા પગને જરા અધ્ધર રાખે જમણા પગની સરખામણીએ, એટલો ઊંચો હોય.. કોઈવાર આ લાકડાનો બ્લોક અત્યંત સુંદર કોતરકામ વાળો પણ હોય તો કોઈવાર સાદો.પણ આવો લાકડાનો બ્લોક એકસમયે ઘેર ઘેર યુઝ થતો અને હમણાં સુધી સૌરાષ્ટ્રના ઘરોમાં દેખાતો.
આ લાકડાનો બ્લોક એટલે ઢીંચણીયું !!
ઢીંચણીયું મૂકવા પાછળ કારણ શું હતું??? કે પછી કોઈ પ્રથા કે રીવાજમી જેમ આ ઢીંચણીયું મૂકવાની પ્રથા પણ એમનેમ પડી ગઈ હશે??
ના, ઢીંચણીયું મૂકવાનું કારણ બહુ જ સચોટ છે, વૈજ્ઞાનિક છે..
હજારો વર્ષોથી લોકોના જીવન અને જીન્સમા વણાઈ ગયેલી યોગ પરંપરાનો એક ભવ્ય અવશેષ એટલે આ ઢીંચણીયું !
- Advertisement -
ઢીંચણીયું હમેશા જમતી વેળા ડાબા પગની હેઠે મુકાય હો ! જમણા પગની હેઠે કદાપિ નહિ. કેમ ??
કેમકે, ઢીંચણીયું જ્યારે ડાબા પગને જરી ઊંચો કરે એટલે જમણી નાડી એટલે કે જમણું નસકોરું સ્ટાર્ટ થઈ જાય.. આપણે અનુભવે જાણીએ છીએ કે આપણા બેય નસકોરા એકીસાથે સતત નથી ચાલતા.. મોટે ભાગે એક જ નસકોરું ચાલતું હોય..
તો યોગ વિદ્યા કહે છે કે જમતી વખતે સદા જમણું નસકોરું જ ચલાવવું !!
યોગ વિદ્યાની આ વાત ઉપર જેને શંકા કુશંકા હોય એ જમતી વખતે દરરોજ ડાબુ નસકોરું ચલાવીને જુએ… આ લખનારની ચેલેન્જ છે કે તે બીમાર પડશે પડશે અને પડશે જ — એમાં કોઈ મીનમેખ નથી !!
આ નસકોરાંનું આખું શાસ્ત્ર સ્વર વિજ્ઞાન કહેવાય છે.. (શિક્ષા શબ્દનો ખરો અર્થ થાય છે સ્વર વિદ્યાની જાણકારી એટલે આજે પણ બાળકને પહેલા અ આ ઇ ઈ અને ક ખ ગ શીખવાય છે ) પણ નસકોરા નો સંબંધ આપણી સિમ્પથેતિક અને પેરા સિમ્પથેટીક નર્વ સિસ્ટમ સાથે છે.. (એને વિજ્ઞાન પણ અનુમોદન આપે છે , કોઈ છૂટકો નથી વિજ્ઞાનને અનુમોદન આપ્યા વિના કેમકે વિજ્ઞાન હજી આ જ્ઞાન સામે બાળક છે)
જમતી વખતે ઢીંચણીયું રાખવાની એક પ્રાચીન પ્રથા કે જે યોગ સાથે વણાયેલી છે તે સાવ અભણ લોકો પણ પાળે છે તેનો અર્થ શું??
એનો અર્થ એમ કે આપણે યોગીઓની સંતાનો છીએ..
આવી એક પ્રથા નથી … અનેક પ્રથાઓ છે જે આપણા દૈનિક જીવનમાં એકદમ સહજ રીતે વણાઈ ગઈ છે પણ છે તે યોગ ક્રિયાઓ અને અભણ નિરક્ષર ગામડાનો માણસ પણ એ જાણે છે !! કહયું ને કે ભારતીયો યોગીઓની સંતાનો છે..
જે વાતો જાણ્યા ને યુરોપિયનો ને હજી બસ્સો વર્ષ પણ નથી થયા તે વાત ભારતમાં અંતરિયાળ ગામડાનો માણસ તો સાવ સહજ રીતે જાણે અને પાળે છે..
અરે આપણે ખાવાની ક્રિયાને જમવું એટલે તો કહીએ છીએ કે એ ક્રિયા જમણા નસકોરા સાથે એટલે કે સુર્ય નાડી સાથે કરવાની છે .. ફરજિયાત !
