ચૂંટણી ફોર્મમાં નાનકડી ભૂલ પણ ઉમેદવારી રદ્દ કરાવી શકે છે, તે જોતા 60 વકીલોની ટીમ ઉમેદવારોના ફોર્મ ભરશે
શહેર ભાજપ કાર્યાલય ખાતે ખાસ ટેબલ ગોઠવી દેવાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મનપાની ચૂંટણીના જંગમાં વિજય મેળવવા માટે ભાજપે કમર કસી છે. આજે ભાજપ દ્વારા સત્તાવાર રીતે 72 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મોડી રાતથી જ ફોર્મ ભરવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે. ચૂંટણી ફોર્મમાં નાનકડી ભૂલ પણ ઉમેદવારી રદ કરાવી શકે છે, તે જોતા ભાજપે કાનૂની મોરચે કોઈ કચાશ રાખી નથી, ફોર્મની ચકાસણી અને કાયદાકીય માર્ગદર્શન માટે 60થી વધુ નિષ્ણાત વકીલોની ફોજ તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને વોર્ડ નંબર 18 માટે અલગથી 18 લીગલ ટીમની રચના કરવામાં આવી છે, જે ફોર્મ ભરવાની પ્રક્રિયા પર દેખરેખ રાખશે.
શહેર ભાજપ કાર્યાલય ખાતે ખાસ ટેબલો ગોઠવી દેવામાં આવ્યા છે. ભાજપની રણનીતિ મુજબ કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે ભાજપ દરેક બેઠક પર ડમી ઉમેદવાર પણ ઉતારશે. આમ, કુલ 144 ફોર્મ તૈયાર કરવામાં આવશે. ઉમેદવારોના નામ જાહેર થયા બાદ તમામ 144 ફોર્મ ભરવા માટે વકીલો અને કાર્યકરો આખી રાત ‘કમલમ’ ખાતે હાજર રહેશે.
આજે રાત્રે ફોર્મ તૈયાર થયા બાદ, આવતીકાલે ભાજપના તમામ ઉમેદવારો એકસાથે મળીને ભવ્ય રેલી અને શક્તિ પ્રદર્શન સાથે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના નામાંકન પત્ર દાખલ કરશે. આ શક્તિ પ્રદર્શન દ્વારા ભાજપ પોતાની સંગઠન શક્તિનો પરિચય કરાવશે.



