ઓકલેન્ડમાં રહેતાં એક ગુજરાતી આધેડ મહિલાનો મેસેજ આવ્યો: ’મારા પતિને કેન્સર થયું છે. પુત્રની જોબ છૂટી ગઇ છે. પુત્રવધૂ ડિવોર્સ આપીને જતી રહી છે. એનાં બે બાળકોને ઉછેરવાની જવાબદારી મારા પર આવી પડી છે. મારા બંને પગના સાંધા ઘસાઇ ગયા છે. હું ચારે બાજુથી ઘેરાઇ ગઇ છું. ઇશ્વરને પ્રાર્થના કરું છું, પણ એવું લાગે છે કે ઇશ્વર બહેરો છે. મારે શું કરવું તે કહો.’ સૌથી પહેલા તો હું એવું વાક્ય ઉચ્ચારું છું કે ભગવાન તમને બધાં દુ:ખોમાંથી બહાર લાવશે. હું કોઇ સંત કે મહાત્મા નથી, પરંતુ સિદ્ધ પુરુષો કહી ગયા છે કે બોલાયેલા શબ્દમાં સાચા પડવાનું સામર્થ્ય રહેલું હોય છે. માટે જ આપણી સંસ્કૃતિમાં આશીર્વાદ આપવાની પરંપરા છે. હવે બીજી વાત, આપણી આસપાસ ઊર્જાના તરંગો ઊછળી રહ્યા છે. આખું બ્રહ્માંડ કોસ્મિક એનર્જીથી ભરેલું છે. આપણે જાણતા નથી કે પરમાત્મા, પરમ તત્ત્વ, પરમ ચૈતન્ય, દિવ્ય તત્ત્વ, સર્વોચ્ચ શક્તિ ક્યાં વસેલી છે. કોઇ પરગ્રહ ઉપર રહેતા એલિયન જીવો, જે આપણા કરતાં અનેકગણા શક્તિશાળી છે, તેઓ પણ કોસ્મિક એનર્જીના આ જ મહાસાગરમાં નહાઇ રહ્યા છે. આપણે આપણી અંદર રહેલી એનર્જીને આ કોસ્મિક એનર્જી સાથે એકસૂરમાં જોડીને, આપણા જીવનને પૂરેપૂરું સાત્ત્વિક બનાવીને ઉત્ક્ટ ભાવથી ઇશ્વરને પ્રાર્થના કરવી જોઇએ. શક્ય હોય તો પ્રાર્થના ઉચ્ચારણ સાથે કરવી જોઇએ. સંપૂર્ણ શરણાગતિ સાથે હૃદયમાંથી ઊઠેલા શબ્દો બ્રહ્માંડમાં ક્યાંક તો પહોંચશે જ. આવતીકાલે ધ્યાનમાં બેસતી વખતે હું પણ તમારા માટે પ્રાર્થના કરીશ. મહાત્મા ગાંધીજી કહી ગયા છે કે પ્રાર્થનામાં અપાર શક્તિ રહેલી છે.
સંપૂર્ણ શરણાગતિ સાથે હૃદયમાંથી ઊઠેલા શબ્દો બ્રહ્માંડમાં ક્યાંક તો પહોંચશે જ

You Might Also Like
Follow US
Find US on Social Medias