અને જ્યારે બેસવાનું થાય ત્યારે પણ ભારતીય સિસ્ટમ શું છે ? પલાંઠી … પગ લબડાવીને ખુરશી ઉપર બેસવાની ક્રિયા આપણે ત્યાં ખરેખર તો કદી
હતી નહિ. શિલ્પકામ માં જે બેજોડ છે એવા આપણા મંદિરો ની મૂર્તિઓ જોઈ આવો.. એક મૂર્તિ, માત્ર એક બેઠી મૂર્તિ શોધી બતાવો કે જેના બેય પગ નીચે હોય ! એક પણ મૂર્તિ એવી નહિ મળે… કેમકે ખુરશી ઉપર બેસવું હાનીકારક છે.. રોગોને આમંત્રણ છે. જો બેસવું જ પડે એમ હોય તો ભગવાન શિવની જેમ પલાંઠી મારીને કે પછી લલિતામુદ્રામાં (અર્થાત્ એક પગ નીચે અને એક પગ ઉપર, વાળેલો..) પણ બેય પગ નીચે?? કદાપિ નહિ.
બેય પગને નીચે રાખીને ખુરશી ઉપર સતત બેસતા લોકો સદૈવ માંદા રહે છે..કદી ખુશ અમે સ્વસ્થ રહી શકતા નથી .. આ છે ભારતીય યોગ વિદ્યા જેને આપણે તો સદીઓથી જાણીએ છીએ ..
બીજી ક્રિયા છે ભારતીય સ્ટાઈલમાં ઉભડક પગે બેસવાની ક્રિયા ! દરેક ભારતીય આ જ રીતે કુદરતી હાજતમાં બેસે છે. આ ક્રિયાને અંગ્રેજીમાં કહેવાય સ્કવોટીંગ. શરીરના ટોકસિન બહાર કાઢવાની સહુથી ઇફેકટિવ રીત સ્કવોટિંગ છે તે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી બાબત છે.
દુર્ભાગ્યે આજે ભારતીયો મૂર્ખની જેમ યુરોપિયનો નું અવિચારી અનુકરણ કરી રહ્યા છે. ઘેર ઘેર ડાઇનિંગ ટેબલ છે, ઈંગ્લીશ ટોયલેટ સીટ છે અને ભાંગી ગયેલા પગ વાળા ઘરડાઓ અને જેના પગ આ ખૂરશીઓને લીધે જલ્દી ભાંગી જવામાં છે એ યુવાનો છે..બાળકો છે. ખુરશી પ્રજનન અંગોને પણ ખૂબ નુકસાન કરે છે.
જમ્યા બાદ ડાબે પડખે સૂઈ જવાની ભારતીય પ્રથાને વામ કુક્ષી કહે છે.વામ એટલે ડાબુ. કારણ ? કારણ એ જ કે જમવાનુ પચાવવા માટે જમણું નસકોરું શરૂ હોવું જરૂરી છે અને જઠર પણ ડાબે પડખે નમેલું છે જેથી એ પડખું દબાતા એસિડ સ્ત્રાવ સરળ રીતે અને પ્રભાવક રીતે થઈ શકે.
દુર્ભાગ્યે આ બધી ટેવો ધીમે ધીમે વિસરાઈ રહી છે. આપણા જીવનમાં વણાઈ ગયેલ યોગ હવે એક ધંધો બન્યો છે, ઇવેન્ટ બન્યો છે..
યોગ દિવસને પણ યોગા દિવસ કહેવા વાળા દેશી અંગ્રેજો ઓછા નથી.. અલ્યા ભાઈ (કે બેન) જરા યોગને સમજ.. પછી યોગા યોગા કરજે.
યોગ દિવસ 21 જૂને એટલે કે વર્ષના સૌથી લાંબા દિવસે મનાવાય છે. સુર્ય પછી દક્ષિણાયન શરૂ કરે છે. યોગ એટલે સુર્ય અને ચંદ્ર ની ઉર્જાઓનું સંતુલન. સારપ અને શૌર્ય નું સંતુલન.
આપણે યોગીઓની સંતાનો છીએ. પણ આપણે એ વાત વિસરી ગયા છીએ. યોગ દિવસ એ વાતની સ્મૃતિ કરવાનો દિવસ બને એવી પ્રાર્થના !




