શૈલેષ સગપરિયા : શૈલવાણી
કુરુપ્રદેશની રાણી રાક્ષસી પ્રકૃતિની હતી. બીજાને વગર વાંકે પણ દુઃખ પહોંચાડીને એને આનંદ મળતો. એકવાર ભગવાન બુદ્ધ આ પ્રદેશમાંથી પસાર થવાના છે, એવા સમાચાર એને મળ્યા. એણે બુદ્ધનું અપમાન કરવા માટે નોકર-ચાકરને તૈયાર કર્યાં. જ્યારે બુદ્ધ આ પ્રદેશમાં પ્રવેશ્યા એટલે લોકોએ બુદ્ધ પર ચોર, મૂર્ખ, ગધેડો, ઢોંગી, વગેરે જેવા અપશબ્દોની ઝડી વરસાવી.
બુદ્ધ તો શાંતચિત્તે આગળ ચાલ્યા જતા હતા પરંતુ એમના પ્રિય શિષ્ય આનંદથી આ સહન ન થયું. એમણે બુદ્ધને પ્રાર્થના કરતા કહ્યું, ભગવંત આપણે આ નગરમાંથી ચાલ્યા જવું જોઈએ. બુદ્ધ સામે પૂછ્યું, ક્યાં જવું છે, બોલ ? આનંદે કહ્યું, પ્રભુ, એવા નગરમાં જવું છે જ્યાં કોઈ અપશબ્દોથી આપને અપમાનિત ન કરે. બુદ્ધે કહ્યું, બીજા નગરમાં પણ લોકો અપમાન કરશે તો? આનંદે કહ્યું, તો પછી કોઈ બીજા નગરમાં ચાલ્યા જશું.
બુદ્ધે આનંદના ખભા પર હાથ રાખીને કહ્યું, નહીં આનંદ, અન્ય કોઈ નગરમાં જવું નથી. અહીં જ રહેવું છે. જ્યાં આપણું અપમાન થાય એ સ્થાનને ત્યાં સુધી ન છોડવું જોઈએ કે જ્યાં સુધી આપણને એ જ સ્થાનમાંથી આદર ન મળે. આપણે આપણા જીવન અને કાર્ય દ્વારા અપમાનને આદરમાં બદલી શકીએ. લોકો વશમાં કરેલા ઘોડા, હાથીઓ વગેરેને ઉત્તમ માને છે પરંતુ આનંદ, આવા પશુઓને વશમાં રાખનાર કે હજારો લાખો લોકોને વશમાં કરનારા કરતા પણ સૌથી ઉત્તમ એ છે; જે સ્વયંને વશમાં રાખે છે.
આપણી આસપાસના લોકો, આપણા હાથ નીચે કામ કરતા લોકો કે આપણા પરિવારના સભ્યોને વશમાં રાખવાને બદલે આપણી જાતને જ વશમાં રાખતા શીખી જઈએ તો !
- Advertisement -
સફળ વ્યક્તિ એ છે જે તેના પર બીજા દ્વારા ફેંકવામાં આવેલી ઈંટોનો ઉપયોગ કરીને પોતાનો પાયો મજબૂત કરે છે. – ડેવિડ બ્રિકલે




