પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનો કાંટો કાઢી નાંખ્યો
પત્ની બે વર્ષ સુધી પરિવારને કહેતી રહી- ‘એ તો ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે’ અંતે ભાંડો ફૂટ્યો
- Advertisement -
જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા શિવમ પાર્કમાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેણે ફિલ્મી સ્ટોરીઓને પણ પાછળ છોડી દીધી છે. બે વર્ષ અગાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ગુમનોંધની તપાસ પાછળ હત્યાનું એક મોટું રહસ્ય છુપાયેલું હોવાનો પર્દાફાશ થયો છે. જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનો કાંટો કાઢી નાંખ્યો હતો.
પતિ તેને ત્રાસ આપતો હોવાની પ્રેમીને જાણ કરતાં તેણે તેના જ કારખાનામાં પાર્ટીના બહાને બોલાવીને કાસળ કાઢી નાખ્યું હતું. એટલું જ નહીં, કેફી પીણું પીવડાવી મોતને ઘાટ ઉતારી કારખાનામાં જ 10 ફૂટનો ખાડા ખોદી લાશ દાટી દીધી હતી. બીજી તરફ પત્ની બે વર્ષ સુધી પરિવારને કહેતી રહી કે, ‘એ તો ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે’. જોકે, પરિવારના સભ્યોને શક જતા તેઓએ પોલીસમાં જવાનું કહેતા જ પત્નીએ ગુનાની કબૂલાત કરી હતી.
આ અંગે ASP પ્રતિભાએ જણાવ્યું કે, સિટી ‘બી’ પોલીસ સ્ટેશનમાં એક અરજી આવી હતી, જેમાં ફરિયાદી અશોક માવદિયાએ જણાવ્યું હતું કે, તેમનો ભાઈ જિગ્નેશ છેલ્લા બે વર્ષથી લાપતા છે. તેની પત્નીને પૂછતાં તે કહેતી હતી કે તે ઓસ્ટ્રેલિયા ગયો છે. જ્યારે પણ પરિવાર તેનો સંપર્ક નંબર માગતો, ત્યારે તેની પત્ની એવું કહેતી કે, તે ઓસ્ટ્રેલિયામાં જે કંપનીમાં કામ કરે છે, ત્યાં ફોન પર વાત કરવાની મંજૂરી નથી. આથી છેલ્લા બે વર્ષથી પરિવારનો તેની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. આ દરમિયાન પરિવારમાંથી કાકાનો દીકરો ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો હતો, તેથી તેમણે તેની પત્ની પાસે ફરીથી ભાઈનો નંબર માગ્યો કે, ‘હું ત્યાં જઈ રહ્યો છું, તો તેને મળવા માગું છું’. ત્યારે પોલીસની ધમકી આપતાં જ પત્નીએ જણાવી દીધું કે, અમે તો તેને બે વર્ષ પહેલાં જ મારી નાખ્યો છે.
- Advertisement -
આરોપી નિલેશે પ્રેમિકાના પતિને પોતાના કારખાનામાં પાર્ટી કરવા માટે આમંત્રણ આપ્યું હતું. પાર્ટી દરમિયાન દારૂમાં સાયનાઇડ ભેળવી દેવામાં આવ્યો હતો, જેના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ગુનામાં નિલેશને એક પરપ્રાંતીય શખસે પણ મદદગારી કરી હતી. ઉલ્લેખનીય છે કે, જિગ્નેશની પત્ની પૃથ્વી લગ્ન પહેલા જ નિલેશ નામના શખ્સને પ્રેમ કરતી હતી. જોકે, પૃથ્વીના જિગ્નેશ સાથે લગ્ન થઈ જતા બન્ને થોડા સમય સુધી અલગ પડ્યા હતા. બાદમાં ફરી બન્નેએ પ્રેમ સંબધ ચાલુ રાખ્યો હતો.
દારૂમાં સાયનાઇડ ભેળવીને હત્યા કરી દીધી
આ અંગે સિટી ‘બી’ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી અને શંકા વ્યક્ત કરી કે, તેમના ભાઈને તેની પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને મારી નાખ્યો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું કે, પીડિત જિગ્નેશની પત્ની પૃથ્વીએ પોતાના પ્રેમી નિલેશ સાથે મળીને તેના દારૂમાં સાયનાઇડ ભેળવીને તેની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેના મૃતદેહને કારખાનાની અંદર દાટી દીધો હતો. હાલમાં આ સ્થળે ખોદકામની કામગીરી ચાલુ છે.
પતિના ત્રાસ વચ્ચે પ્રેમસંબંધ બાદ હત્યાનો પ્લાન ઘડાયો
મૃતક અને તેની પત્ની વચ્ચે સતત તકરાર ચાલતી હતી અને પતિ દ્વારા પત્ની પર અસહ્ય શારીરિક તથા માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેને પગલે પત્નીએ પોતાના પર થતા ત્રાસ અંગે પ્રેમી નિલેશને જાણ કરી હતી. પતિના ત્રાસથી મુક્તિ મેળવવા માટે નિલેશ અને પ્રેમિકાએ મળીને તેની હત્યાનો ખૌફનાક પ્લાન ઘડી કાઢ્યો હતો.




