નિયમ મુજબ વિપક્ષનું પદ મેળવવા માટે કુલ બેઠકના 10% બેઠક હોવી અનિવાર્ય
રાજકોટમાં 72માંથી 7 બેઠક કોંગ્રેસે હાંસલ કરી છે તેથી વિપક્ષી પદ મળે તેવી પ્રબળ શક્યતા
- Advertisement -
ગાંધીધામ, વાપી, આણંદ, અમદાવાદ અને ભાવનગરમાં કૉંગ્રેસનું વિપક્ષી પદ ફાઈનલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની 2026ની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ મોટાભાગની બેઠકો પર વિજય મેળવી પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. બીજી તરફ, મુખ્ય વિપક્ષ ગણાતી કોંગ્રેસ માટે આ પરિણામો ચિંતાજનક રહ્યા છે. નિયમ મુજબ વિપક્ષનું પદ મેળવવા માટે કુલ બેઠકોના 10 ટકા બેઠકો હોવી અનિવાર્ય છે, જે જોતા કોંગ્રેસ અનેક મહત્વના શહેરોમાં વિપક્ષી પદ ગુમાવી રહી છે.
મેટ્રો શહેરોમાં કોંગ્રેસની સ્થિતિ અમદાવાદમાં 192 બેઠકોમાંથી 32 બેઠકો જીતીને કોંગ્રેસ પોતાનું વિપક્ષી પદ ટકાવી રાખવામાં સફળ રહી છે. જોકે, અન્ય મેટ્રો શહેરોમાં સ્થિતિ વિપરીત છે. સુરતમાં 120 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે જ્યારે આપને ચાર બેઠક મળી છે. વડોદરામાં 76 બેઠકો સામે 6 અને રાજકોટમાં 72 બેઠકો સામે માત્ર 7 બેઠકો મળતા કોંગ્રેસ 10 ટકાનો આંકડો પાર કરી શકી નથી, જેના કારણે આ મોટા શહેરોમાં વિપક્ષી પદ મેળવવું મુશ્કેલ બન્યું છે.
ચૂંટણીના આંકડાઓનું વિશ્લેષણ કરતા જણાય છે કે 15 માંથી માત્ર 5 શહેરોમાં જ કોંગ્રેસ 10 ટકાથી વધુ બેઠકો મેળવી શકી છે. આ શહેરોમાં અમદાવાદ (32 બેઠકો), ભાવનગર (8 બેઠકો), આણંદ (8 બેઠકો), વાપી (11 બેઠકો) અને ગાંધીધામ (11 બેઠકો) નો સમાવેશ થાય છે.
મોરબી અને પોરબંદર નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી, ત્યાં ભાજપે તમામ 52 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યું છે. જામનગરમાં 64 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી છે. આ ઉપરાંત નવસારી, સુરેન્દ્રનગર અને નડીયાદમાં પણ કોંગ્રેસનો દેખાવ અત્યંત નબળો રહ્યો છે, જ્યાં તેમને માંડ 1 કે 2 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.



