વીડિયો વાયરલ થતાં તપાસના આદેશ
60 લાખ ગ્રાહકો ધરાવતી કંપનીમાં ફરિયાદ નોંધવામાં આળસ નહીં ચલાવી લેવાય; અધિક્ષક ઇજનેર જીજ્ઞેશ ઉપાધ્યાયે એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસે રિપોર્ટ માંગ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના સોરઠીયાવાડી સબ ડિવિઝન પીજીવીસીએલ કચેરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીજ કંપનીની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વાયરલ વીડિયોમાં કચેરીના કર્મચારીઓ ગ્રાહકોના ફોન ન ઉપાડવા પડે તે માટે ફોનનું રિસીવર નીચે મૂકી દેતા નજરે પડ્યા હતા, જેને પગલે ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રાજકોટ શહેરના અધિક્ષક ઇજનેર જીજ્ઞેશ ઉપાધ્યાયે આ ઘટનાની ગંભીરતા નોંધતા જણાવ્યું હતું કે, સોરઠીયાવાડી સબ ડિવિઝનનો વીડિયો મળ્યા બાદ તુરંત જ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને તપાસના આદેશ આપ્યા છે. પીજીવીસીએલમાં અંદાજે 60 લાખ જેટલા ગ્રાહકો છે અને જ્યારે વીજ પુરવઠો ખોરવાય ત્યારે મોટી સંખ્યામાં ફોન આવતા હોય છે, પરંતુ કર્મચારીઓએ ફરજિયાત ગ્રાહકોની ફરિયાદ નોંધી વીજ પુરવઠો પૂર્વવત કરવાની કાર્યવાહી કરવાની હોય છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગ્રાહકો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ રિસીવર નીચે હોવાથી લાઈન વ્યસ્ત આવતી હતી. આ મામલે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જે કોઈ કર્મચારીની જવાબદારી નક્કી થશે, તેમની સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા તમામ સબ ડિવિઝનોને ગ્રાહકો સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા અને ફરિયાદોના તાત્કાલિક નિકાલ માટે કડક સૂચના આપવામાં આવી છે.



