રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ, પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલીમાં નો એન્ટ્રી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
- Advertisement -
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ તે માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે રોણકીની કરોડોની જમીન પચાવી પાડવા સહિતના ગુનામાં સંડોવાયેલા અને અગાઉ રાજકોટના તાલુકા પોલીસ મથકમાં ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી થઇ છે તેવા કુખ્યાત રમેશ રાણા મકવાણા સામે મેટોડા પોલીસે તડીપારનો હુકમ કર્યો છે. મેટોડા જીઆઇડીસી પોલીસે હુકમની બજવણી કરી હતી રમેશ મકવાણાને રાજકોટ ઉપરાંત અન્ય સાત જિલ્લા મોરબી, જામનગર, જૂનાગઢ, પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલીમાં બે વર્ષ માટે હદપાર કરવામાં આવ્યો છે. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વારંવાર ગુના આચરવાની ટેવ ધરાવતા શખસો સામે પાસા અને તડીપારની દરખાસ્ત કરવા સૂચના આપવામાં આવી હોય જે અન્વયે ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ મેટોડા જીઆઇડીસી પીઆઇ એમ.જે.પરમારે મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં મહિલાને ડરાવી ધમકાવી ભય ફેલાવવાની અસામાજિક પ્રવૃત્તિ કરનાર કુખ્યાત રમેશ રાણાભાઇ મકવાણા વિરૂધ્ધ હદપારીની દરખાસ્ત તૈયાર કરી નાયબ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ વિમલર્કિર્તી ચક્રવર્તીને મોકલતા તેમણે આરોપી સામે હદપારનો હુકમ કર્યો છે આ હુકમની મેટાડા જીઆઇડીસી પોલીસે બજવણી કરી આરોપી મૂળ પડધરીના નાની અમરેલીના હાલ રાજકોટ આંબેડકરનગરમાં રહેતા રમેશ રાણાભાઇ મકવાણાને હદપાર કરી દેવાયો છે. રમેશ મકવાણાને રાજકોટ ઉપરાંત અન્ય સાત જિલ્લા મોરબી, જામનગર, જૂનાગઢ, પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલીમાં બે વર્ષ માટે હદપાર કરવામાં આવ્યો છે.
રમેશ રાણાનો ગુનાહિત ઇતિહાસ
આરોપી રમેશ રાણાભાઇ મકવાણા સામે અગાઉ રાજકોટમાં પ્ર.નગર છેતરપિંડી, પોલીસ જાપ્તામાંથી ભાગી જવાના, તાલુકા પોલીસમાં ગુજસીટોક, ધમકી, લોધીકામાં રાયોટીંગ, ડીસીબીમાં છેતરપિંડી સહિતના પોલીસ મથકમાં ગંભીર ગુના નોંધાઇ ચૂકયા છે. આરોપી રમેશ રાણા અને તેના સાથીદારો સામે રાજકોટના તાલુકા પોલીસ મથકમાં ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.



