દેશી દારૂના અડ્ડા, અસામાજિક તત્ત્વો અને ચોતરફ ગંદકીના ત્રાસથી સ્થાનિકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર
ઋષિવાટિકા સોસાયટીના ગેટ પર બેનરો લગાવી રાજકીય પક્ષોના પ્રવેશ પર બંધી ફરમાવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના વોર્ડ નં. 1માં આવેલા ઋષિવાટિકા સોસાયટીના રહીશોએ તંત્ર અને શાસકો સામે મોરચો માંડ્યો છે. લાંબા સમયથી વિસ્તારમાં ફેલાયેલી ગંદકી અને બેરોકટોક ચાલતા દેશી દારૂના વેચાણથી કંટાળીને સ્થાનિકો હવે આરપારની લડાઈના મૂડમાં જોવા મળી રહ્યા છે. સોસાયટીના રસ્તાઓ પર ઉતરી આવેલા લોકોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનની સૌથી ખાસ વાત એ છે કે સ્થાનિકોએ સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર અને દિવાલો પર આકરા લખાણવાળા પોસ્ટરો લગાવ્યા છે. આ પોસ્ટરોમાં સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપવામાં આવી છે કે, “કોઈ પણ રાજકીય પાર્ટીએ મત માગવા માટે આ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં.” ઋષિવાટિકાના રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે વિસ્તારમાં દેશી દારૂનું દૂષણ હદ બહાર વધી ગયું છે. સ્થાનિકોએ બેનરોમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે અહીં ખુલ્લેઆમ દારૂ મળે છે, જેના કારણે અસામાજિક તત્વોનો જમાવડો રહે છે અને ઘરની મહિલાઓ તથા બાળકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. પોલીસ તંત્ર આ બાબતે મૌન સેવી રહ્યું હોવાનો રોષ પણ લોકોમાં જોવા મળ્યો હતો.
દારૂના દૂષણની સાથે સાથે આ વિસ્તારમાં સફાઈ વ્યવસ્થા પણ રામભરોસે છે. ગંદકીના ગંજ અને ઉભરાતી ગટરની સમસ્યાને કારણે સ્થાનિકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતા અંતે લોકોએ સ્વયંભૂ વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે. સોસાયટીના પુરુષોની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારે હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા કે પોલીસ તંત્ર જાગે છે કે પછી સ્થાનિકોનો આ વિરોધ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને છે.
‘દેશી દારૂની પોટલી અહીંયા મળે છે’ના બેનર લાગ્યા
- Advertisement -
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે દેશી દારૂનો મુદ્દો ઉછળ્યો છે. રાજકોટના વોર્ડ નંબર 1માં ઋષિ વાટિકા સોસાયટીના રહેવાસીઓએ દેશી દારૂની પોટલી આ તરફ મળે છેના બેનર લગાવ્યા છે.



