દુષ્કર્મ પીડિતાની ન્યાય માટે પોલીસ કમિશનરથી લઈ ગૃહ મંત્રાલય સુધી ગુહાર
આરોપીએ કાયદાના સકંજામાંથી બચવા માટે ‘દવા પીવાનું નાટક’ કર્યું હોવાનો પીડિતાનો આક્ષેપ
- Advertisement -
આરોપીએ પીડિતાની ઓળખ છતી થાય તેવા હીન પ્રયાસો કર્યા છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટથી લઈ રાજ્યભરમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના પ્રકરણમાં પીડિત મહિલાને ન્યાય ન મળતો હોવાનું તેમજ ભારે બદનામીનો સામનો કરવો પડી રહ્યો હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. પહેલા દુષ્કર્મ અને પછી બદનામી જેવા ગંભીર ગુનામાં ન્યાય મેળવવા માટે પીડિત મહિલાએ પોલીસ કમિશનર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. પીડિતાનો આક્ષેપ છે કે, આ ગુનાનો આરોપી વારાણસીમાં હોવા છતાં સ્થાનિક પોલીસ તેને પકડવામાં અને જરૂરી કાર્યવાહી કરવામાં નિષ્ક્રિય રહી છે.
બનાવની વિગત અનુસાર આજથી થોડા દિવસો પૂર્વે શિક્ષિકા દ્વારા નોંધાવવામાં આવેલી દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપી વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ કરી ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ વીડિયોમાં તેણે મહિલાની ઓળખ છતી કરી હતી તેમજ અંગત ફોટો વાયરલ કરી દીધા હતા.
હવે પીડિત મહિલાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના (નં. 11208035260204/2026) સંદર્ભે પોલીસ કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે, દુષ્કર્મનો આરોપી હાલ ઉત્તરપ્રદેશના વારાણસી ખાતેની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીડિતાના જણાવ્યા મુજબ, આરોપીએ કાયદાના સકંજામાંથી બચવા માટે ‘દવા પીવાનું નાટક’ કર્યું છે.
મહિલાએ પોતાની અરજીમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર ભાર મૂક્યો છે: 1. સાયબર ક્રાઈમ: આરોપીએ પીડિતાની ઓળખ છતી થાય તેવા હીન પ્રયાસો કર્યા છે, જે સાયબર ક્રાઈમ હેઠળ ગંભીર ગુનો બને છે. 2. પોલીસની નિષ્ક્રિયતા: તપાસ કરનાર અધિકારી (ઈંઘ) અને વિઝિટેશન ઓફિસર જાણતા હોવા છતાં કે આરોપી વારાણસીમાં છે, તેઓએ તેને કસ્ટડીમાં લેવા માટે હજુ સુધી કોઈ ત્વરિત કાર્યવાહી કરી નથી કે વારાણસી ખાતે તપાસમાં ગયા નથી. 3. રક્ષણ આપવાનો આક્ષેપ: પીડિતાએ આશંકા વ્યક્ત કરી છે કે આરોપીને બચાવવા માટે કોઈ પ્રયાસો થઈ રહ્યા હોય તેવું જણાય છે, જેના કારણે તેને અન્યાય થઈ રહ્યો છે.
અરજીના અંતે પીડિતાએ વિનંતી કરી છે કે, આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને વારાણસીના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવે અને આરોપીની વહેલી તકે ધરપકડ કરીને તેને રાજકોટ લાવવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ કમિશનરથી લઈ ગૃહ મંત્રાલય સુધી થયેલી આ રજૂઆત બાદ પોલીસ હરકતમાં આવે છે કે કેમ?



