અમેરિકા-જાપાન બાદ ઓસ્ટ્રેલિયાનાં હવામાન વિભાગની પણ સત્તાવાર મહોર
1950 પછીનું સૌથી મોટું હવામાન સંકટ સર્જાવાની આશંકા
- Advertisement -
ઇતિહાસનાં 15માંથી 14 સૌથી ગરમ વર્ષ માત્ર 2000ની સાલ પછી નોંધાયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઓસ્ટ્રેલિયાનાં હવામાન વિભાગ (બ્યુરો ઓફ મેટિઓરોલોજી) દ્વારા દેશમાં સત્તાવાર રીતે ‘અતિ શક્તિશાળી’ અલ નીનો ગ્લોબલ વેધર ઇવેન્ટની જાહેરાત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ, આ વર્ષનો અલ નીનો છેલ્લાં કેટલાક દાયકાઓનો સૌથી ગંભીર અને પ્રચંડ હોઈ શકે છે, જેનાં કારણે આગામી ઉનાળાનાં મહિનાઓમાં ઓસ્ટ્રેલિયામાં અસહ્ય ગરમી, કાળઝાળ હીટવેવ, તીવ્ર દુષ્કાળ અને જંગલોમાં લાગતી ભયાનક આગનું જોખમ ચિંતાજનક સ્તરે વધી ગયું છે. જોકે ઓસ્ટ્રેલિયાનાં હવામાન વિભાગે આ જાહેરાત કરવામાં થોડો વિલંબ કર્યો છે, કારણ કે અમેરિકાની પ્રખ્યાત હવામાન એજન્સી ‘NOAA’ અને જાપાનની એજન્સીઓએ ગયા અઠવાડિયે જ સત્તાવાર રીતે આ વૈશ્વિક પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાનું જાહેર કરી દીધું હતું. અમેરિકાના વૈજ્ઞાનિકોએ તો ત્યાં સુધી આશંકા વ્યક્ત કરી છે કે વર્ષ ૧૯૫૦ પછીનાં ઇતિહાસમાં નોંધાયેલાં સૌથી મોટા હવામાન ફેરફારોમાં આ વર્તમાન ઘટના મોખરે રહી શકે છે.
- Advertisement -
વિજ્ઞાનની ભાષામાં સમજીએ તો, આ આખી પ્રક્રિયા પ્રશાંત મહાસાગરમાં વિષુવવૃત્તની આસપાસનાં દરિયાઈ પાણીનાં તાપમાનમાં અસામાન્ય વધારો થવાને કારણે શરૂ થાય છે. આ ગરમીને લીધે સમુદ્ર પર ફૂંકાતા ટ્રેડ વિન્ડ્સ નબળાં પડી જાય છે, જેને વૈજ્ઞાનિકો ‘એટમોસ્ફેરિક કપલિંગ’ એટલે કે સમુદ્ર અને વાતાવરણનું જોડાણ કહે છે. આ સ્થિતિ સર્જાવાના કારણે ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કિનારા તરફ આવતાં ભેજવાળા પવનો અટકી જાય છે અને ત્યાં વરસાદનું પ્રમાણ નહિવત થઈ જાય છે. હવામાનશાસ્ત્રીઓ આ સમગ્ર ચક્રને માત્ર અલ નીનો કહેવાને બદલે ‘અલ નીનો-સધર્ન ઓસિલેશન’ (ENSO) તરીકે ઓળખાવે છે, જે દર્શાવે છે કે જ્યારે સમુદ્ર અને વાતાવરણ બંનેની સ્થિતિ એકસાથે બદલાય ત્યારે જ આવી આકરી પરિસ્થિતિ ઊભી થાય છે. આનાથી તદ્દન ઉલટી સ્થિતિને ‘લા નીના’ કહેવામાં આવે છે, જેમાં સમુદ્રનું પાણી ઠંડું પડતાં ભેજવાળા પવનો ફૂંકાય છે અને ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કિનારે પૂર જેવો ભારે વરસાદ પડે છે.
આ અગાઉનો છેલ્લો અલ નીનો ૨૦૨૩ની શરૂઆતથી લઈને ૨૦૨૪ની શરૂઆત સુધી સક્રિય રહ્યો હતો, જે દરમિયાન ઓસ્ટ્રેલિયાએ ઇતિહાસનાં સૌથી સૂકા ત્રણ મહિના ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓકટોબર ૨૦૨૩નો સામનો કરવો પડયો હતો.
જોકે, રાહતની વાત એ છે કે, હાલમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, પરંતુ લાંબા ગાળાનાં ત્રણ મહિનાનાં અંદાજો સ્પષ્ટપણે દર્શાવે છે કે આગામી સમયમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું ઊંચું રહેશે અને વરસાદ સરેરાશ કરતાં ઓછો પડશે. આ પરીસ્થિતિ પાછળ ગ્લોબલ વોર્મિંગ પણ મોટો ભાગ ભજવી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે અને તેનાં પુરાવા રૂપે ઓસ્ટ્રેલિયામાં વર્ષ ૧૯૧૦થી શરૂ થયેલા હવામાનના રેકોર્ડ્સ અનુસાર, ઇતિહાસનાં ૧૫ સૌથી ગરમ વર્ષોમાંથી ૧૪ વર્ષો તો માત્ર વર્ષ ૨૦૨૨ પછીનાં ગાળામાં જ નોંધાયાં છે, જે ચિંતાજનક તજજ્ઞોનું કહેવું છે કે અલ નીનોની તાકાત સમુદ્રની સપાટીના તાપમાન પરથી નક્કી થાય છે, પણ તેનો અર્થ એવો નથી કે શક્તિશાળી અલ નીનો હંમેશાં વિનાશક જ સાબિત થાય. ઇતિહાસ સાક્ષી છે કે ક્યારેક નબળાં અલ નીનોએ પણ દેશમાં ભયંકર દુષ્કાળ કે જંગલોની આગ સળગાવી છે, જ્યારે ખૂબ જ શક્તિશાળી અલ નીનોની અસર ઓછી પણ રહી હોય તેવું બન્યું છે. તેથી આ વખતે તેની ચોક્કસ અસરો કેવી રહેશે તે અત્યારથી કહેવું મુશ્કેલ છે. આ હવામાન ચક્ર માત્ર ઓસ્ટ્રેલિયા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની વૈશ્વિક અસરો થાય છે.
આના કારણે એક તરફ અમેરિકાનાં વિસ્તારોમાં ભયંકર વાવાઝોડા અને પૂરની સ્થિતિ સર્જાય છે, તો બીજી તરફ ઉત્તર આફ્રિકાના દેશોમાં ભારે દુષ્કાળ અથવા અણધાર્યા પૂરની આફતો આવી શકે છે, જે દર્શાવે છે કે સમુદ્રનાં તાપમાનમાં થતો સામાન્ય ફેરફાર પણ સમગ્ર દુનિયાની આબોહવાને કેવી રીતે હચમચાવી શકે છે.




