ફેમિલીને બદનામ કરી ધમકી આપવાના કેસમાં સુરેન્દ્રનગરથી ધરપકડ કરી સુરત લવાઈ
અવારનવાર વિવાદોમાં રહેતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર કીર્તિ પટેલ સામે સુરતમાં ફરી એકવાર કાયદાનો સકંજો કસાયો છે. પરિવારની સોશિયલ મીડિયા પર બદનક્ષી કરવા, ધમકી આપવા અને જંગી રકમ પડાવી લેવાના ગુનામાં પુણા પોલીસ સ્ટેશનની ટીમે કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી અટકાયત કરી છે. ભાવનગરના વેપારી રાજુ ભમ્મરે કીર્તિ પટેલ તથા સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ કેસમાં પુણા પોલીસે કીર્તિ પટેલને ઝડપી પાડી સુરત ખાતે લાવી હતી, જ્યાં પોલીસ સ્ટેશન બહાર તેણે ભારે હોબાળો મચાવ્યો હતો.
- Advertisement -
આ મામલે ડીસીપી આલોક કુમારે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, પુણા પોલીસ સ્ટેશનમાં BNS ની વિવિધ કલમો હેઠળ એક્સ્ટોર્શન, માનહાનિ, ગુનાહિત ધમકી, ષડયંત્ર તેમજ IT એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી કીર્તિ પટેલે નયના બારૈયા સાથે મળીને ૧૨ લાખ રૂપિયા લઈને રેપની ફરિયાદમાં સેટલમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત ફરિયાદી પાસેથી દોઢ વર્ષના ગાળામાં તબક્કાવાર કુલ રૂ. ૩ કરોડ ૧૨ લાખ પડાવી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તપાસ બાદ કેસમાં રંગદારીની કલમ ઉમેરીને કોર્ટ સમક્ષ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.
ડીસીપીએ વધુમાં ઉમેર્યું હતું કે, કીર્તિ પટેલ સામે અગાઉ પણ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં તોડ-એક્સ્ટોર્શનનો ગુનો નોંધાયેલો છે. સોશિયલ મીડિયા દ્વારા ખોટા મેસેજ અને વીડિયો વાયરલ કરી પૈસા પડાવવાની પ્રવૃત્તિને કારણે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડીએક્ટિવેટ કરાવવામાં આવ્યું છે. અગાઉના કેસમાં જામીનની શરતોનો ભંગ કરવા બદલ તેના જામીન રદ કરવા કોર્ટમાં રિપોર્ટ રજૂ કરી દેવાયો છે, જ્યારે આ ગુનામાં સામેલ બીજી આરોપી મહિલા કોન્સ્ટેબલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.




