ડૉ. શરદ ઠાકર : મોર્નિંગ મંત્ર
બે દિવસ પહેલા માણસા ખાતે મારા પ્રિય મિત્ર તેજસભાઈ દવે દ્વારા સંચાલિત સાધના કેન્દ્રમાં જઈ આવ્યો. મનને અપાર શાંતિ અને તનને અઢળક સુખ મળ્યું. લગભગ પાંત્રીસેક મિનિટ સુધી મેં ભગવાન શિવ અને મા પાર્વતી વિશે તેમ જ રોજ બરોજની જિંદગીમાં માંગલ્યો એ વિષય પર વક્તવ્ય આપ્યું. બધાને ખૂબ ગમ્યું.
- Advertisement -
દેવાધિદેવ મહાદેવ વિશે વાત કરું છું ત્યારે આપણા મહાન દેશના પ્રાચીન, ધાર્મિક અને આધ્યાત્મિક વારસા વિશે ચિંતન કરું છું. લગભગ આઠસો વર્ષની ગુલામીએ, ધર્માંતરણોએ અને અંગ્રેજી ષડયંત્રોએ આપણું આત્માભિમાન નષ્ટ કર્યું, આપણા ધર્મ વિશે અને આપણી સંસ્કૃતિ વિશે આપણને લઘુતા ગ્રંથિ અનુભવતા કરી દીધા.
આપણા દેશનું બધું જ ખરાબ. આપણે અંધશ્રદ્ધાળુ, આપણો દેશ એટલે જાદુ-ટોણાનો દેશ, આપણી પ્રજા એટલે ગરીબી, ગંદકી અને અંધશ્રદ્ધામાં આળોટતી પ્રજા. આવું બધું અંગ્રેજોએ આપણા મનમાં ઠસાવી દીધું.
એમને કોઈ પૂછો કે ભોજન કરતી વખતે અમે પગમાંથી જૂતા ઉતારી દેતાં હતાં. હાથ-પગ, મોં ધોઈને સ્વચ્છ કરતા હતા, ઘરમાં કપૂરનો ધૂપ પ્રગટાવતા હતા, અમારા મકાનને મંદિર જેવું સ્વચ્છ રાખતા હતા, ગાર માટીનો નિયમિત રીતે લીંપણ કરતા હતા અને રોજ સ્નાન કરવાની આદત ધરાવતા હતા. આમાંનું કશું જ તમે લોકો કરતાં હતાં?
- Advertisement -
બીજો પ્રશ્ન મારે એ પૂછવો છે કે અમારા ગંદા દેશ તરફથી વિશ્વને કોઈ મહામારી મળી છે ખરી ? પ્લેગ, ઈન્ફ્લુએન્ઝા, કોરોના, સ્વાઈન ફલૂ કે એચ.આઈ.વી. આવો કોઈ વાયરસ અમારા કહેવાતા ગંદા દેશ તરફથી ફેલાયો છે કે તમારા કહેવાતા સ્વચ્છ દેશોમાંથી? અમારા ભગવાનો, અમારા દેવી દેવતાઓ સિંબોલિક છે. એ તમને ન સમજાય તો એમાં દોષ કોનો ? ભગવાન શિવ એ માંગલ્યનુ પ્રતિક છે અને મા ભવાની એ શકિતનુ પ્રતિક છે. રોજબરોજની જિંદગીમાં જયાં જયાં માંગલ્ય છે ત્યાં અમારો શિવ છે અને જયાં જયાં કોઈ પણ કાર્ય કરવાની ઊર્જા અમને મળે છે ત્યાં અમારું શક્તિ તત્ત્વ છે. એટલા માટે જ અમે સાકારની સાથે સાથે નિરાકારની પૂજા પણ કરીએ છીએ. ગમાર તો તમે લોકો છો જેમને અમારા શાસ્ત્રો, અમારો ધર્મ, અમારી જીવન પદ્ધતિ અને અમારું અધ્યાત્મ સમજતા હજી હજારો વર્ષ લાગી જશે. વિશ્વયુદ્ધો તમે નોતર્યા છે અમે નહીં. અમારા દેશે હંમેશા શાંતિનો અને ભાઈચારાનો જ સંદેશ જગતને આપ્યો છે.




