રાજકોટના ભવિષ્ય માટે કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર: વિકાસ, સુવિધા અને પારદર્શિતાનો દ્રષ્ટિપૂર્ણ રોડમેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
- Advertisement -
શહેરની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આ વખતની ચૂંટણી માત્ર સત્તા માટેનો સંઘર્ષ નહીં, પરંતુ શહેરના ભવિષ્યને નવી દિશા આપવાની ઐતિહાસિક તક છે. તેમણે કમિટમેન્ટ કોંગ્રેસનું – રાજકોટ માટે શીર્ષક હેઠળ પાર્ટીનો મેનિફેસ્ટો રજૂ કરતાં જણાવ્યું કે આ દસ્તાવેજ શહેરના સર્વાંગી વિકાસ માટેનો સ્પષ્ટ અને જવાબદાર રોડમેપ છે. કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા મેનિફેસ્ટોમાં શહેરના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને નવા સમાવેશ કરાયેલા વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજની જાહેરાત સાથે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. 70 વાર સુધીના મકાનો પર ઘરવેરો માફી અને રહેણાંક ક્ષેત્રે રાહતો આપવાનો નિર્ણય મધ્યમવર્ગ માટે મોટી રાહત બની શકે છે. ડિમોલેશનથી પ્રભાવિત પરિવારોને આવાસમાં પ્રાથમિકતા આપવાની પણ ખાતરી આપવામાં આવી છે.
શહેરમાં લાંબા સમયથી ચાલતી પાણી અને ગટર વ્યવસ્થાની સમસ્યાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મહત્વપૂર્ણ વચનો આપ્યા છે. અનેક વિસ્તારોમાં ગટર લાઇનનું પાણી પીવાના પાણીમાં મિશ્રિત થવાની ફરિયાદોને ગંભીરતાથી લઈને, પાણી પુરવઠામાં વધારો અને ગટર તથા પીવાના પાણી માટે અલગ અને આધુનિક લાઇન સિસ્ટમ ઉભી કરવાની યોજના રજૂ કરવામાં આવી છે. આ પગલું નાગરિકોના આરોગ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રે પણ મેનિફેસ્ટોમાં નોંધપાત્ર જાહેરાતો કરવામાં આવી છે. સિનિયર સિટીઝન્સ માટે વાર્ષિક ફુલ બોડી ચેકઅપ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની મફત દવાઓ તથા 24 કલાક કાર્યરત નવા આરોગ્ય કેન્દ્રોની સ્થાપના કરવાની યોજના છે, જેથી દરેક નાગરિકને સમયસર અને સસ્તી સારવાર મળી શકે. શિક્ષણ ક્ષેત્રે દરેક વોર્ડમાં ડિજિટલ શાળાઓ, ઠશઋશ ઝોન અને ગુણવત્તાસભર કોચિંગ સેન્ટરો ઉભા કરવાની વાત કરવામાં આવી છે. આ સાથે જ પરિવહન વ્યવસ્થામાં સુધારા માટે સિટી બસ સેવા વિસ્તૃત કરીને નવા વિસ્તારો સુધી પહોંચાડવાની તથા મહિલાઓ, વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે વિનામૂલ્યે બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાના ઉકેલ માટે દરેક ઝોનમાં ફ્રી પાર્કિંગ અને ચાલવા યોગ્ય ફૂટપાથોની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે ફીમેલ જીમ, ફ્રી લાયબ્રેરી મેમ્બરશિપ અને તમામ ઝોનમાં પિંક ટોયલેટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. યુવાનો માટે આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારીના અવસર વધારવા પર પણ ભાર મૂકાયો છે.
સફાઈ, હરિયાળી અને પ્રદૂષણ ઘટાડવા માટે કોંગ્રેસે ચોક્કસ પગલાં લેવાની ખાતરી આપી છે, જેથી રાજકોટને સ્વચ્છ અને આરોગ્યપ્રદ શહેર તરીકે વિકસાવવામાં આવે. સાથે જ પાર્ટીએ પોતાના ઇતિહાસનો ઉલ્લેખ કરતાં માહિતીનો અધિકાર કાયદો, મનરેગા, ખાદ્ય સુરક્ષા અને શિક્ષણના અધિકાર જેવા કાયદાઓને જનહિત માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિક ગણાવ્યું છે. ચૂંટણી પહેલા માત્ર બે દિવસ બાકી હોવા પર ડો. જાડેજાએ રાજકોટની જનતાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં મળેલા સમર્થનથી પાર્ટી વધુ મજબૂત બની છે. તેમણે નાગરિકોને 26મી તારીખે મતદાન કરીને સમર્થન આપવા અપીલ કરી છે.



