મોરબીના નવા યુવા મેયરના વિડીયો વાયરલ
પહેલાં: ટિકિટથી મેયર પદ સુધી હેમરાજભાઈનો જ હાથ
- Advertisement -
પછી: પ્રદેશ-જિલ્લા નેતૃત્વના કારણે મેયર પદ મળ્યું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ઉત્તમ સુરાણીના સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યા છે. આ વિડીયોમાં તેમના દ્વારા કરાયેલા કેટલાક ખુલાસાઓને કારણે ભાજપ સંગઠન અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક વિડીયોમાં તેઓએ પક્ષની ટિકિટ મળવા, મેયર પદ સુધી પહોંચવા પાછળ સમાજના આગેવાનનો આભાર માન્યો હતો, જેના કારણે વિવાદ ઊભો થતાં આખરે મેયર ઉત્તમ સુરાણીએ સામે આવીને સત્તાવાર રીતે બીજા વિડીયોમાં સ્પષ્ટતા કરવી પડી છે કે, પ્રદેશ-જિલ્લા નેતૃત્વના કારણે મેયર પદ મળ્યું છે.
પ્રથમ વીડિયોમાં મેયર ઉત્તમ સુરાણી એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે, ચૂંટણીમાં ટિકિટ અપાવવાથી લઈને જીત મેળવવા અને ત્યારબાદ મેયર પદ સુધી પહોંચાડવામાં ગુજરાતના ઋષિવંશી સમાજ સેવા સંઘના સ્થાપક હેમરાજભાઈ પાડલિયાનો સિંહફાળો છે અને તેમના થકી જ મને આ સ્થાન મળ્યું છે. હું મોરબીના ઋષિવંશી સમાજનો કાર્યકર્તા છું અને સમાજના તારલાઓને આપણે આગળ વધારીશું. આ વિડીયો વાયરલ થતાં જ રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી હતી કે, શું ભાજપમાં ટિકિટ અને પદ સંગઠનને બદલે જ્ઞાતિના આગેવાનો નક્કી કરે છે?
જોકે આ વિડીયો વાયરલ થતા જબરી ચર્ચા જાગી હતી. ત્યારબાદ કદાચ પ્રદેશ ભાજપમાંથી કે અન્ય કોઈ ઊચ્ચ કક્ષાનાં નેતાની સૂચનાથી મેયર ઉત્તમ સુરાણીએ તાકીદે થૂંકેલું ચાટતા હોય તેમ બીજો વિડીયો બનાવી સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. બીજા વિડીયોમાં તેમણે જણાવ્યું હતું કે, હેમરાજ પાડલિયા ઋષિવંશી સમાજના દેવી ઉપાસક અને વડીલ છે. હું ભારતીય જનતા પાર્ટીનો એક સામાન્ય અને વફાદાર કાર્યકર્તા છું. મને જિલ્લા આગેવાન અને સંગઠન થકી ટિકિટ મળી હતી. પ્રજાના આશીર્વાદથી કોર્પોરેટર અને જિલ્લા – પ્રદેશ નેતૃત્વના કારણે મેયર પદ મળ્યું છે. એવું તેમણે જણાવ્યું છે. જોકે હવે આ બંને વાયરલ વિડીયોએ મોરબીના રાજકારણથી લઈ ગાંધીનગર સુધી તરહતરહ ચર્ચાઓ જગાવી છે.



